દારૂના જથ્થા સાથે ઝડપાયેલા એ.એસ.આઈ  સહિત ત્રણ શખ્સો રિમાન્ડ પર

અમદાવાદથી કારનું પાયલોટીંગ કરી દારૂ રાજકોટ પહોંચાડનાર ટ્રાફિક પોલીસ સહિત ત્રણ શખ્સોને એસ.ઓ.જીની ટીમે ઝડપી લીધા ; રૂ. ૯.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજેસ્થાન સરહદ થી શરૂ કરી રાજકોટ શહેર  સુધી વિદેશી દારૂ ઘુસાડવા માટે ’બુટલેગર’ સાથે અમુક પોલીસકર્મચારીની  મદદ કરતી હોવાનો બનાવ રાજકોટ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદથી રાજકોટ સુધી ઈંગ્લીશ દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરનાર અમદાવાદના ટ્રાફિક બ્રાંચના એએસઆઈ મળી આવતા ખુદ એસઓજી પોલીસ પણ ચોંકી ઊઠી હતી. આ એએસઆઈ સહિત ત્રણ આરોપીઓની વિદેશી દારૂની મોંઘીદાટ ૪૮ બોટલ, બે કાર, ૫ મોબાઈલ મળી કુલ રૂ. ૯,૫૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીના રિમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે

પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગર મેઈન રોડ કે જ્યાં મુખ્યત્વે હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર આવેલા છે. ત્યાંથી એક સીયાઝ કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની ભરેલી કાર પસાર થવાની હોવાની ચોક્કસ બાતમીના આધારે રાજકોટ એસ.ઓ.જી શાખાના પી.આઇ આર.વાય.રાવલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાનુંભાઈ મિયાત્રા, કિશન આહીર, ધર્મેન્દ્રસિંહ ઝાલાની ટીમે વોચ ગોઠવી હતી. જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી બે કારને આતરી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની  ૭૨ બોટલો કબજે કરી હતી. તેની સાથે કારચાલક મહેન્દ્રસિંહ અશોક વૈદ (ઉ.વ.૩૦, રહે. ઈદગાહ ચોકી, રાજનગર મીલ કમ્પાઉન્ડ, ગલી-૨, અસારવા, અમદાવાદ)ને ઝડપી લીધો હતો. જ્યારે  આ સીયાઝ કારનું પાયલોટીંગ ખરેખર અમદાવાદના આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસમથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર (ઉ.વ.૩૬, રહે. ડી-૨૦૧ પરીમલ રેસીડેન્સી, નવા નરોડા અમદાવાદ) અને બુક બાઈન્ડીંગનું કામ કરતો કૃણાલ હસમુખ શાહ (ઉ.વ.૩૬, રહે. એ-૧૦૪ નરોડા સ્માર્ટ સિટી-૨, નરોડા-દેહગામ રોડ, અમદાવાદ) સ્વીફટ કારમાં કરતા હતા. જેથી આ બંનેની પણ અટકાયત કરાઈ હતી. એસ.ઓ.જીની ટીમે ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ, બે કાર કિંમત રૂ. ૫,૦૦,૦૦૦, પાંચ મોબાઈલ ફોન મળી એસઓજીએ રૂા.૯.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્રણેય આરોપીઓ ખરેખર રાજકોટમાં કોને દારૂનો જથ્થો આપવા આવ્યા હતા, અગાઉ કેટલીવાર આરોપી એએસઆઈ આ રીતે અંગ્રેજી દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરી ચૂક્યો છે, દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો તે સહિતના મુદ્દે હવે એસઓજી ટિમ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.  આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે નવી ભરતીના પોલીસ કર્મચારી સમયની કિંમત જાણી આર્થિક રીતે સધ્ધર થવા માટે કાયદાનું ઉલઘ્ઘન કરી બુટલેગરો સાથે ’ ટાઈમ મેનેજમેન્ટ ’ કરતા હોય છે. નામચીન બુટલેગરોને અલાયદી સુવિધાઓ પુરી પાડી સમય સાથે સંભવિત ધન બનાવનાર ’ અમદાવાદના એ.એસ.આઈ ’ને ઝડપી પાડી રાજકોટ એસ.ઓ.જીની ટીમે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી છે.

Loading...