Abtak Media Google News

આર.આર.સેલે દરોડો પાડી રૂા.૧૧૨૬૦નો મુદામાલ કબ્જે

સરહદી રેન્જની આરઆરસેલે બાતમીના આધારે ભુજના સ્ટેશન રોડ પર ક્રિષ્ના ચેમ્બર્સમાં ભાડાની ઓફિસમાં દરોડો પાડીને દુબઈમાં રમાતી આઇપીએલની ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સને રૂપિયા ૧૧,૨૬૦ની રોકડ તેમજ ટીવી સેટટોપ બોક્સ અને મોબાઇલ સહિત ૩૭,૪૬૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના રઘુવંશીનગર નજીક હાઉસીંગ બોર્ડમાં રહેતો બાદલ પરસોત્તમ ઠક્કર ભાડાની ઑફિસમાં સટ્ટો રમતો-રમાડતો હોવાની બાતમીના આધારે આર આર સેલના પીએસઆઈ પી.કે. ઝાલા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બાદલ ઠકકર (ઉ.વ.૪૧), પરેશ નરભેરામ વડોર (ઉ.વ.૫૦, હિંગલાજ ચોક, જેષ્ઠાનગર, ભુજ) અને જગદીશ દયાલજી પરમાર (ઉ.વ.૪૨, મુંદરા રીલોકેશન સાઈટ, ભુજ) નામના ત્રણ આરોપીઓ સનરાઈઝર્સ હૈદ્રાબાદ વિરુધ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ પર ઓનલાઈન આઈડી પર સટ્ટો રમતા હતા. ડાયમંડ એક્સ ડોટકોમ નામની વેબસાઈટ પર આઈડી જનરેટ કરીને બાદલે દસ-દસ હજારના ૩ દાવ અને ૫૦ હજારનો એક દાવ લગાડેલો હતો. બાજુમાં પડેલી ડાયરીમાં અંગ્રેજીમાં પરેશ અને જગદીશના નામો લખેલાં હતા. પોલીસે મુખ્ય આરોપી અને ઑફિસમાં સટ્ટો રમવા આવેલા બે જણ સહિત ત્રણેય જણાઓને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી ૧૧,૨૬૦ રોકડા રૂપિયા, ટીવી, સેટટોપ બોક્સ, ૩ મોબાઈલ ફોન સહિત કુલ ૩૭, ૪૬૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.