ખંભાળીયાના સોનારડી નજીક બે કાર અથડાતા ત્રણનાં મોત: છ ઘવાયા

વહેલી સવારે ઘુમ્મસથી સર્જાયો અકસ્માત

અમદાવાદથી દ્વારકા દર્શને જતા પ્રવાસીઓને અકસ્માત

ખંભાળીયા દ્વારકા હાઇવે પર સોનારડી નજીક આજે વહેલી સવારે ૬ વાગ્યા  આસપાસ ભારે ઝાકળના કારણે બે કાર સામ સામી અથડાતા મહિલા સહિત ત્રણના મોત નિજપયા હતા. અને અન્ય ૬ વ્યકિતઓને ઇજાઓ થઇ હતી.

અકસ્માત અંગે મળતી વિગતો પ્રમાણે આજે વહેલી ખંભાળીયા દ્વારકા હાઇવે પર સોનારડી ગામ નજીક ભારે ઝાકળના કારણે બે કાર સામસામી અથડાઇ પડી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત થયા હતા. કારમાં બેસેલા અન્ય છ વ્યકિતઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખંભાળીયાની જનરલ હોસ્પિટલ તથા દેવભૂમિ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વધુમાં મળતી વિગતો મુજબ એક કાર અમદાવાદથી દ્વારકા જતી હતી. આ કારમાં મુસાફરી કરતા બેના મોત થયા છે. બીજી કાર ભાટીયાથી જામનગર આવી રહી હતી આ કારમાં બેસેલા એકનું મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં ખંભાળીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Loading...