Abtak Media Google News

ખેત ઉપયોગી સિસ્ટમ, દરિયાઈ જીવોની રક્ષા માટે બોટની આગવી ડિઝાઈન તેમજ આલ્કલાઈન પાણી મેળવવાની પધ્ધતિ શોધી કાઢતા ધોળકિયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો

સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે યંગ ટેલેન્ટેડ ઈન્ડિયન માઈન્ડસને વિશ્વ સમક્ષ રજૂ કરવા દર વર્ષે નેશનલ સાયન્સ અને એન્જિનીયરીંગ ફેરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ ૨૦૧૯ દરમિયાન રાયપુર, રાજકોટ, દિલ્લી, સાલેમ, મેંગ્લોર, બેલગામ, બેંગ્લોર અને પુને જેવા ભારતના વિવિધ શહેરોમાં રીજીયોનલફેરનું આયોજન થયું. જેમાં ૨૦૦૦ થી વધુ સંશોધન પ્રોજેકટ સબમિટ થયા હતા. તેમાંથી શ્રેષ્ઠતમ ૨૧૦ જેટલા વૈજ્ઞાનિક સંશોધનો પ્રાદેશિક કક્ષાએ રજૂઆત માટે પસંદગી પામ્યા હતા. આ પ્રોજેકટનું વિવિધ સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટી થતા એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસરો દ્વારા જીણવટપૂર્વક  અવલોકન તેમજ વિર્દ્યાથીઓ સોથી તાર્કિક પ્રશ્ર્નોતરી દ્વારા સર્વશ્રેષ્ઠ ૩૦ સંશોધન પ્રોજેકટ  નેશનલ ફેર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ નેશનલ ફેર આગામી તા.૩-૪ જાન્યુઆરી દરમિયાન કર્ણાટકના બેંગ્લોર હેરમાં યોજાશે. રાજકોટ અને ધોળકિયા શાળા પરિવાર માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે કે ધોળકિયા સ્કૂલના ૩-૩ પ્રોજેકટ આ વિજ્ઞાન મેળામાં રજૂઆત માટે પસંદગી પામ્યા છે. તે બદલ બધા જ બાળ-વૈજ્ઞાનિકોને અભિનંદન મળી રહ્યાં છે.

ભારતીબેન અને નિલેશભાઈ સોલંકીના પુત્ર દર્શિત તેમજ સંગીતાબેન અને સંદીપભાઈ સિંધવના પુત્ર દેવે ખેતી માટેની આધુનિક પદ્ધતિ સ્માર્ટ એગ્રોનો પ્રોજેકટ તૈયાર કરેલ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. પરંતુ અનિયમિત વાતાવરણને કારણે ખેતીમાં નુકશાન થાય છે અને ખેતીની કંટાળાજનક મજૂરીથી પણ ખેડૂતોની હાલત નબળી પડી છે. તેથી ધીમે-ધીમે ગામડાઓ ભાંગી રહ્યાં છે અને શહેરીકરણ વધતું જાય છે. આવા સમયે ખેડૂતોને મદદરૂપ બને તેવી આ સિસ્ટમ ખેતી માટે આશીર્વાદ સ્વરૂપ બની રહેશે. જીગુબેન અને કલ્પેશભાઈ કાકડીયાના પુત્ર મયંક તેમજ નયનાબેન અને દિલીપભાઈ ગઢિયાના પુત્ર સોહમે એલ્યુમિનિયમમાંથી એક સી-કલીનર બોટનું પ્રોટોટાઈપ મોડેલ તૈયાર કર્યું છે. આ બોટના પાછળના ભાગ પર મોટર દ્વારા ચાલી શકે તેવું એક રોટર ફીટ કર્યું છે. આ રોટરની ઉપર એક બેલ્ટ લગાવેલો છે અને બેલ્ટ ઉપર રોલર ફિકસ કર્યું છે. જ્યારે સમુદ્રના કે નદીના પાણી ઉપર આ બોટને તરાવવામાં આવશે. ત્યારે આ મોટર વડે રોટર ફરશે પરિણામે પાણીની સપાટી પર રહેલો પ્લાસ્ટિકનો નકામો કચરો બોટમાં એકત્રીત કરી શકાશે અને જલિય પ્રદૂષણ ઘટાડી શકાશે. જેથી એકવાટિક એનીમલ (જલિય સજીવોને જીવતદાન મળી શકશે તેમજ એકત્રિત થયેલા પ્લાસ્ટિકનું ફરી પાછું રી-યુઝ કે રી-સાઈકલ કરી શકાશે અને નવા પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકી શકશે તેમજ વૈજ્ઞાનિક વિવિધતાને ટકાવવા નાશ:પ્રાય થતા સજીવોને બચાવી શકાશે.

ધ્વનિબેન અને હિતેષભાઈ ભુંડીયાની પુત્રી અમી ભૂંડિયા પ્રોજેકટ તૈયાર કર્યો છે. પ્રવર્તમાન સમયમાં પીવાલાયક પાણીના અભાવના કારણે ઘણી બધી બિમારીઓ ફેલાય છે તેમજ લોકોની અનિયમીત ખોરાક લેવાની પદ્ધતિ અને અનિશ્ર્ચિત ઉંઘના કારણે તેમજ વધુ પડતા ફાસ્ટ-ફૂડના કારણે એસિડીટી અને અપચાની સમસ્યા વધુ પડતી જોવા મળે છે. જેના પરિણામે વિવિધ શારીરિક ખામીઓ જોવા મળે છે. આ ઉપરાંત અલ્ઝાઈમર, કેન્સર, ડાયાબિટીસ જેવી ઘાતક બિમારીઓ પણ થવાની સંભાવના રહે છે જે આલ્કલાઈન પાણીના ઉપયોગની મદદ થી નિવારી શકાય છે. આ આલ્કલાઈન પાણી માટેના ફિલ્ટર ઘણા મોંઘા આવે છે. તેથી સામાન્ય વ્યક્તિને પરવડી શકે નહીં તેના નિવારણ સ્વરૂપ ધોળકિયા સ્કૂલની ધો.૯ની વિર્દ્યાથીની અમી ભુંડીયાએ આલ્કલાઈન વોટર મેળવી શકાય છે જે રાસાયણિક રીતે તેમજ ભૌતિક રીતે પીવાલાયક પાણીની બધી જ લાક્ષણિકતાઓમાં પાસ થાય છે.

ઉપરોકત ત્રણેય પ્રોજેકટ નેશનલ ફેરમાં રજૂ થવા જઈ રહ્યાં છે. ત્યારે આ બાળ-વૈજ્ઞાનિકો પર સમગ્ર ધોળકિયા શાળા પરિવાર અને ટ્રસ્ટીઓ કૃષ્ણકાંતભાઈ ધોળકિયા શુભેચ્છા સભર લાગણી વરસાવી રહ્યાં છે. આ વિજ્ઞાન મેળામાંથી સર્વશ્રેષ્ઠ પ્રોજેકટને અમેરિકામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળા માટે પસંદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.