Abtak Media Google News

૧૫ જેટલા પીએચસી અને યુએચસી સેન્ટરોનાં વિસ્તારોમાં દર અઠવાડિયે એક વખત આરોગ્ય ટીમની વિઝીટ ગોઠવાઈ

રાજકોટ જિલ્લામાં ચાલુ માસે ડેન્ગ્યુનાં ૧૮૭ જેટલા કેસો નોંધાયા છે જેથી જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લાનાં ૧૫ જેટલા પીએચસી અને યુએચસી સેન્ટરોમાં દર અઠવાડિયે એક વખત આરોગ્ય ટીમ દ્વારા વિઝીટ પણ ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાએ કહ્યું કે, ડેન્ગ્યુથી ડરવાની જરુર નથી માત્ર તકેદારી રાખવી આવશ્યક છે.

રાજકોટ જિલ્લામાં ઓકટોબર માસમાં ૧૮૭ ડેન્ગ્યુનાં કેસો નોંધાયા છે જેમાં ધોરાજીમાં ૩૩, જેતપુરમાં ૭, ગોંડલમાં ૭, કોટડામાં ૨૯, જસદણમાં ૨, રાજકોટમાં ૬૧, લોધીકામાં ૪૧ અને પડધરીમાં ૭ કેસો સામે આવ્યા છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૨૮૬ જેટલા ડેન્ગ્યુનાં કેસો નોંધાયા છે. ડેન્ગ્યુએ ભરડો લેતા જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા ૯૬૦૯૯ની વસ્તીને આવરી ૧૭,૫૮૮ ઘરોમાં સર્વે કરી ૮૬૩૩૬ પાત્રોની ચકાસણી કરી ૫૨૭૭૨ પાત્રોમાં એબેટની કામગીરી કરવામાં આવી છે. તેમજ ૮૪૩૧ ઘરોમાં ફોગીંગની પણ કામગીરી કરાઈ છે. વધુ સંવેદનશીલ ગામોમાં ૧૪૨ ગુરુશિબિર અને લઘુશિબિર કરવામાં આવી છે. ૧૩૧૦ શાળાઓમાં આરોગ્ય શિક્ષણનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તેમજ ૫૨ સ્થળોએ રેલી યોજવામાં આવી છે. આ ઉપરાંત ૪૮૦૦ મચ્છરદાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાએ સુચનો આપતા કહ્યું કે, તાવ આવ્યાનાં ૨૪ કલાકની અંદર વહેલામાં વહેલી તકે નજીકનાં આરોગ્ય કેન્દ્ર અથવા આશાનો સંપર્ક કરી લોહીની તપાસ અને સારવાર કરાવી કિટનાશક મચ્છરદાનીનો ઉપયોગ સુતી વખતે હંમેશા કરવો. અંતમાં તેઓએ કહ્યું કે, ડેન્ગ્યુથી ડરવાની જરુર નથી લોકોએ માત્ર ડેન્ગ્યુ અંગે તકેદારી રાખવી આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.