રવિવાર ગોઝારો બન્યો: સૌરાષ્ટ્રમાં સાત સ્થળે માર્ગ અકસ્માતમાં 13 લોકોનો ભોગ લેવાયો

ખંભાળીયામાં પતિ, પત્તી, પુત્ર, ધ્રાંગધ્રા પાસે ત્રણના, રાજકોટ, પડધરી, મોરબી, જેતપુર અને ઉના સહિતના સ્થળે ચાલકની બેદરકારીથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા

રવિવાર ગોજારો બન્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સાત સ્થળે માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોના ભોગ લીધા છે. જેમાં ધ્રાંગધ્રા નજીક મીની બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત નિપજયા છે. ખંભાળીયા નજીક બોલરો અને બાઇક ટકરાતા પતિ, પત્ની અને પુત્રના મોત નિપજયા છે. તેમજ રાજકોટ, પડધરી, મોરબીમાં યુવકના ઉના પાસે માતાની નજર સામે પુત્રીનું અને જેતપુર પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડી જતા પતિની નજર સામે પત્નીનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

મોરબી લાલપર પાસે ડમ્પર હડફેટે યુવાનનું મોત

મોરબી નજીક આજે  ડમ્પર હડફેટે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર પાસે હોનેસ્ટ હોટલથી આગળ વર્ધમાન હોટેલ સામે જીજે ૧૨ બીવી ૩૭૨૭ નંબરના ડમ્પરે એક અજાણ્યા યુવાનને હડફેટે લીધો હતો. જેના કારણે અંદાજે ૨૫ વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા અને ડમ્પર ચાલકને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

જસદણ

રાજકોટ ભાવનગર હાઇવે ઉપર વીરનગર અને બળધોઈ વચ્ચે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ રોડ ઉપર પડયો હોવાની ગઈકાલે વહેલી સવારે આટકોટ પોલીસને કોઇ નાગરિકે જાણ કરતાં આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.પી. મેતા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.  મૃત્યુ પામનાર વ્યક્તિ અંદાજે ૫૫ વર્ષની ઉંમરનો અને તેમણે ખાખી કલરનું પેન્ટ તેમજ સફેદ શર્ટ પહેરેલો છે તેમ જ ગરમ કોટ પહેરેલો હતો તેમના ખિસ્સામાંથી કોઈ ડોક્યુમેન્ટ કે મોબાઈલ સહિતની કોઈ જ વસ્તુઓ મળી ન હતી. મૃત્યુ પામનાર વ્યક્તિ કોણ છે તે અંગે પોલીસે શોધખોળ શરૂ કરી છે. આટકોટ પોલીસે મૃત્યુ પામનાર પુરુષના મૃતદેહનો કબ્જો મેળવી જસદણ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને બે દિવસ સુધી જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવાની વ્યવસ્થા કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર વ્યક્તિ ભીક્ષુક કે એકલવાયું જીવન જીવતો હોવાનું જણાય છે. વધુ તપાસ આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.પી મેતા ચલાવી રહ્યા છે.

ખંભાળીયા નજીક ભાણવડના વતની પતિ-પત્નિ અને પુત્રનાં મોત

ખંભાળીયા ભાણવડ હાઇવે રોડ પર આવેલ ખંભાળીયાથી નજીક માંજા ગામના પાટિયા પાસે બોલેરો વાહન અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાણવડમાં રહેતા એક પરિવારના પતિ-પત્ની અને પુત્રનો મોત નીપજ્યું હતું. આ બનાવમાં ખંભાળીયા નજીક માંજા ગામ નજીક બપોરે ત્રણ વાગ્યાના આસપાસ ભાણવડમાં રહેતા દંપતી કેતનભાઈ ડાયાભાઇ પરમાર ઉવ.૩૧ અને જ્યોતિબેન કેતનભાઈ પરમાર ઉવ.૨૫ અને માસૂમ પુત્ર સાથે ખંભાળીયાથી ભાણવડ તરફ મોટર બાઇક લઈને જતા હોય ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલ બોલેરો વાહન ટક્કર  મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર બાઇક લઈને જતા દંપતીનું કમકમાટીભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલ માસૂમ બાળકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું પણ મોત નિપજતા મૃતકના પરિવારમાં ભારે આઘાતની લાગણી સર્જાય હતી. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના  સ્થળ પર પહોંચી બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટમાં હિડ એન્ડ રનમાં વૃઘ્ધનું મોત

ગોંડલ રોડ પર હુડકો ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા  વાહનની ઠોકરે રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય વલ્લભ મનજી વસોયાએ પ્રાણ ગુમાવ્યા હતા.વૃદ્ધ સવારમાં મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે રોડ ક્રોસ કરવા જતાં કાળ ભેટ્યો હતો. આજીડેમ પોલીસે ટ્રક ચાલક્ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રામાં મીની બસ કાર વચ્ચે અકસ્માતમાં ૩ ના મોત

ધ્રાંગધ્રા સોલડી હાઇવે પર મીની બસની ઠોકરે સ્વીફ્ટ કાર ચડી જતા બુકડો બોલી ગઈ હતી. કારમાં સવાર રાજુ તરસી રેવર, વિપુલ ગોવિંદ વાઢેર, ધ્રાંગધ્રાના દિપક ટોકર રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ઘવયેલા દલપત મોતી જાદવને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.અકસ્માત અંગે મીની બસ સામે ધાગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુર પાસે પતિની નજર સામે પત્ની ટ્રક હેઠળ કચડાઈ

સોમનાથ જેતપુર હાઇવે પર  સુપાસી ગામ પાસે બાઈકચાલક દંપતીને પાછળથી ટ્રકે હડફેટે લઈ ટાયરના જોટા વચ્ચે મોંઘીબેન કાળું સિસોદિયા ( ઉ.વ ૪૮ ) નું મોત નિપજાવ્યાની અને પતિ કાળું સીસોદીયાને ઇજા પહોંચાડ્યા અંગેની પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફોજદાર વીપી ગલચરે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ઉનામાં ટ્રકના જોટામાં આવી જતા પુત્રીનું મોત, માતાને ઇજા

ઉના વેરાવળ રોડ પર જીએબી સોસાયટીમાં રહેતા વૈશાલી હિતેશ જગાણી ( ઉ.વ ૪૩ ) એ પોતાની પુત્રી માનસી સાથે પ્લેઝર બાઈક લઈ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં જમવા જતી હતી. ત્યારે ઉના વેરાવળ રોડ પર ઓવરટેક કરવા જતાં ટ્રકની ઠોકરે બાઈક ચડી જતા પુત્રીનું ટાયરના જોટામાં આવી જતા મોત નીપજ્યું હતું. માતાને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉના પોલીસ  સ્ટેશનના એ.એસ.આઈ આર.જે.વાંઝાએ વધુ તપાસ હાથ  ધરી હતી

રાજકોટમાં મિત્રની નજર સામે મિત્ર ટ્રક હેઠળ કચડાયો

રાજકોટમાં રૂડા ટ્રાન્સપોર્ટ નગર પાસે હિટ એન્ડ રનની ઘટના ટ્રકની ઠોકરે બાઈક ચડી જતા મયુર રાજેશ વાઢેર ( ઉ.વ ૨૧ રહે. કૈસર હિન્દ પુલ, રમણિક આશ્રમ ચોક)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.ઘવાયેલા આંશિક શૈલેષ રોજસરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કુવાડવા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પડધરીમાં કારની ઠોકરે બાઈકચાલકનું મોત

જામનગર રાજકોટ હાઇવે પર ભાલોડિયા ફાર્મ પાસે વેગેનાર કારચાલકની ઠોકરે બાઈક ચડી જતા રાજકોટના ભારતી નગરમાં રહેતા ચંદ્રકાંત માણેકચંદ બોર ખેતરિયાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

અકસ્માત અંગે ભારતીનગર ના જ્યવંત બોરખેતરિયાની ફરિયાદ પરથી પડધરી પોલીસે  વેગેનર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પી. એસ.આઈ કે.એ.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

Loading...