Abtak Media Google News

રોડ-રસ્તા, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રકચર, એકસ્પોર્ટ અને રોજગારીના જેવા મુદ્દે સરકાર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે

૧૭મી લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતથી જીતતા નરેન્દ્ર મોદી ભારતના અર્થતંત્રને ધબકતુ કરવા રૂ.૧૦૦ લાખ કરોડનો માસ્ટર પ્લાનની અમલવારી કરશે જેમાં રોડ-રસ્તા, રેલવે, ઈન્ફાસ્ટ્રકચર,એકસ્પોર્ટ અને રોજગારીની તકો ઉભી કરવા માટે તેનું ધ્યાન કેન્દ્રિત કરશે.

અન્ય દેશોની સરખામણીમાં ભારત એક માત્ર એવો દેશ છે જેનું યુવાધન અન્યની સરખામણીમાં ખુબજ વધુ છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે, ભારતનું યુવાધન દેશ માટે કયાંક એસેટ તો કયાંક લાયેબીલીટી હોવાનું પણ મનાય છે જેનું એકમાત્ર કારણ તેઓની અપુરતી રોજગારી પણ માનવામાં આવે છે. જો મોદી સરકાર રોજગારી પુરી પાડવામાં સફળ થાય તો તે દિવસ દુર નથી જયારે ભારત અન્ય દેશોની સરખામણીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે માત્ર જરૂર છે કે, ભારતના નવયુવાનોને રોજગારી પૂર્ણત: મળી રહે અને દેશના વિકાસમાં તે અહમ ભાગ ભજવે.

હાલ ભારતની અર્થ વ્યવસ્થા ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે મોદી સરકાર દ્વારા નિર્મીત જે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે તેનાથી રોકાણનો પણ એક ઉપાય ઉદ્ભવીત થશે. ૧૦૦ લાખ કરોડ રૂપિયાના માસ્ટર પ્લાન વિશે વાત કરવામાં આવે તો તેમાં ખેડૂતોના લાભો, રોડ-રસ્તાના કામો, રેલવે, ઈન્ફાસ્ટ્રકચર, એકસ્પોર્ટ, રોજગારી સહિતના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ મુદ્દાને ધ્યાને લઈને ભારતનો જનાદેશ મોદી તરફેણનો આવ્યો છે તે વાત સાચી છે.

ધારાશાસ્ત્રીઓ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે, ગત ૩ માસમાં આર્થિક વિકાસનો દર ૬.૫ ટકા રહ્યો છે જે આવનારા મહિનાઓમાં પણ વધી શકશે તો નવાઈ નહીં. સાથો સાથ ૨૦૨૦ સુધીના બજેટમાં સરકારે ૩.૪ ટકા ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ પર બજેટ ડેફીસીટ ટાર્ગેટને પણ નિર્ધારીત કરી દીધો છે. ભાજપના મેનીફેસ્ટોમાં નિર્ધારીત કરવામાં આવેલા ૧૦૦ લાખ કરોડનું રોકાણ ૨૦૨૪ સુધી ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રમાં કરવામાં આવશે તેવો પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો.

જેમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયા સરકાર રોડ રસ્તા અને રેલવેના ખર્ચ માટે પણ ઉપયોગ કરશે. જેના કારણે આવનારા દિવસોમાં ભારતનું અર્થતંત્ર ફરીથી બેઠુ થશે અને વધુને વધુ ધબકતુ રહેશે ત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે, જો મોદી સરકાર આ માસ્ટર પ્લાનને અમલમાં મુકવામાં સફળતા પ્રાપ્ત કરશે તો ભારતનું અર્થતંત્ર ખુબજ મજબૂત અને તેની વૃદ્ધિદર અન્ય દેશોની સરખામણીમાં ખુબજ આગળ રહેશે. માત્રને માત્ર જે વાયદાઓ અને વચનો મોદી સરકાર દ્વારા ચૂંટણી પૂર્વે કરવામાં આવ્યા હતા તેને ખાલી ચરિતાર્થ કરવાની જ જરૂરીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.