નિશાનનો રોમાંચ: રાયફલ શુટિંગમાં યુવાઓએ સાધ્યું નિશાન

83

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ ૧૦ મીટર એર રાયફલ શૂટિંગમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ૨૦ ખેલાડીઓએ ભાગ લીધો: કાલે બહેનો ભાગ લેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધા ચાલી રહી છે. જેમાં આજે જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આંતરકોલેજ ૧૦ મિટર એર રાયફલ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજના ૨૦ યુવકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્વે કાર્યકમ યોજાયો હતો જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મેયર બીનાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, જય ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટ ડી. વી. મહેતા, સિન્ડિકેટ સભ્ય ડો.હરદેવસિંહ જાડેજા, ડો.ધરમ કામબલિયા તેમજ ટુર્નામેન્ટના આયોજક રાજદીપસિંહ જાડેજા સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાઈફલ શુટિંગ સ્પર્ધાના આયોજક રાજદીપસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ દ્વારા સતત ત્રીજા વર્ષે એર રાયફલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

ગત વર્ષે ૬૭ જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હું જય ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર ડી.વી. મેહતાનો આભારી છું. ખેલાડીઓને તમામ પ્રકારની સુવિધા મળે તેવું આયોજન કરાયું છે. અને આમાંથી વિજેતા પ્રથમ ત્રણ ખેલાડીઓને રાજ્યકક્ષાની એર રાયફલ શુટિંગમાં રમવા માટે મોકલાશે. એર રાયફલ શૂટિંગના સ્પર્ધક વંદિત પુરોહિતે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું એચ.એન શુક્લ કોલેજમાં અભ્યાસ કરું છું.

આજે રાયફલ શૂટિંગમાં હું વિજેતા બનીશ તેવો મને વિશ્વાસ છે. છેલ્લા ૨ વર્ષથી હું એર રાયફલ શૂટિંગની પ્રેકટીસ કરું છું. આગળ ભવિષ્યમાં મારે એર રાયફલ શૂટિંગમાં દેશનું નામ રોશન કરવું છે. ગયા વર્ષે નેશનલ લેવલે પણ રમવા માટે ગયો હતો એર રાયફલ શૂટિંગના બીજા સ્પર્ધક ભાવેશ ભગવાને અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું દીવ કોલેજમાં અભ્યાસ કરું છું. એર રાયફલ શુટિંગમાં સતત બીજા વર્ષે ભાગ લીધો છે. આ મારું બીજું વર્ષ છે અને સફળ બનવા મારા કોચ અમને ખૂબ જ મહેનત કરાવે છે. હું આ સ્પર્ધામાં વિજેતા બની મારી કોલેજ દીવ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધારીશ.

છેલ્લા ત્રણ વર્ષથી રાઇફલ શૂટિંગનું આયોજન હિરાણી કોલેજ દ્વારા કરવામાં આવે છે અને આ આયોજનને સફળ બનાવવા આયોજક રાજદીપસિંહ જાડેજાના નેજા હેઠળ નૈમિષ પટેલે કે જેઓ બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્ય અને એચ.એન. શુકલ કોલેજના પીટીઆઇ છે અને ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...