Abtak Media Google News
  • દિવાળી પહેલાંની ખરીદીનો માહોલ થયો છે અદ્રશ્ય
  • તહેવારોની મોસમ હોવા છતાં વિવિધ બજારો ખાલીખમ
  • મોંઘવારીએ લોકોનો આનંદ છીનવી લીધો…

મોદી સરકારે ગત વર્ષે રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોને બંધ કરી દીધી હતી. ત્યાર બાદ આ વર્ષથી દેશભરમાં ખૂબ જ ઉતાવળે જીએસટીનો અમલ કરાવી દીધો છે. આ બન્ને ફેકટરની ખરાબમાં ખરાબ અસર હવે દેખાઇ રહી છે. હાલમાં તહેવારોની મૌસમ હોવા છતાં દિવાળી પહેલાની ખરીદીનો માહોલ જોવા મળતો નથી.

સામાન્ય રીતે નવરાત્રીનાં દિવસોથી કપડા બજાર, ઈલેક્ટ્રોનિક માર્કેટ, ફર્નિચર, સોની બજાર, ગૃહસુશોભનની નાની મોટી ચીજવસ્તુઓ, જૂતા બજાર ઉપરાંત ટુ વ્હીલર અને કારની ખરીદી માટે નાગરીકો બજારમાં નીકળી પડતાં હોય છે. પરંતુ આ વર્ષે બજારમાં દિવાળીની રોનક જરા પણ દેખાતી નથી.

જીએસટીના જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓ – સામગ્રી ઉપર પણ ઊંચા દર રાખવામાં આવ્યા છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવો પણ લગભગ તેની સર્વોચ્ચ સપાટી પર છે. ગેસનાં બાટલાના ભાવ વધ્યા છે. કઠોળ અને શાકભાજીનાં ભાવો ભડકે બળી રહ્યા છે. ભગવાનની પૂજામાં વપરાતા ગુલાબ કે ગોટાના ફૂલો લેવાનું પણ મધ્યમ વર્ગને પોષાતું નથી. આવી કાળઝાળ મોંઘવારીમાં નાગરીકોને ઘરનાં બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું હોય તેમાં દિવાળીની ઉજવણી કરવાનો કોઇ જ મૂડ જોવા મળતો નથી.

ભૂતકાળમાં નવરાત્રીથી જ બજારમાં ખરીદીની રંગત દેખાતી હતી. વિવિધ કોમ્પલેક્સો, શોપિંગ મોલ અને દુકાનો રોશનીથી ઝળહળી ઊઠતી હતી. આ વખતે બહુ ઓછી જગ્યાએ આવું થયું છે. જીએસટીનાં માળખાને હજુ પણ વેપારીઓ સમજી શક્યા નથી. તેઓ જીએસટીનાં કાગળો ભેગા કરવામાં જ સમય બગાડી રહ્યા છે. જીએસટી રીટર્ન દાખલ કરવામાં થતી મુશ્કેલીનો હજુ કોઇ હલ નીકળ્યો નથી. જેને કારણે મોટાભાગના બજારમાં ખરીદીના માહોલને બદલે ‘કાગડા’ ઊડી રહ્યા છે. વેપારીઓને પણ નવો માલ ભરવામાં રસ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.