Abtak Media Google News

સમગ્ર રાજયમાં સુરત, વડોદરા અને અમદાવાદ કરતા પણ રાજકોટમાં વધુ ટ્રાફિક ગીચતા

રાજયના શહેરી વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે એક અભ્યાસમાં ચોંકાવનારા તારણ બહાર આવ્યા છે. અભ્યાસ મુજબ સમગ્ર રાજયમાં રોડની ક્ષમતા કરતા વધુ વાહનો દોડી રહ્યા છે. જેમાં રાજકોટ મોખરે છે રાજકોટમાં રોડની ક્ષમતાથી સાડા ચાર ગણા વધુ વાહનો છે તો અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ આજ સ્થિતિ છે.

આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ રોડ પર બે વાહનો વચ્ચે ઓછામાં ઓછુ એક કાર જેટલું અંતર હોવું જોઈએ જેથી અકસ્માતો ઘટાડી શકાય છે એથી ઉલ્ટુ સમૃદ્ધ ગુજરાતમાં ટુ-વ્હીલરો અને ફોર વ્હીલર વાહનોમાં ઉતરોતર થઈ રહેલા વધારાને કારણે રોડની ક્ષમતા કરતા ત્રણથી ચાર ગણા વાહનોની સંખ્યામાં વધારો થયો છે.

અમદાવાદ આઈ.આઈ.એમનાં પ્રોફેસર અમિત ગર્ગ દ્વારા લેન્ડ યુઝ ચેન્જ ટ્રેન્ડસ ઓફ ઈન્ડીયન સીટીઝ એ બર્ડસ આઈવ્યુ નામનો એક સંશોધનમાં સંશોધક વિધિ અવાશિયા અને તેમના સહયોગી શ્રૃતિકા પરિહારે જુદા-જુદા શહેરોની ટ્રાફિક સમસ્યાનો ગ્રહણ અભ્યાસ કરતા ચોંકાવનારા તારણો જોવા મળ્યા હતા.

આ અભ્યાસ મુજબ વર્ષ ૨૦૧૭નાં આરટીઓના આંકડા જોતા રાજકોટમાં રોડની ક્ષમતા કરતા સાડા ચાર ગણા વાહનો, અમદાવાદમાં ૩.૬૫ ગણા, સુરતમાં ૩.૬૬ ગણા અને વડોદરામાં રોડની કેપેસીટી કરતા ૩.૧૩ ગણા વાહનો નોંધાયા છે.

રાજયમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં રોડની ક્ષમતાથી વધુ પ્રમાણમાં વાહનો હોવાને કારણે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હોવાનો અને ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો પર બે વાહનો વચ્ચે માત્ર એક એક ઈંચ જેટલી જ જગ્યા રહેલી હોવાનું પણ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સમૃદ્ધિમાં ગુજરાતના વાહનોનો વધી રહેલો ટ્રેડ પર્યાવરણ માટે પણ ખતરો બને તેમ છે. ઘણા કિસ્સાઓમાં તો ફકત એક એક વ્યકિત જ કાર લઈને જાય છે જેથી ટ્રાફિકમાં વધારો થવાની સાથે ઈંધણનો વેડફાટ થાય છે અને વાહનોમાંથી નિકળતા વાયુથી પર્યાવરણ દુષિત થઈ રહ્યું છે. જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આવનાર દિવસોમાં રાજયમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી શકે તેમ હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.