Abtak Media Google News

જામનગરના એક યુવાનને ગયા સપ્તાહે રાજકોટ ધોરીમાર્ગ પર મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ પોતાનું વાહન આડું ઉભું રાખી મોબાઈલ તથા રૃા.૧૪ હજારની રોકડ લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

જ્યારે સોમવારે રાત્રે કડિયાવાડમાં એકલા રહેતા વૃદ્ધના ઘરમાં ઘૂસી ગયેલા ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યા પછી સોનાના ચેન તથા બે મોબાઈલની લૂંટ ચલાવ્યાનું પોલીસ દફતરે જાહેર થયું છે.

સાધના કોલોની વિસ્તારની પાછળ આવેલા સિદ્ધિ વિનાયક પાર્કની શેરી નં.૯ પાસે રહેતા વિપુલભાઈ ધનજીભાઈ ધોળકિયા (ઉ.વ.૩૬) ગઈ તા.૧ની સવારે પાંચેક વાગ્યે પોતાના મોટરસાયકલ પર જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી સહયોગ હોટલ નજીકથી પસાર થતા હતા ત્યારે ત્રિપલ સવારી મોટરસાયકલમાં ધસી આવેલા શખ્સોએ પોતાનું વાહન આડું નાખી વિપુલભાઈને રોકાવ્યા હતા.

ત્યાર પછી આ શખ્સોએ વીજળીક ઝડપે વિપુલભાઈ પાસે આવી ફડાકાવાળી કરી છરી બતાવી હતી. આ શખ્સોએ વિપુલભાઈના શર્ટના ખિસ્સામાં પડેલો રૃા.૪ હજારની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ તેમજ પેન્ટમાં જમણી સાઈડના ખિસ્સામાંથી રૃા.૧૪ હજારની રોકડ લૂંટી લીધા પછી પોબારા ભણી લીધા હતા.

આ બનાવની વિપુલભાઈએ ગઈકાલે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એચ.બી. ગોહિલે લૂંટારાઓ સામે આઈપીસી ૧૨૦ (બી), ૩૯૪, ૩૯૮, ૩૪૧, ૩૨૩, ૫૦૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે. ભોગ બનનાર પાસેથી ઉપરોક્ત શખ્સોના વર્ણન મેળવી પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.

જામનગરના કડિયાવાડમાં આવેલી લાખાણી શેરી નજીકની ડંકી સામેની ગલીમાં રહેતા ચંદ્રકાંતભાઈ મોહનલાલ નાનાણી નામના સિત્તેર વર્ષના કડિયા વૃદ્ધ સોમવારની રાત્રે પોતાના મકાનમાં નિદ્રાધીન થયા હતા ત્યારે અંદાજે ત્રણેક વાગ્યે કોઈએ બારણું ખખડાવતા આખા મકાનમાં એકલા રહેતા ચંદ્રકાંતભાઈએ કોણ છે? તેમ પૂછયું હતું, પરંતુ જવાબ નહીં મળતા આ વૃદ્ધે બારણું ખોલ્યું હતું તેના પગલે ઘરમાં ઘૂસી ગયેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ચંદ્રકાંતભાઈ પર ઢીકાપાટુ વરસાવી તેઓને ઓશીકા વડે મુંગો આપ્યો હતો.

ગણતરીની મિનિટોમાં આ વૃદ્ધના ગળામાં પહેરેલો આશરે સાડા ત્રણ તોલા વજનનો સોનાનો ચેન અને નજીકમાં પડેલા બે મોબાઈલ મળી કુલ રૃા.૭૬ હજારની મત્તા ઉઠાવી ત્રણેય શખ્સો નાસી છૂટયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.