Abtak Media Google News

વડાપ્રધાને ગુજરાતમાં નાખેલા વિકાસના પાયાને મજબૂત કરવો છે 

રૂ.૧૯૮ કરોડના ફ્લાય ઓવરબ્રિજ સહિત રૂ.૫૭૮ કરોડના ૩૯ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

 મુખ્યમંત્રીના હસ્તે બાળકોને હેપીનેસ કિટ અર્પણ કરાઈ

 મુખ્યમંત્રીએ માળખાકીય સુવિધાઓ ઉભી કરી ગુજરાતને રોલ મોડેલ બનાવ્યું છે: પૂનમબેન માડમ

ગુજરાતના શહેરોને વિશ્વકક્ષાની સુવિધાયુક્ત બનાવીને માણવાલાયક બનાવવા છે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરને રૂા.૧૯૮ કરોડના ફલાય ઓવરબ્રીજ સહિત રૂ.૫૭૮ કરોડના ૩૯ વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતના શહેરોને વર્લ્ડ કલાસ સુવિધાયુકત કરીને ટ્રાફિક, ફાટક અને પ્રદુષણની મુક્તિ સાથે રહેવા અને માણવા લાયક બનાવવા છે. ગામડાના આત્માને પણ જાળવી રાખીને શહેરો જેવી સુવિધા સાથે ગુજરાતને અગ્રિમ વિકાસનું સરનામું બનાવવું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત પાયાને આગળ વધારીને વિકાસની નવી સિધ્ધિઓ હાંસલ કરીને ગુજરાત આદર્શ જીવનશૈલી સાથે સુખ-સુવિધાયુકત રાજય બનશે, તેવો વિશ્ર્વાસ તેમણે વ્યકત કર્યો હતો.Img 20210115 Wa0105 1

મુખ્યમંત્રીએ  જામનગરમાં રૂ. ૧૯૮ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત સહિત રૂ. ૫૭૮ કરોડના ૩૯ વિકાસકામોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં જામનગર શહેરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુધ્ધ થયેલ પાણીને મોટી ખાવડી પાસેની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ્ને આપવાના ૧૨૧ કરોડના કામનું  ખાતમુહૂર્ત, માર્ગ મકાન વિભાગ પંચાયતના રૂ. ૨૪ કરોડના ૨૦ કામોનું ખાતમુહુર્ત અને મહાનગરપાલિકાના રૂ. ૪૪ કરોડના ૭ કામોનું ખાતમુહુર્ત અને ૧૩૩ કરોડના ૫ કામોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત જેટકોના રૂ.૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત અને લોકર્પણ તથા ૧૭ કરોડના ખર્ચે  જામનગર મહાનગરપાલિકા, રિલાયન્સ ફાઉન્ડેશન અને કે એન્ડ ડી કોમ્યુનીકેશનના સહયોગથી બનેલ અક્ષયપાત્ર સેન્ટ્રલાઇઝ મેગા કીચનનું લોકાર્પણ કર્યું હતું.

 

મુખ્યમંત્રીએ લોકોની સંપત્તિની રક્ષા કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરીને સ્પષ્ટ કહ્યું કે, ગુંડાઓ ગુજરાત છોડે, મારી સરકારે અસામાજીક તત્વો અને માફીયાઓને કડક સજા થાય તે માટે કાયદાઓ બનાવ્યા છે. લોકોની મિલ્કત ગેરકાયદ રીતે અને ધાક-ધમકીથી પચાવી પાડનારાઓને જેલ ભેગા કરવા છે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જામનગરના વિકાસની વિભાવનાને આગળ વધારતા મહત્વની જાહેરાત કરી હતી કે, જામનગરમાં વર્લ્ડ કલાસ સ્પોર્ટસ મ્યુઝિયમ બનાવાશે. હાલારના ગૌરવવંતા રમતવીરોને યાદ કરીને મુખ્યમંત્રીએ આ સ્પોર્ટસ મ્યુઝિયમનું નામ સર જામ રણજીતસિંહજી રખાશે તેમ સગૌરવ જણાવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીના હસ્તે હાઇજીન, પોષણ અને શિક્ષણના ત્રિવેણી સંગમરૂપી એવી અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હેપીનેસ કિટ બાળકોને અર્પણ કરવામાં આવી હતી.

સાંસદ  પૂનમબેન માડમે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહી જણાવ્યું હતું કે, ગ્રામીણ-શહેરી દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ, સુસાશન માટેની નવી પોલીસીઓના ત્વરિત ઘડતર અને અમલ દરેક બાબતે ગુજરાત દેશમાં અગ્રેસર છે. મુખ્યમંત્રીએ માળખાગત વિકાસ અને સામાજિક કાર્યોમાં વિકાસલક્ષી કામગીરી કરી ગુજરાતને અન્ય માટે રોલ મોડેલ બનાવ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રીએ દરેક વર્ગ સાથે વ્યક્તિગત રીતે જોડાઈને તેમની સંવેદનાઓ અનુભવી લોકાભિમુખ, સંવેદનશીલ અને પારદર્શી સરકારનું  નેતૃત્વ કર્યું છે તેમ કહી સાંસદએ જામનગરને મળનાર ફ્લાયઓવર અને અક્ષયપાત્ર યોજનાઓના લાભ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલે સર્વે મહાનુભાવોનું સ્વાગત કરી  કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમજ જિલ્લા વહીવટીતંત્ર, પક્ષના હોદ્દેદારો અને ઓશવાળ શિક્ષણ સંઘ દ્વારા મુખ્યમંત્રીનું મોમેન્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી સત્ય સાંઇ સ્કૂલની બાળાઓ અને સંગીત શિક્ષકોએ સંગીત સુરાવલી રજુ કરી હતી.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, રિલાયન્સ ગ્રૂપના  મહેન્દ્રભાઈ પટેલ, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જગમોહન કૃષ્ણદાસાજી, રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ  મનહરભાઈ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પ્રભારી સચિવ નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ વગેરે મહાનુભાવો-પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.