Abtak Media Google News

ધોરણ.12 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ બદલાતા છેલ્લા 10 વર્ષના નાપાસ વિદ્યાર્થીઓને જૂના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપી પાસ થવાની એક તક શિક્ષણ વિભાગ દ્વારા પૂરી પાડવાનો નિર્ણય લેવાતા દિવાળી પર એક ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તે કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરી પરીક્ષા ત્રણ દિવસ પાછી ઠેલવામાં આવી છે. જેથી હવે ધો.12 સામાન્ય પ્રવાહની ખાસ પરીક્ષા 23 ઓક્ટોબરના બદલે 25 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 6 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. જોકે ત્રણ દિવસ પરીક્ષા પાછી ઠેલાતા તમામ પ્રશ્નપત્રોની તારીખોમાં પણ ફેરફાર થયો છે.

ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 94 જેટલા જુદાં જુદાં વિષયો આવેલા છે જેમાંથી ૨૪ જેટલા મહત્ત્વના વિષયોના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી આગામી વર્ષ-2018ની બોર્ડની પરીક્ષા નવા અભ્યાસક્રમ પ્રમાણે લેવાશે. જેને લઈ અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓ જૂના અભ્યાસક્રમ પ્રમાણે ભણ્યા છે અને નાપાસ થયા છે તેવા વિદ્યાર્થીઓ જૂના અભ્યાસક્રમમાં જ પરીક્ષા આપી શકે તેના માટે દિવાળી પર ખાસ પરીક્ષા યોજવાનું નક્કી કરાયું હતું. જેનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો હતો તે પ્રમાણે 23 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન પરીક્ષા યોજાનાર હતી પરંતુ હવે ત્રણ દિવસ પરીક્ષા પાછી ઠેલાતા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે આ ખાસ પરીક્ષા 25 ઓક્ટોબરથી શરૃ થશે અને 6 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, આ ખાસ પરીક્ષા માટે આખા રાજ્યમાંથી 1 લાખ 11 હજાર જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યાં છે. ફેરફાર સાથેનો નવો કાર્યક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.