પ્રજાસત્તાક પર્વના ગણતરીના દિવસો પૂર્વેે ધોરાજીના ત્રણ શખ્સો ઘાતક હથિયારો સાથે મુંબઈથી ઝડપાયા

એટીએસે કારમાંથી બે પિસ્તોલ, કાર્ટીસ અને રોકડા રૂા.૩ લાખ કર્યા કબજે

હવાલા નેટવર્કનો પર્દાફાશ: પાકિસ્તાન કનેકશન ખુલ્યું: દુબઈનું ઓળખકાર્ડ મળ્યું

સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાંચ દ્વારા ખાનગી રાહે તપાસનો ધમધમાટ: આગામી દિવસોમાં કડાકા ભડાકાના ભણકારા

મહારાષ્ટ્ર એટીએસની ટીમ દ્વારા મુંબઈ અંધેરી નજીક આવેલા સિટી મોલ પાસેથી પૂર્વ બાતમીના આધારે રાજકોટ જિલ્લાના ધોરાજીના ત્રણ મુસ્લિમ શખ્સોની બે પિસ્તોલ, કારતુસ અને રૂા.૩ લાખ રોકડા સાથે ઝડપી લઈ પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા ત્રણેય શખ્સો પાકિસ્તાન સાથે કનેકશન ધરાવતા અને દેશવ્યાપી હવાલ નેટવર્કમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા ત્રણેય શખ્સોની ક્રાઈમ કુંડળી કઢાવવા મહારાષ્ટ્ર એટીએસ દ્વારા રાજકોટ પોલીસનો સંપર્ક કરી અને ઘટનાના મુળ સુધી પહોંચવા આગામી દિવસોમાં એટીએસની ટીમ આવી પહોંચી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્વ પ્રજાસતાક દિને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહારાષ્ટ્રમાં સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ હાથ ધરવા મહારાષ્ટ્ર એટીએસના વડાએ આપેલી સુચનાને પગલે મુંબઈ એટીએસના વડા શિવદીપ બાડના માર્ગદર્શન હેઠળ ટીમ મુંબઈમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે અંધેરી વિસ્તારમાં હથિયારો સાથે શખ્સો શંકાસ્પદ હાલતમાં કારમાં હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફ દ્વારા અંધેરીના સીટી મોલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં સફેદ કલરની વરના કારને અટકાવી તલાશી લેતા તેમાં ત્રણ શખ્સોને ઝડપી લઈ તેના કબજામાંથી બે પિસ્તોલ, કારતુસ, ૧૪ મોબાઈલ અને રોકડા ત્રણ લાખ મળી આવ્યા હતા.  ઝડપાયેલા ત્રણેય શખ્સોની પુછપરછમાં રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતો મોહમદ યુનુસ જુણેજા, સોહેમીયા અહમદમીયા અને ઈલિયાસ સુલેમાન માજોઠુ હોવાનું બહાર આવ્યું હતું. ઝડપાયેલા મહમંદ જુણેજા પાસેથી દુબઈનું એક કાર્ડ પણ મળી આવ્યું છે તે દુબઈ સ્થાયી થયેલા લોકોને યુ.એ. સરકાર દ્વારા આપવામાં આવે છે. એટીએસની ટીમ દ્વારા ઝડપાયેલા ત્રણેય શખ્સોની પ્રાથમિક પુછપરછમાં દેશભરમાં હવાલા નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. તેમજ પાકિસ્તાન અને દુબઈ કનેકશન પણ સામે આવ્યું છે. એ.ટી.એસે ત્રિપુટીની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તેમજ હવાલા નેટવર્કના નાણાનો ઉપયોગ સેમા થાય છે તેમજ અગાઉ કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે. મુંબઈ એટીએસે હથિયાર સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સોએ અગાઉ કોઈ ગુનો આચરેલા છે કે કેમ ? તેમજ હથિયાર કોની પાસેથી લીધા અને શું કામ રાખતા હતા તે મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એટીએસના હાથે ઝડપાયેલા ત્રણ શખ્સોની વાયુવેગે વતન ધોરાજી ખાતે થતા સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાંચ દ્વારા છાનભીન તપાસ આદરી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં પણ ધોરાજીનું પગેરૂ નિકળ્યું હતું. આથી આ મામલે આગામી દિવસે કડાકા અને ભડાકા થાય તો નવાઈ નહીં.

Loading...