Abtak Media Google News

કન્ટેમેન્ટ ઝોનમાં લોકડાઉનની અમલવારી બરકરાર રાખવા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બંગાળ, પંજાબ અને ઓરિસ્સા દ્વારા રજૂઆત કરાઈ

કોરોના વાયરસના સંક્રમણને ડામવા મુદ્દે હજુ વધુ સમયના લોકડાઉનની જરૂ ર હોવાની વાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બંગાળ, પંજાબ અને ઓરિસ્સાને સમજાય છે. પરિણામે આ પાંચેય રાજ્યો દ્વારા આગામી ૧૬ મે સુધી લોકડાઉન લંબાવવાની હિમાયત કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને કર્ણાટક સહિતના છ રાજ્યોએ કેન્દ્ર કહેશે તેમ કરીશું તેવા સંકેતો આપ્યા છે. આગામી સમયમાં કેરળ, બિહાર અને આસામ સહિતના રાજ્યો લોકડાઉન મુદ્દે અસમંજસમાં જણાય રહ્યાં છે. વર્તમાન સમયે તેલંગણા એકમાત્ર એવું રાજ્ય છે કે, જેણે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.

મુંબઈ અને પુના સહિતના વિસ્તારોમાં ક્ધટેઈમેન્ટ ઝોનમાં લોકડાઉન વધારવામાં આવે તેવી દરખાસ્ત થોડા સમય પહેલા મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે દ્વારા થઈ હતી. વર્તમાન સમયે મુંબઈ અને પુનામાંથી આવતા કેસની સંખ્યા ખુબ વધુ છે. આખા મહારાષ્ટ્રમાંથી ૯૨ ટકા કેસ એકલા મુંબઈ-પુનામાંથી નોંધાયા છે. વડાપ્રધાન મોદી સાથે તાજેતરમાં થયેલી વિડિયો કોન્ફરન્સમાં લોકડાઉન લંબાવવાની હિમાયત થઈ હતી. જો જરૂ ર પડશે તો ૩ મે બાદ ૧૫ દિવસ વધુ લોકડાઉન વધારાશે તેવું જણાવાયું હતું. અલબત આ લોકડાઉનની અમલવારી ક્ધટેઈમેન્ટ એરીયામાં જ થશે.

નોંધનીય છે કે, વર્તમાન સમયે મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસને રોકવા માટે મહારાષ્ટ્રમાં લોકડાઉનની સજ્જડ અમલવારી કરવામાં આવી રહી છે. દરમિયાન તાજેતરમાં સરકાર દ્વારા કેટલાક સ્થળોએ દુકાનો ખુલી રાખવાની મંજૂરી અપાઈ હતી. આવા સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ માટે અતિ ગંભીર સમયગાળો ચાલી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે જરૂ રીયાતની વસ્તુઓના વેંચાણ માટે દુકાનને મંજૂરી આપી છે. આગામી સમયમાં વધુ કોઈ દુકાનને મંજૂરી આપવામાં આવશે નહીં. મમતા બેનર્જી પણ પશ્ર્ચિમ બંગાળમાંથી આગામી સમયમાં લોકડાઉન હટાવવાના સમર્થનમાં નથી. જેથી આગામી સમયમાં લોકડાઉન વધુ લંબાય તેવી શકયતા છે. અલબત આ લોકડાઉન કેન્ટેઈમેન્ટ એરીયા સુધી સીમીત રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘ દ્વારા પણ તાજેતરમાં લોકડાઉન લંબાવવાની વાત વ્યકત થઈ હતી. ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબા કિશોરદાસે પણ આગામી તા.૧લી સુધીમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકડાઉન અંગે પગલા લેવાશે તેવું જણાવાયું હતું. નોંધનીય છે કે, ગત તા.૨૫ માર્ચથી અમલમાં મુકાયેલા લોકડાઉનને એકવાર લંબાવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરાયો હતો. સંક્રમણના કેસ બેકાબુ ન બની જાય તે માટે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની સલાહ અપાઈ હતી. લોકોના ટોળા રસ્તા પર એકઠા ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી હતી. અલબત હજુ સુધી કોરોનાને કાબુમાં લેવા અપેક્ષીત સફળતા મળી નથી. જેથી કેટલાક રાજ્યોમાં હજુ લોકડાઉન વધારવામાં આવે તેવી હિમાયત થઈ રહી છે. જેના પડઘા આખા દેશમાં પડશે તેવી શકયતા છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયે કોરોનાગ્રસ્ત હોટસ્પોટ જિલ્લાઓની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. હવે નોન હોટસ્પોટ જિલ્લાની સંખ્યા વધી છે. એકંદરે એમ કહી શકાય કે દેશમાં કોરોનાની તિવ્રતા ઓછી કરવામાં મહદઅંશે સફળતા મળી રહી છે. દેશમાં કોરોનાના કેસ સતત વધવાના કારણે ચિંતામાં મુકાયેલી સરકાર માટે હોટસ્પોટની સંખ્યા ઓછી થતી હોવાના રાહતના સમાચાર મળી રહ્યાં છે. આગામી સમયમાં કોરોના સામેની લડાઈ આવી રીતે ચાલશે તો વાયરસને ટૂંકાગાળામાં કાબુમાં લેવામાં સફળતા મળશે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે અમેરિકા, ઈટાલી, સ્પેન સહિતના દેશોમાં હજ્જારો લોકોના મોત નિપજી ચૂકયા છે. અમેરિકા દ્વારા લોકડાઉનની સખત અમલવારી થઈ નથી. પરિણામે દર ૧૦ દિવસે મૃતાંક બે ગણો થતો હોવાનું પણ સામે આવ્યું છે. ઈટાલી પણ કોરોનાનો શિકાર બની ચૂકયું છે. આવા સંજોગોમાં વિકસીત દેશોમાં આરોગ્યના સંશાધનો કોરોના સામે જંગ હારી ગયા હોય ત્યારે ભારતમાં કોરોના વધુ હાહાકાર મચાવે તેવી ભીતિ હતી. ભારતની જન સંખ્યાના કારણે લાખો લોકો કોરોનાના સકંજામાં આવી જાય તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી હતી. અલબત ભારતમાં મોદી સરકારે પારોઠના પગલા લીધા હતા. વાયરસ ફાટી નીકળ્યો તે સમયે એરપોર્ટ પર થર્મલ સ્કેનર સહિતનું મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાયરસને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનની અમલવારી પણ કરાવવામાં આવી હતી.

૨૧ દિવસના લોકડાઉન દરમિયાન વાયરસ કાબુમાં ન આવતા લોકડાઉન વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ત્રણ મે સુધી લોકડાઉનની અમલવારી રહેશે તેવું તંત્ર દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું. જો કે લોકડાઉનના બીજા તબક્કામાં પણ કોરોના વાયરસને કાબુમાં લેવામાં અસરકારક સફળતા મળી નથી. જેથી જે રાજ્યોમાં કોરોનાના કેસ વધુ છે તે રાજ્યો દ્વારા આગામી સમયમાં લોકડાઉન વધારવામાં આવે તેવી હિમાયત થઈ રહી છે. જો કે, આ લોકડાઉન જે વિસ્તારોમાં કોરોના સંક્રમણની તિવ્રતા વધુ છે ત્યાં સુધી જ સીમીત રહેશે.

  • કોરોનાનાં સંક્રમણ બાદ રીકવરીની ટકાવારી ૨૧.૯૬ ટકાએ પહોંચી

કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યાં હોવાની ચિંતા ઠેર-ઠેર વ્યકત થઈ રહી છે. ત્યારે કોરોનામાંથી સાજા થતાં લોકોની સંખ્યામાં પણ બહોળો વધારો થયો છે. વર્તમાન સમયે કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ સાજા થયા હોય તેવા ૫૯૧૩ લોકો છે. સાજા થવાની સરેરાશ વધીને ૨૧.૯૬ ટકાએ પહોંચી ગઈ છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ પણ વ્યક્તિને બચાવવામાં સફળતા મળી રહી છે. નોંધનીય છે કે, વર્તમાન સમયે દેશમાં કોરોનાના કેસ ૨૭૦૦૦ની નજીક છે અને મોતનો આંકડો પણ ૮૨૬થી વધુ છે. આવા સમયે રિકવરી વધવાની વિગતો સરકાર માટે સારા સમાચાર ગણી શકાય.

  • રાજકોટ સહિતનાં મહાનગરોમાં માત્ર આવશ્યક વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે

રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં આવશ્યક વસ્તુઓ સીવાયની અન્ય તમામ દુકાનો બંધ રાખવાનો સખત આદેશ સરકાર દ્વારા થયો છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં શરતી છુટછાટ અપાઈ હતી. આ છુટછાટના કારણે સામાન્ય લોકોમાં અસમંજસતા ઉભી થઈ હતી. કઈ દુકાન બંધ રહેશે અને કઈ ખુલ્લી રહેશે તેવા પ્રશ્ર્નો જાગ્યા હતા. આવા સમયે કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી અગાઉની જેમ માત્ર જરૂ રીયાતની વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવાનો આદેશ તંત્ર દ્વારા થયો છે.

  • કુલગામમાં એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદી ઠાર : જવાનને ઈજા ઘવાયેલા બે આતંકીઓની શોધખોળ

જમ્મુ-કાશ્મીરમાંથી સ્વાયત રાજયનો દરજજો સમાપ્ત કરી સરકારે દાયકાઓ પછી રાજયને દેશનાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના નિર્ણય જમ્મુ-કાશ્મીરની પ્રજાને સ્વીકાર્ય બની ગયું છે પરંતુ હજુ દેશ વિરોધી તત્વો કાશ્મીરને બળતુ રાખવા હવાતિયા મારી રહ્યા હોય તેમ ગદર જંગલ વિસ્તારમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે સાંજે સેનાએ હાથ ધરેલી દેશવિરોધી તત્વો સામેની કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા અને એક સૈનિકને ઈજા થવા પામી હતી.

કાશ્મીરનાં વિજયકુમારે જણાવ્યું હતું કે, હજુ બે આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાથી સર્ચ ઓપરેશન જારી છે. તેમણે જણાવ્યું હતું કે, મરાયેલા બંને આતંકીઓની ઓળખ માટે ચક્રોગતિમાન કરાયા છે. બાતમીને આધારે સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સામ-સામે ગોળીબારમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા અને એક જવાનને સામેસામેના ગોળીબારમાં પગમાં ગોળી લાગી ગઈ હતી. હજુ આ વિસ્તારમાં બે આતંકીઓ છુપાયા હોવાની આશંકાને પગલે તેમને ઝડપી લેવા શોધખોળ જારી રહેશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની સમાપ્તી બાદ રાજયમાં શાંતિ પ્રવર્તી રહી છે ત્યારે કાશ્મીરને કાયમ સળગતું રાખવાની મુરાદ રાખતા નાપાક તત્વોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. ભારત-પાક સરહદ પર છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા સતતપણે યુદ્ધ વિરામ ભંગ થઈ રહ્યો છે. કાશ્મીરને બળતું રાખવા આતંકીઓને ભારતમાં ઘુસાડવા માટે સતત નાપાક હરકતોના માહોલમાં કુલગામના આ એન્કાઉન્ટરથી દેશવિરોધી તત્વો ફફડી ઉઠયા છે.

  • ‘પડતા ઉપર પાટુ મારવા’ની હિમાયત કરનાર ૫૦ આઈઆરએસ ઓફિસર્સ સામે તપાસ

મિલકત વેરા ઉઘરાવવા સહિતનો ટેક્સ રિપોર્ટ સરકારની જાણ બહાર સોશિયલ મીડિયા પર મુકી દીધો: મહામારીમાં આવકની ચિંતામાં મુકાયેલા લોકો વધુ ચિંતાતુર થાય તેવી દહેશત કોરોના વાયરસના કપરા સમયમાં મિલકત વેરો અને સેસ સહિતના વેરા ઉઘરાવવા બાબતે સરકાર સમક્ષ દરખાસ્ત મુકનાર ૫૦ આઈઆરએસ ઓફિસર્સ સામે તપાસના આદેશ અપાઈ ગયા છે. કપરા સમયમાં વેરાથી લોકો ઉપર દબાણ આવશે તેવી વાત સરકારને સમજાઈ જતાં સરકારે તે જ ઘડીએ દરખાસ્તને ફગાવી દીધી હતી. અધુરામાં પૂરું દરખાસ્ત લાવનાર ૫૦ આઈઆરએસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવાના એંધાણ છે.

મહામારી વચ્ચે લોકો પોતાની આવક અંગે ચિંતીત છે. આવા સમયે કરવેરાની દરખાસ્ત મુકવાથી લોકો વધુ પ્રમાણમાં ભયભીત થઈ જશે ત્યારે ઈન્ડિયન રેવન્યુ સર્વિસના ૫૦ યુવા અધિકારીઓએ ટ્વીટર ઉપર રિપોર્ટ મુકી દીધો હતો. પરિણામે સરકારના રોષનું ભોગ બનવું પડ્યું છે. સામાન્ય રીતે અધિકારી કોઈપણ રિપોર્ટ પબ્લિક સમક્ષ તાત્કાલીક મુકી શકતા નથી. સરકારે આ બાબતે નિયમો બનાવ્યા છે. જેનો આઈઆરએસ અધિકારીઓએ ઉલ્લઘન કર્યું છે. સોશિયલ મીડિયા પર મુકાયેલા રિપોર્ટના કારણે વાત વણસી ગઈ હતી. કપરા સમયે કરવેરા ઉઘરાવવાની દરખાસ્ત અયોગ્ય હોવાની વાત લોકો ટ્વીટર પર કહેવા લાગ્યા હતા. સરકારની જાણ બહાર આ થયું હોવાનું પણ સામે આવ્યું હતું.

ઈન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીઓ દ્વારા દાખવાયેલી આ બેદરકારીના કારણે લોકો મુસીબતમાં મુકાશે તેવી વાત સામે આવતા સરકારે તુરંત પગલા લીધા હતા અને તમામ ૫૦ અધિકારીઓ સામે તપાસના આદેશ આપ્યા છે. અલબત ઈન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીઓના સંગઠને ૫૦ અધિકારીઓ દ્વારા થયેલી હરકતથી પીછો છોડાવ્યો છે અને ટ્વીટર પર મુકાયેલા રિપોર્ટથી તમામ અધિકારીઓ સહમત ન હોવાનો ખુલાસો પણ કરાયો છે.

  • ચાર્જ સંભાળવા ન્યાયાધીશોએ ૪ હજાર કિ.મી. મુસાફરી કરી

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન અને જાહેર પરિવહનની ગેરહાજરી વચ્ચે હાઈકોર્ટના બે ન્યાયમૂર્તિઓ કુલ ૪ હજાર કિમી ગાડી હંકારીને તેમના નવી જવાબદારીનો પદભાર લેવા મુખ્ય ન્યાયમૂર્તિ મુંબઈ અને મેઘાલય હાઈકોર્ટે પહોંચ્યા હતા. લોકડાઉનની મજબુરીથી આ ઉદાહરણનો પ્રથમ ન્યાયમૂર્તિ દિપાગર દત્તા કલકતા હાઈકોર્ટે કલકતાથી મુંબઈ સફર મુંબઈ હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિનો ચાર્જ લેવા કર્યો હતો. જયારે ન્યાયમૂર્તિ વિશ્ર્વનાથ સોમદાર અલ્હાબાદ હાઈકોર્ટથી રવિવારે મોડી રાત્રે સિલાંગ સુધી પહોંચવા સફર કરી હતી. તેમને સોમવારે ૧૧ વાગ્યે મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો ચાર્જ લેવાનો હતો. ન્યાયમૂર્તિ દત્તા સોમવારે સાંજે મુંબઈ પહોંચશે અને બીજા દિવસે મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ચાર્જ સંભાળશે. ન્યાયમૂર્તિ સોમદાર અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલાયા તે પહેલા કલકતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવતા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો હુકમ મળતા તે શુક્રવારે અલ્હાબાદથી કલકતા જવા રવાના થયા હતા. અલ્હાબાદથી કલકતાનું અંતર ૮૦૦ કિમી છે. શુક્રવારે રવાના થયેલા સોમદર શનિવારે બપોર પછી કલકતા પહોંચ્યા હતા અને ત્યાંથી ૧૧૫૦ કિમી દુરની સિલોંગની સફર ૭:૩૦ વાગ્યે શરૂ  કરી હતી. રવિવારે રાત્રે તેમણે અલ્હાબાદથી મેઘાલયની રાજધાની સુધીની સફર શરૂ  કરી હતી. આજ રીતે ન્યાયમૂર્તિ દત્તા શનિવારે કલકતા મુંબઈ જવા પુત્ર સાથે રવાના થયા હતા. ૨૨૦૦ કિમીની સફર ખેડનાર ન્યાયમૂર્તિ દત્તા કલકતા હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ ગણાય છે. તેમને ૨૦૦૬માં કાયમી જજ તરીકે કલકતામાં નિમણુક આપવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે કલકતાથી મુંબઈ જવા માટે કોઈ વિકલ્પ ન હોવાથી તેમણે મોટર રસ્તે જવાનો નિર્ણય કર્યો હતો. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના કારણે મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાન અને રાજયપાલ તથા ગતરાય સહિતના ગણતરીના ૨૦ સભ્યો જ ન્યાયમૂર્તિ સોમદારના કલકતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે જલપાઈ ગુફી ખાતે યોજાનારા એક સમારોહમાં પોતાનો ચાર્જ સંભાળશે. દેશના ઈતિહાસમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓ પોતાની ફરજ સ્થળે પહોંચવા ૪૦૦૦ કિમીનો સફર ખેડવાનો આ નવો કિર્તિમાન સ્થાપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.