Abtak Media Google News

ઘૂમતા સિલિંગ ફેનના ફરટરાટમાંથી, ટાઇપ-રાઇટરોના ટકટકારામાંથી, ફાઇલોની સરસરાહટમાંથી ટેબલ પરના કોલબેલના ગુંજારવમાંથી, ટેલિફોનની ઘંટડીના રણકારમાંથી, લેડીઝ-ટોયલેટના અરીસાની ઝાંયમાંથી, કેન્ટિનના ઉડતી વરાળમાંથી એક જ વાત વાગોળાતી હતી : સાહેબ અને મિસિસ શીલા શ્રીવાસ્તવના સંબંધો.

કાનાફૂસી, આંખોના મીચકારા, હાથના ચાળા, હોઠોને ખૂણેથી ડોકાતાં સ્મિત, પટાવાળાઓના માખીના બણબણાટ જેવા શબ્દો, દ્વિઅર્થી ઉદ્ગારો, બોલકણાં મૌન, સાહેબ અને શીલા શ્રીવાસ્તવના જવા-આવવાના સમયે વોલ-કલોલ પર નોંધતી સામૂહિક નજરો, ઉડી આવતી બાતમીઓ, ખીલતી જતી જાસૂસી કળા, કિવદંતીઓની વિસ્તરતી પાંખો-એ બધું પણ એની આસપાસ ઘુમરાતું હતું.

મંજરી મહેતા, અવિનાશ દીક્ષિત, શાર્દૂલસિંહ બ્રાર, જયબાળા કુલકર્ણી, સિલ્વિયા પિન્ટો , આયેશા ફૈઝલ, ધોંડુ પટાવાળો, નન્દન કાગળવાળા, રામ વાસવાણી બધાં ઓફિસના કામમાંથી પળ-વિપળની ફુરસદ મળતાં જ વળી વળીને એક જ ચર્ચાને ચાકડે ચઢી જતાં હતાં. એકેએક જણની પાસે કંઇકને કંઇક મહત્વની બાતમી હતી ‘ડિડન્ટ આઇ ટેલ યુ ? નો ભાવ સહુ કોઇના ચહેરા પર વર્તાતો હતો.

મંજરી મ…….એ હજી ગઇકાલે સાંજે બરાબર ૭ને ૪૯ મિનિટે સાહેબ અને મિસિસ શીલા શ્રીવાસ્તવને અથવા તેમના જેવા કોઇકને ટેક્સીમાં હોર્નબી રોડ પરથી પસાર થતાં જોયા હતાં અને ત્યારે શીલાનું માથું સાહેબને ખભે અથવા સાહેબનું માથું શીલાને ખભે ઢળેલું હતું. મંજરીને અફસોસ એટલો જ હતો કે તે ટેક્સીનો નંબર નોંધી લેવાનું ભૂલી ગઇ હતી.

અવિનાશ દીક્ષીત છાતી ઠોકીને કહેતો હતો કે, સાહેબ અને મિસિસ શીલ શ્રીવાત્સવ વચ્ચે પ્રેમપત્રોની આપ-લે થાય છે – અને તે ઓફિસમાં જ. અહીં મંજરીએ અવિનાશને પડકાર્યો હતો – ‘તમને શી રીતે ખબર પડી કે એ લવ-લેટર્સ જ છે ? કોઇ દિવસ પ્રેમ-પત્ર લખ્યો, વાંચ્યો કે તફડાવ્યો છે ખરો ? આટલું બોલતાં મંજરીની આંખોમાં ઉદાસી આવી ગઇ હતી. પણ અવિનાશે ‘આઇ એમ શ્યોર કે તે ધોબીના હિસાબના કાગળ નહિં જ હોય’ એક કહીને મંજરીને કાપી નાખવાનો પ્રયત્ન કર્યો. જવાબમાં મંજરીએ સજાયેલી છરી જેવા અવાજમાં પરખાવ્યું – ‘તમે તો આખી જિંદગી ધોબીના હિસાબો જ વાંચ્યા છે !’

શાર્દૂલસિંહ બ્રાર તેમની દાઢી પસવારીને કહે છે : ‘હમને તો ઉન હીર-રાંઝા દોનોં કો એક સાથ સનીમામેં ભી દેખા હૈ !’

‘પર ઉસ વક્ત આપ કે સાથ કૌન થા-મેરા મતલબ હૈ, કોન થી ?’ ઝૂંડમાંથી કોઇક પૂછી લે છે અને બ્રાર નીચું જોઇ જાય છે.

રોજ સુગંધીદાર ફૂલોની વેણી પહેરીને ઓફિસે આવતી જયબાળા કુલકર્ણીનું કહેવું છે કે, એક વાર તે ઓચિંતી સાહેબની કેબિનમાં જઇ ચઢી ત્યારે તેણે ત્યાં જે દ્રશ્ય જોયું હતું તે…. અહીં વાક્ય અધુરું છોડી દઇને જયબાળા ઉમેરે છે : ‘દેવશપ્પથ !’ શરમ અને પ્રગલ્ભતાના મિશ્ર ભાવોને વહાવતી જયબાળા કેબિનમાં પોતો જોયેલા દ્રશ્યનું વર્ણન પુરું કરવાના સહકર્મચારીઓના આગ્રહની પ્રાણપૂર્વક પ્રતીક્ષા કરે છે. તેવો આગ્રહ થતાં તે ખીલી ઉઠે છે અને રનિંગ કોમેન્ટરી ઢબે રસઝરતું બ્યાન પુરું કરે છે ત્યારે તાજી કેરીનું ચટકેદાર અથાણું ખાધાનો આનંદ અનુભવે છે. પણ શાર્દૂલસિંહ તેની તરફ આંખ મીંચકારીને કહે છે : ” મેં તો મિસેઝ શ્રીવાસ્તવકી જગહ પર તુમ્હારી કલ્પના કર કે મજા લેતા હૂં !’ જયબાળા આ સાંભળીને કૃત્રિમ રોષ કરે છે અને સાચકલો નિ:શ્ર્વાસ નાખે છે. સિલ્વિયા િ૫ન્ટો છાતી પર ક્રોસ રાચીને કહે છે : જિસસ ! હમ તો સોચતા હૈ કિ અબ સાહેબ ઉનકા બીબીકો ડાયવોર્સ દે દેગા ઓર ઉસ શીલાકી બચ્ચીસે દુસરા શાદી કરેગા !’ બોલતાં બોલતાં તેની આંખોના ખૂણા નહિં, હોઠ ભીના થઇ જાય છે. તેને યાદ આવે છે, કે તે પોતે બે વારની ડિવોર્સી છે. શાર્દૂલસિંહ તેને પણ કહે છે : ‘તુમ ક્યોં ટ્રાય નહીં કરતી સાહબ કે વાસ્તે ?’ ત્યારે સિલ્વિયા ‘માય ફૂટ !’ કહીને ચૂપ થઇ જાય છે.

આયેશા ફૈઝલ દુ:ખી છે- બેહદ દુ:ખી છે. હજુ બે અઢી વર્ષ પહેલાં એણે પોતે જ સાહેબને પોતાના મોહપાશમાં જકડવાની કોશિશ કરી હતી – ‘લેકિન વો નાકામિયાબ રહી થી !’ ફિલ્મો જોવાનું વધારી દઇને તેેણે અનેક અખતરાઓ કર્યા હતા. – ‘મગર પથ્થર પે પાની !’ તે બે ઇન્તહા માયૂસ

થઇ ગઇ હતી. નિરાશા અને રોષને કારણે તેણે થોડીક ભાંગીતૂટી ઉર્દૂ ગઝલો લખી હતી, સાહેબને “ઉસ મનહૂસ બૂઢા કહીને મનોમન ખાસ્સી ગાળો આપી હતી. તેવામાં સાહેબ અને મિસિસ શીલા શ્રીવાસ્તવનો ‘રિશ્તો’ ચગી નીકળતાં તે પહેલાં ‘સન્ન રહ ગઇ થી’ અને પછી ‘પહેલે સે ભી જ્યાદા બેકરાર.’ એક પ્રશ્ન તેને વારંવાર થતો : ‘મુઝ મેં ક્યા કમી થી કિ વો બુઢા ઉસ સે-’ અને અંતે તે શીલાને શાપ આપીને સંતોષ અનુભવે છે : “અલ્લાહહતાલા ઉસ હરામઝાદી કો કભી મુઆફ નહીં કરેગા !’

અહીં પણ બ્રાર તેનીં આશિકાના હરકતોની બાઝ આવતો નથી અને આયેશાને કહે છે : ‘મૈં ક્યા ઉસ બુઢેસે ભી ગયા- ગુઝરા હું ?’ અગર હમ દોનોં મેલજોલ બઢા લેં તો કોમી એખલાસ કા ભી નમૂના પેશ કર સકેંગે ઇસ મુલ્કમેં ! ’

ધોંડુ પટાવાળો તેની પૂરી જિન્દગીમાં આટલો ખુશખુશાલ ક્યારેય ન હતો. તે શીલા શ્રીવાસ્તવનાં અનેક નાનાં, પરચૂરણ કામો કરી આપે છે. ગઇ કાલે તે તેના કહેવાથી સરસ, મોંઘો ખુશ્બૂદાર સાબુ લઇ આવ્યો હતો ‘એના પૈસા સાહેબે ચૂકવ્યા હતા’ એમ તેનું કહેવું છે. મિસિસ શીલા શ્રીવાસ્તવ માટે તે ‘શીલાબાઇ’ અથવા ‘બાઇસાહેબ’ જેવા શબ્દો વાપરે છે. એક કાંકરે બે પક્ષી માર્યાની તેને ખુશી છે. ‘બાઇસાહેબ’ને રાજી રાખવાથી સાહેબ પણ તેના પર પ્રસન્ન રહે છે તે તે સમજી ગયો છે. સાહેબે તેને પગારવધારાનું વચન આપ્યું છે. ‘સાહેબનો બચ્ચો જો તેના આ બોલ નહિં પાળે તો સુવ્વરનો બધો ભાંડો ફોડી નાખીશ – ઓફિસના નોટિસ બોર્ડ પર બંને જણા વિશે ઉંધુચત્તું લખાવીશ !’ તે મનોમન મનસૂબા ઘડ્યા કરે છે.

નન્દન કાગળવાળા પોતાને મહાન જ્યોતિષી માને છે અને સાહેબ કે શીલા શ્રીવાસ્તવ, બેમાંથી એકેયની કુંડળી કે હસ્તરેખા જોયા વિના આગાહી કરે છે : ‘ તમે જોજો. બે વર્ષમાં સાહેબ કાળનો કોળિયો !- બબ્બે સ્ત્રીઓને વિધવા બનાવતો સાંભળીને તેના ઉત્સુક શ્રોતાઓ એક સાથે અગાધ આશ્ર્ચર્ય, ઘેરી ક્ષુબ્ધતા અને પારાવાર આનંદ અનુભવે છે.

એક તાળીસ વર્ષના રામ વાસવાણીને સાહેબની ભરપૂર ઇર્ષ્યા આવે છે : ‘બુઢ્ઢો એક પર કબરમાં નાખીને બેઠો છે – ચાર બચ્ચાંનો બાપ છે તો યે આ ઉંમરે શીલા સાથે જલસા કરે છે ! ’ અહીં વાસવાણીનો મોઢામાંથી લાળ ઝરવા માંડે છે :

‘મારા જેવા જુવાનજોધ કુંવારા માણસો કોશિશ કરી કરીને જૈફ થવા આવ્યા ! ઇશ્ર્વરના દરબારમાં આવો ગેરઇન્સાફ ! મેં આ શીલા શ્રીવાસ્તવનાં કાંઇ ઓછાં કામકરી આપ્યાં છે ! એના હસબન્ડ માટે રેલવે ટિકિટનું રિઝર્વેશન કરાવવાનું, એનાં બચ્ચાંને કોન્વેન્ટમાં એડમિશન અપાવવાનું- અરે ગયે રવિવારે સાહેબ અને શીલા માટે નવી ફિલ્મની ટિકિટ પણ મેં જ- અને પછી વાસવાણી ‘પુરાની ફિલ્મોં કે ગીત’માંથી એકાદ ગણગણવા માંડે છે.

મંજરી, અવિનાશ, શાર્દૂલસિંહ, જયબાળા, સિલ્વિયા, આયેશા, નન્દન, ધોંડુ, બધાં જ એક અદ્રષ્ટ ચક્રમાં, અવિરત ઘુમે છે – આનંદ રસિકતા, સ્વાર્થ, ઇર્ષ્યા, નિ:શ્ર્વાસ, કૂથલી, ગમ્મત, પૂર્વગ્રહ, તિરસ્કાર, નિરાશા, બદલો લેવાની વૃતિના વંટોળમાં વીંઝાયા કરે છે – ગોળ ગોળ, આંડાઅવળાં, ફંગોળતા-ફંગોળતા, ધક્કામુક્કી કરતાં, ગબડી પડતાં, લાળ પાડતાં, પાનનો ડૂચો ખોસેલા મોઢામાંથી થૂંક ઉઝડતાં, નેઇલપોલિશ કરેલી આંગળીઓને હવામાં ભોંકતાં, જાસૂસી કરતાં, પોતપોતાની ભીતર ડોકિયું કરવાનું વીસરી જતા-ટાળતાં-ઠેલતાં, ભોળાં, બદમાશ, માણસો હોઇ શકે તેટલાં સારાં અને ખરાબ……

પણ અંજન ઉપાધ્યાય આ બધાંમાંથી કંઇક વેગળો છે – આ ગમ્મત, ઇર્ષ્યા, નિ:સાસા, કાનાફૂસી, આંખમીંચકારા, કટાક્ષ, ભંભેરણી, આઘાપાછી, બેવડા અર્થના શબ્દોની આતશબાજીથી જીવતી જાગતી, ધબકતી દુનિયાથી અલગ-અલગ. ખૂણામાંના ટેબલ પર તે સવારથી સાંજ સુધી બેસી રહે છે – ગુમસુમ, ચૂપચાપ, ઉદાસ, સ્તબ્ધ પણ અંદરથી મરચાં આંજેલી આંખ જેવો પળેપળની નાની મોટી ઘટનાઓની નોંધ લીધા કરે છે – સિસ્મોગ્રાફની જેમ. કોણ બધું એની હયાતીના ઉંડા ઉંડા સ્તરોમાં ટપકાવાતું રહે છે. ઓછા બોલો એ ક્યારેય ન હતો, પણ જ્યારથી ઓફિસમાં આ પ્રકરણ શરુ થયું છે ત્યારથી તેના શબ્દો ખોવાતા ગયા છે. પહેલાં કરતાં વધુ કામ કરે છે. ક્યારેક રિસેસ પણ ભોગતો નથી. જાડી ફ્રેમના ચશ્માવાળું પોતાનું મોઢું મોડે સુધી ફાઇલોમાં ખોસી રાખે છે. ક્યારેક બોલપેન પકડેલા હાથને હડપચી પર ટેકવીને દૂર દૂર…..પછી થોડીક ક્ષણોમાં પાછો ફરે છે. આ ફાઇલ, વાઉચર, ઇન્વોઇસ અને ગોસિપ અને ગૂંચવાયેલી સંબંધોની દુનિયામાં…..

ઘણું ખરું અવિનાશ દીક્ષીતનું જ ધ્યાન ગયું – અંજન ઉપાધ્યાયના આ વેગળાપણા તરફ. તેણે બધાનું ધ્યાન ખેંચ્યું. સહુ તરત તે સાથે સંમત થયાં – આ અંજન ઉપાધ્યાય – હંમેશનો હસતો, હસાવતો, બોલ બોલ કરતો, આનંદી માણસ હમણાંનો મૂંગોમંતર કેમ થઇ ગયો છે ? એની આ ચુપકીદી અને વેગળાપણાને કારણે તે કારણે તે સાહેબ અને મિસિસ શીલા શ્રીવાસ્તવના આ પ્રકરણમાં પૂરો રંગ જામતો નથી. બધું અધુરું અધુંરું, રસકસ વિનાનું લાગે છે. ઉપાધ્યાય ફૂલ ફોર્મમાં હોય તો- તે તેણે જાતજાતના તરંગો ઉછાળીને બધાંને હસાવ્યે રાખ્યાં હોય ! દૂરના ભૂતકાળમાં અંઝન ઉ૫ાધ્યાય કવિ પણ હતો – સામાન્ય કક્ષાનો સ્તો ! તોયે તેણે સાહેબ અને શીલા વિશે બે-પાંચ રમૂજી જોડંકણાં અવશ્ય જોડી નાખ્યાં હોત, પરંતુ આ તો…..! સહુ અકળાતાં હતાં. એટલે જ એક દિવસ અવિનાશ દિક્ષીતની સરદારી હેઠળ અંજન ઉપાધ્યાય પર હલ્લો આવ્યો. તે દિવસે સાહેબ અને શીલા એક સાથે સી.એલ.પર હતાં. મેદાન મોકળું હતું. પહેલો ફટાકડો અવિનાશે જ ફોડ્યો :

‘અલ્યા ઉપાધ્યાય, તને આંખ-કાન-નાક ખરાં કે નહિં ?’

 

ઉપાધ્યાયે ચકિત થઇને પ્રશ્નાર્થભાવે અવિનાશ તરફ જોયુ. ત્યાં તો મંજરી ત્રાટકી :

‘તમારા નજીકના સગામાં કોઇકનું અવસાન તો-’

‘હમારી ખુદકી મર ગઇ થી તબ ભી હમ ઇતને માયૂસ નહીં રહતે  થે.’ શાર્દૂલસિંહે ટહુકો કર્યો.

‘વાત શી છે તે કહેશો ?’ અંજને ધીમા સ્વરે પ્રશ્ન કર્યો. પડઘારુપે શબ્દોનું ઝાપટું !

‘આપણા સાહેબ-’

‘અને પેલી શીલા શ્રીવાસ્તવ-’

‘એ બંનેની અફેર-’

‘છડેચોક !’ ‘ઉઘાડે છોગ.

‘નફ્ફટ !’ ‘બેશરમ !’ ‘ઇમ્મોરલ !’ ‘ઇન્ડિસન્ટ !’

‘અસહ્ય !’ ‘અક્ષમ્ય !’

‘બબ્બે ઘરો ઉજળી રહ્યાં છે અને આપણે બધાં કૌરવસભાના પાંડવોની જેમ નપુસંક -’ નિવીર્ય !’

 

શબ્દો ખૂટ્યા એટલે થોડીક ક્ષણો માટે મૌન પથરાયું. તક જોઇને અંજને લગભગ સ્વગત જેવો પ્રશ્ન કર્યો : ‘પણ એમાં આપણે શું કરી શકીએ ?’ એ તો એ તેઓનો અંગત મામલો છે. વ્હાય શુડ વી ઇન્ટરફિયર ?

ત્યાં તો બધા અંજન પર તૂટી પડ્યાં.

‘આ અંગત મામલો નથી !’ ‘આ ઓફિસની જાહેર બાબત છે !’ ‘પ્રમોશન પડાવવા માટેનો શીલાડી બિલાડીનો આ અનૈતિક પે’તરો છે !’ આપણાં બધાંનાં મોરલનો આ પ્રશ્ન છે !’

વળી વાક્યો વિરમ્યાં એટલે અંજને પ્રશ્ન વહેતો મુક્યો : બટ વોટ કેન વી ડુ ?’

 

પળભર મૌન પથરાયું. બધાં જાણે મનોમન એ પ્રશ્ન દોહરાવતાં હતાં – ત્યાં બ્રાર જુસ્સાથી બોલ્યો :

‘હમ અપની હેડ ઓફિસ કો ઇસ બારે મેં ઇત્તલા દે સકતે હૈ !’

‘એના કરતાં શીલા શ્રીવાસ્તવના હસબન્ડને બધાં બાતમી પહોંચાડી દો ને !’

‘શ્રીવાસ્તવને સરનામે માત્ર એક નનામો પોસ્ટકાર્ડ !’

‘ એવો જ પોસ્ટકાર્ડ સાહેબની વાઇફ પર !’

‘ અથવા ઓફિસમાં સાહેબની કેબિન બહાર આપણે બધાં ધરણાં કરીએ !’

‘અથવા કેમેરાની ઓચિંતી ક્લિક ! ઝડપાઇ જાય રેડ હેન્ડેડ !’

આક્ષેપો, અતિશયોક્તીઓ, ઉપાલંભો, કોલાહલ, સુધરેલી અંગ્રેજી ગાળો, કટાક્ષ-પ્રચુર હાસ્યો, થૂંક, સડેલા દાંતો વચ્ચેથી છૂટતી તમાકુના પાનની પિચકારી, કાનના મેલ વચ્ચે ફરતી દીવાસળી….

દરિયાના ખારા ઉસ પાણીથી ઘેરાઇ ગયેલો હોય તેવો અંજન ઉ૫ાધ્યાય માંડ માંડ બાથોડિયાં મારીને તેમાંથી બહાર નીકળ્યો. તેને લાગ્યું કે તેનું શરીર ચચરી રહ્યું હતું. તેને ક્યાંકથી અજાણી દુર્ગધ આવી. તે સુનમુન બેસી રહ્યો. તેની બંધ આંખો સમક્ષના કાળમીંઢ અંધકારમાં લાં…..બી ક્ષણો પછી એક ચહેરો તરવરી ઉઠ્યો-સુંદર સોહામણો ચહેરો….પછી બીજો ચહેરો…અંજને બળપૂર્વક આંખો બીડેલી રાખી. ભીતરી અંધકારની સતહ પરથી ચહેરાઓ ભૂંસાઇ શકતા ન હતા : માત્ર એની થોડીક વિગતો બદલાતી હતી, એક ચહેરો શીલાનો હોઇ શકે, મંજરીનો, આયેશાનો, સિલ્વિયોનો, શાશ્ર્વતીનો, સપનાનો, યામિનિનો કે પારમિતાનો પણ હોઇ શકે, અવિનાશનો, શાર્દૂલસિંહનો, નન્દનનો, વાસવાણીનો અથવા…અથવા પોતાનો પણ હોઇ શકે – હતો…..અંજન ઉપાધ્યાયને ધ્રુજારી આવી… બાકી બધું એક સરખું-શબ્દોનાં આવાં જ ગીધડાં, આવી જ સુધરેલી ગાળો, નનામા કાગળોની જાસાચિઠ્ઠી, સડેલા દાંત વચ્ચેથી છૂટતી તમાકુવાળા પાનની પિચકારી, કાનના મેલમાં ફરતી દીવાસળી….

પોતાની ચારે કોર જામેલા આતુર, આક્રમક ટોળાને આંચકો આપતો હોય તેમ અંજન ઉપાધ્યાય હડફફ દઇને ઉભો થઇ ગયો. એની આંખો પહોળી થઇ ગઇ હતી. એના શ્ર્વાસ ફાટફાટ થતા હતા. હચમચી ગયેલા પણ ધારદાર સ્વરે તે બોલ્યો :

‘દોસ્તો, આઇ એમ સોરી…..હું …..હું…..હું તમારી સાથે નહિં ભળી શકું….’

થોડીક પળો માટે સોપો પડી ગયો. ચોતરફ અંજનના આ શબ્દોથી પછી બધા બેવડાં ઝનૂનથી ઉછાળ્યાં :

‘શા માટે ?’…..વ્હાય ?…..લેકિન ર્ક્યો ? શું તું તારી જાતને અમારાથી ઉંચો, દેવ જેવો માને છે ?

અવાજોનાં ઝૂંડના ઝૂંડ માંડ ઓગળ્યાં એટલે અંજને જાણે સ્વને કહેતો હોય તેમ ધીમા, ઘેરા, ઘૂંટાયેલા, ધ્રુજતા સ્વરે કહ્યું :

‘ના મિત્રો ! હું પણ માણસ જ છું – માણસની બધી મર્યાદાથી સભર…..ક્યારેક તમારા લોકની જેમ વર્તન કરું….કર્યુ…..કર્યુ પણ હોય….હવે હું કલ્પી શકું છું- નાઇ આઇ કેન રિયલાઇઝ કે….કે…..દરેક માણસની પીઠ વસતી હોય છે. …. અને દરેકે દરેક જણને ક્યારેક તો દ્રોપદીની સમજે-વિચારે તે પહેલાં ત્યાંથી જાણે કે ઓગળી ગયો.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.