સ્વાસ્થ્ય રક્ષા માટે ફેમીલી ડોકટરની જેમ હવે ફેમીલી ફાર્મર વિશે પણ વિચારવું પડશે: રાજયપાલ

ઉત્તર પ્રદેશમાં કૃષિ સંસ્થાન દ્વારા યોજાયેલી કાર્યશાળામાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું માર્ગદર્શન

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે લખનઉ સ્થિત ઉતર પ્રદેશ કૃષિ સંસ્થાન પરિષદ દ્વારા ભારતીય પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ વિષયક યોજાયેલી એક દિવસીય કાર્યશાળાને ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે, રાસાયણીક કૃષિના દુષ્પરિણામોને કારણે હવે સ્વાસ્થ્યરક્ષા માટે ફેમીલી ડોકટરની જેમ ફેમિલી ફાર્મર વિશે પણ વિચારવું પડશે.

રાજયપાલએ જણાવ્યું હતુ કે આઝાદી સમયે ખાધાન્નની અછતને કારણે રાસાયણીક કૃષિ અપનાવવી એ દેશની જરૂરીયાત હતી. હવે રાસાયણીક કૃષિના દુષ્પરિણામોને કારણે સમાજમાં કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગોનો પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિને રાસાયણીક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવી પડશે. તેમણે વૈજ્ઞાનિકોને ભારતીય પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ વિષયક વધુને વધુ સંશોધનો દ્વારા દેશના ખેડૂતોને માર્ગદર્શિત કરવા આહ્વાન કર્યું હતુ.

વેબીનારના માધ્યમથી યોજાયેલી આ કાર્યશાળામા ઉપસ્થિત રહેલા ઉત્તર પ્રદેશ રાજયના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ ઉત્તર પ્રદેશમાં ઘટી રહેલી જમીનની ફળદ્રુપતાની ચિંતા વ્યકત કરી રાસાયણીક ખાતરો અને જંતુનાશકોનાં ઉપયોગને ટાળવા પ્રાકૃતિક કૃષિને જન અભિયાન સ્વરૂપે ખેતરે ખેતરે પહોચાડવા હિમાયત કરી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ કૃષિ અનુસંધાન પરિષદના અધ્યક્ષ કેપ્ટન વિકાસ ગુપ્તા અને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. દેવેશ ચતૂવેદીએ ઉત્તર પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિની આવશ્યકતા ઉપર ભાર મૂકયો હતો. આ પ્રસંગે યોજાયેલા ટેકનિકલ સત્રમાં તજજ્ઞોએ પ્રાકૃતિક કૃષિની આવશ્યકતા ગુણવતા માપદંડો જેવા વિષયો પર સમૂહ ચિંતન કર્યું હતું.

Loading...