Abtak Media Google News

અરજદારોને સેનીટાઈઝ પણ ન કરાતા હોવાની ફરિયાદો: હવે ૧૦૦ થર્મલ ગન ખરીદવાનો નિર્ણય

કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય તેના માટે કેવી તકેદારી રાખવી તેની સલાહ આખા શહેરને આપતા મહાપાલિકા કચેરીમાં જ તમામ નિયમોનો રીતસર ઉલાળીયો કરવામાં આવે છે. કામ અર્થે કોર્પોરેશન કચેરીએ આવતા લોકોને થર્મલ સ્કેનીંગ કરવામાં આવતું નથી કે તેઓને સેનીટાઈઝ પણ કરવામાં આવતા નથી. સોશિયલ ડિસ્ટન્સીંગનાં મોટાભાગના નિયમનો રિતસર ઉલાળીયો કરવામાં આવે છે. સરકારનાં આદેશ છતાં હવે અનલોક-૧માં ૧૦૦ નંગ થર્મલ ગન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓ કચેરીમાં માસ્ક પહેર્યા વિના પણ નજરે પડતા હોય છે.

કોરોના વાયરસ હજી સુધી કોઈ વેકસીન શોધાઈ નથી આવામાં સાવચેતી જ સલામતી છે.

ચહેરા પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, સરકારી કચેરીઓ ખાતે આવતા અરજદારોનું શરીરનું ટેમ્પરેચર માપવા માટે થર્મલ સ્કેનીંગ કરવું અને લોકોને સેનીટાઈઝ કરવા જેવા નિયમોનું પાલન કરવામાં આવે તો કોરોનાથી ચોકકસ બચી શકાય છે. એક તરફ મહાપાલિકા તંત્ર આખા રાજકોટને કોરોનાથી કેવી રીતે બચી શકાય તેની સલાહ આપી રહ્યું છે તો બીજી તરફ કોર્પોરેશન કચેરીમાં જ નિયમોનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. ગઈકાલથી અનલોક-૧નો તબકકો શરૂ થયો છે ત્યારે સરકારી કચેરીઓએ લોકોની અવર-જવર વધે તે સામાન્ય બાબત છે. આવામાં હાલ કોર્પોરેશનની ઝોન કચેરીએ કે વોર્ડ કચેરી આવતા લોકોનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવતું નથી.

જે-તે શાખામાં તેઓને સેનીટાઇઝ પણ કરવામાં આવતા નથી. અધિકારીઓ કે કર્મચારીઓ ટોળા વળીને બેસતા નજરે પડે છે. આવામાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમોનો પણ રીતસર ભંગ થઈ રહ્યો છે.

કોરોનાથી બચવા માટે લોકોનાં શરીરનું ટેમ્પરેચર માપવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજયની તમામ સંસ્થાઓને થર્મલ સ્કેનીંગ કરવા માટે ગન વસાવવા ગત ૨૦મી એપ્રિલનાં રોજ આદેશ આપવામાં આવ્યો છે પરંતુ મહાપાલિકા દ્વારા હજુ સુધી થર્મલ ગન વસાવવામાં આવી નથી.

હવે જયારે અનલોક-૧નો તબકકો શરૂ થયો છે ત્યારે ૧૦૦ નંગ થર્મલ ગન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખા શહેરને કોરોનાથી કેમ બચવું તે અંગે સલાહ આપવામાં આવી રહી છે પરંતુ ખુદ મહાપાલિકા કચેરીમાં જ નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.