Abtak Media Google News

સમર્પણ જનરલ હોસ્પિટલની પ્રશંસનીય સેવા

હાલારમાં પરત ફરેલા શ્રમિકોને ૧૦૦ટન અનાજ વિતરણ કરાશે

કોરોના મહામારીના કારણે લોકડાઉનના સમયગાળામાં ગરીબ પરિવારોને સમર્પણ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાની આગેવાની હેઠળ તેમના સીધા માર્ગદર્શન સાથે વિવિધ દાતાઓના સહયોગથી ૩૦-જૂન સુધી અન્નદાન કરવામાં આવ્યું હતું.

આ અન્નદાનના સેવાકાર્યમાં જામનગરની અઢાર સેવાભાવી સંસ્થાઓને તો આખું વરસ ચાલે તેટલું અનાજ પહોંચાડવામાં આવ્યું છે. હવે તા. ૧-૭-ર૦ર૦ થી તા. ૩૧-૭-ર૦ર૦ સુધી અનલોકના સમયગાળા માટે સતત ત્રીજી વખત ૧૦૦ ટન (પ૦૦૦ મણ – એક લાખ કિલો) ઘઉંની ખરીદી કરવામાં આવી છે. આ વખતે અનાજ વિતરણમાં જે મજૂરો પોતાના વતની હાલારમાં પરત ફરી રહ્યાં છે. તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત એવા પરિવારો કે જેમની પાસે આવતીકાલથી રસોઈ કરવા માટે અનાજ નથી તેમને અનાજનું વિતરણ કરાશે.

જામનગર શહેરની આસપાસના દસ કિલો મીટરના વિસ્તારમાં એક દિવસ સર્વેનું કામ કરી ગરીબ પરિવારો, ઝુંપડાઓની નોંધ કરી બીજા દિવસે અનાજનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કોઈપણ ગરીબ ભૂખ્યા લોકોને તો અનાજ આપવામાં આવશે જ. ત્રણ-ત્રણ મહિનાથી ચાલી રહેલા આ અન્નદાનના સેવાકાર્યમાં સહયોગ આપનાર દાતાઓ તેમજ સેવાભાવી કાર્યકર્તાઓ પ્રત્યે વસ્તાભાઈ કેશવાલાએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને આ સેવાયજ્ઞ જીવનભર ચાલતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.