વકીલાત પાસ કરનારે પ્રેકટીસ કરવા માટે લાંબી રાહ જોવી પડશે

કોરોનાના કહેરના કારણે બાર કાઉન્સીલે ૧૬મીએ યોજાનારી ઓલ ઈન્ડિયા બાર પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બન્યું છે. અને કોરોના પોઝીટીવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી બાર કાઉન્સીલે આગામી ૧૬મીએ લેવાનારી ઓલ ઈન્ડીયા બાર પરિક્ષાને મુલત્વી રાખવાની જાહેરાત કરી છે. બાર કાઉન્સીલે ગઈકાલે આ અંગે એક પરિપત્ર કરીને આ પરિક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી છે. જેથી, એલ.એલ.બી.ની. ડીગ્રી મેળવ્યા બાદ કોર્ટમાં પ્રેકટીસ કરવા ઈચ્છુક અરજદારોને હજુ લાંબા સમય સુધી રાહ જોવી પડશે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએ દેશમાં કોરોના વાયરસના સતત વધતા કેસો અને પરિક્ષા યોજવાથી વધારે અરજદારો એકઠા થવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધવાની સંભાવના હોય આગામી ૧૬મી ઓગષ્ટે નિર્ધારિત કરેલી ઓલ ઈન્ડીયા બાર પરિક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઈન્ડીયા બાર પરીક્ષાનું આયોજન કરવા બનાવાયેલી બાર કાઉન્સીલની મોનીટરીંગ કમિટી કે જેના અધ્યક્ષ સુપ્રીમ કાષર્ટનાં પૂર્વ જજ છે. આ કમિટીના નિર્ણય બાદ બાર કાઉન્સીલે ગઈકાલે એક પરિપત્ર કરીને આ પરિક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

આ મોકુફ રખાયેલી પરિક્ષા માટે અરજી કરવાની તારીખને પણ ૩૧ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય કરાયો છે. જેથી એલએલબીની ડીગ્રી મેળવ્યા બાદ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરવા માંગતા અરજદારોને હજુ લાંબો સમય સુધી રાહ જોવી પડશે જા કે, આ પરિક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવવાથી અરજી કરવામાં ચૂકી ગયેલા અને એલએલબીની પરીક્ષા પસાર કરનારા નવા અરજદારોને એક તક મળશે.

Loading...