Abtak Media Google News

રો-મટીરીયલ્સના જીએસટી દરમાં ઘટાડો, એકસપોર્ટ રીબેટ, નિકાસ કરતા યુનિટોને વીજબીલમાં ઘટાડો સહિતની સહાય આપી સરકાર ઓટો ક્ષેત્રને વેગવંતુ બનાવશે

હાલનાં સમયમાં જે આર્થિક કટોકટીનો સામનો જે વિશ્ર્વનાં અનેકવિધ દેશો કરી રહ્યું છે ત્યારે ભારતમાં ઓટો મોબાઈલ ક્ષેત્રની હાલત પણ નબળી જોવા મળી રહી છે ત્યારે આ ક્ષેત્રને જીવતું રાખવા માટે સરકાર નિકાસ પ્રોત્સાહનનો ખજાનો ખોલશે. ઓટો મોબાઈલ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ પણ આવી ચુકી છે અને સરકારે આ ક્ષેત્રમાં કરોડો-અબજો રૂપિયાનું પણ રોકાણ કર્યું છે પરંતુ હાલની સ્થિતિ પર નજર કેન્દ્રીત કરતા એ વાત સ્પષ્ટપણે સામે આવી રહી છે કે, હાલ આ ક્ષેત્રને ઘણીખરી માઠી અસરનો પણ સામનો કરવો પડયો છે. ઓટો મોબાઈલ ક્ષેત્રને વેગવંતુ બનાવવા અને તેને ફરી ધમધમતું કરવા માટે સરકારે એક-બે વર્ષ નહીં પરંતુ પાંચ વર્ષની યોજના બનાવવી પડશે.

ઓટો મોબાઈલ ક્ષેત્રમાં જે રો-મટીરીયલનો કંપની જે ઉપયોગ કરતી હોય તે રો-મટીરીયલનાં જીએસટી દરમાં ઘટાડો, એકસપોર્ટ રીબેટ, નિકાસ કરતા યુનિટોનાં વીજબીલમાં ઘટાડો, બેંકો દ્વારા લેવામાં આવતી લોનનાં વ્યાજદરમાં ઘટાડો, લેબર-લોમાં સુધારા જેવા મુદ્દાઓને સરકાર ધ્યાને લઈ ઓટો મોબાઈલ ક્ષેત્રમાં સુધારો કરશે. ભારત દ્વારા વાહન ઉધોગો અને સ્પેરપાર્ટ બનાવવાની કંપનીઓને ખાસ પ્રકારની સહાય પ્રોત્સાહન આપી આગામી પાંચ વર્ષમાં વાહનો અને તેના સ્પેર પાર્ટસનાં નિકાસ બમણાથી વધુ કરવાનું આયોજન કરી રહી હોવાનું સરકારનાં આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારનાં ભારે ઉધોગ વિભાગ દ્વારા વાહન ઉધોગ જુથ પાસેથી આ અંગેની માહિતી મંગાવી સ્થાનિક ઉત્પાદન અને નિકાસની પ્રક્રિયાને વેગ આપવા માટે આગામી પાંચ વર્ષનાં સમયગાળા માટે કયાં પ્રકારની સહાય અથવા તો રાહત અને પ્રોત્સાહનની જરૂર છે તેના સુચનો પણ મંગાવ્યા છે.

વાહનો અને સ્પેર પાર્ટસનાં વેચાણ મુલ્ય આધારીત સરકારનાં વળતર રાહત અને ઈન્સેન્ટીવ યોજનામાં અનેકવિધ શરતોનું પાલન કરવાનું રહેશે જેમ કે લઘુતમ મહેસુલી આવક, નફાનાં ધોરણમાં ફેરબદલ સહિત ઘણા મુદ્દે સરકાર વિચારણા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર અભિયાનને સાકાર કરવા માટે ભારતે વૈશ્ર્વિક રોકાણ, રોજગારી અને મુખ્ય ઉત્પાદક દેશ બનવાની દિશામાં સરકારે ઓટો ઉધોગને પ્રોત્સાહન આપવાનું નકકી કર્યું છે. ભારત નિકાસ માટે વાહન અને ટેક્ષટાઈલ ઉધોગને પ્રોત્સાહન આપવા માટે ખાસ વળતર અને સહાયની યોજના બનાવી રહ્યું છે. વિશ્ર્વમાં જયારે કોરોના કટોકટીને લઈ વાહનોનું વેચાણમાં જે ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ભારતનાં ઓટો ઉધોગને ઘણી મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડે તેમ છે. માત્ર વેચાણનું લક્ષ્ય જ નહીં પરંતુ ઘણી બીજી વસ્તુઓ પણ ધ્યાને લેવાની છે. સરકારની પ્રોત્સાહન યોજનાઓમાં મોટી કંપનીઓનો લાભ અને સપ્લાય ચેઈનનાં નાના ઉધોગો સુધી પહોંચશે. વાહન બનાવતા ઉધોગો અનેકવિધ પ્રકારે નફો રડી શકશે. સરકારની આ પરીયોજનામાં ઉત્પાદન આધારીત વળતરમાં કંપનીઓને ઉત્પાદન એકમથી વેચાણ સ્થળ સુધી લઈ જવા માટે થતા પરીવહન ખર્ચમાં રાહત આપવાનું પ્રયોજન કરવામાં આવ્યું છે. જયારે બીજી તરફ મોટર બનાવતી કંપનીઓને ૮૦ ટકાનાં નિકાસ લક્ષ્ય પર પ્રોત્સાહન આપવાની પણ દરખાસ્ત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.