Abtak Media Google News

સેન્ટ્રલ ઝોન કચેરીના ટીપરવાનના ૯૦ ડ્રાઈવરો પીએફ સહિતના મુદ્દે અચાનક હડતાલ પર ઉતરી ગયા: ૪ કલાક બાદ મામલો થાળે પડતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી શરૂ

પીએફ સહિતના મુદ્દે આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના ટીપરવાનના ડ્રાઈવરો વિજળીક હડતાલ પર ઉતરી જતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી જોકે પદાધિકારીઓ અને અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડતા ૪ કલાક પછી સેન્ટ્રલ ઝોનમાં ફરી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી શરૂ થઈ હતી. હડતાલને પગલે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ ડ્રાઈવર, સપ્લાય કરતી એજન્સીને નોટીસ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવાની કામગીરીનો કોન્ટ્રાકટ મહાપાલિકા દ્વારા અમદાવાદની પાવર લાઈન સેલ્સ સર્વિસ નામની એજન્સીને આપવામાં આવ્યો છે. એજન્સી દ્વારા ટીપરવાનના ડ્રાઈવર સહિતના કર્મચારીઓની પીએફની રકમ સમયસર પીએફ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતી હોવાની તથા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન દરમિયાન શહેરીજનો સાથે માથાકૂટ થતી હોવા સહિતના પ્રશ્ર્ને આજે સવારે સેન્ટ્રલ ઝોન કચેરીના ટીપરવાનના ડ્રાઈવરો અચાનક વિજળીક હડતાલ પર ઉતરી ગયા હતા. ૯૦ ટીપરવાનના પૈડાઓ થંભી ગયા હતા જોકે સેન્ટ્રલ ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી ન અટકે તે માટે અધિકારીઓએ તાત્કાલિક અસરથી કોર્પોરેશનના કાયમી સફાઈ કામદારોને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી માટે કામે લગાવી દીધા હતા.Dsc 0587

ટીપરવાનના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા હોવાની જાણ થતાની સાથે જ સેનીટેશન કમિટીના ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયા, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા અને પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ પારડી રોડ પર આવેલા ટીપરવાનના પાર્કિંગ ડેપો ખાતે દોડી ગયા હતા જયાં તેઓએ હડતાલ પર ઉતરી ગયેલા ડ્રાઈવરોના પ્રશ્ર્નો સાંભળ્યા હતા તથા પ્રશ્ર્નો હલ કરવાની ખાતરી આપી હતી. એજન્સીના સંચાલકોને તાત્કાલિક અમદાવાદથી રાજકોટ આવી જવા તાકીદ કરવામાં આવી છે. સાંજે એજન્સી અને ડ્રાઈવરો વચ્ચે બેઠક યોજાશે. ચાર કલાકની હડતાલ બાદ સેન્ટ્રલ ઝોનમાં ફરી ડોર ટુ ડોર ગાર્બેજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા સેન્ટ્રલ ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેનો કોન્ટ્રાકટ ધરાવતી પાવર લાઈન સેલ્સ સર્વિસને નોટિસ ફટકારી હતી. આ એજન્સીનો કોન્ટ્રાકટ આગામી ૧૦ દિવસમાં પૂર્ણ થઈ રહ્યો છે જેના સ્થાને નવી એજન્સી પણ નિયુકત કરી દેવામાં આવી છે.

કોર્પોરેશન નવી ૧૦૦ ટીપરવાન ખરીદશે: ઉદય કાનગડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી માટે આગામી દિવસોમાં નવી ૧૦૦ ટીપરવાન ખરીદવામાં આવશે આ માટે શોર્ટ ટર્મ ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, નવી ૧૦૦ ટીપરવાન શહેરના અલગ-અલગ જયાં જરૂરીયાત હશે ત્યાં મુકવામાં આવશે. નવી ખરીદી માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા છે. એક મહિનામાં ખરીદી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.