Abtak Media Google News

પરંતુ અચાનક બપોરના એક વાગ્યે જ રમઝટ બોલતા અધિકારીઓએ આરામ કરવાનું ટાળ્યું

ફોજદાર જયદેવ તેની આ ધોરાજીથી થયેલી પાંચમી બદલીથી મનોમન થોડો નારાજતો થયો હતો તેથી રાજકોટ સીટી ગેસ્ટ હાઉસમાં નવરા પડયા પડયા તેણે મનોમંથન શ‚ કર્યું કે મારી સાથે જ આવું વારંવાર થવાનું કારણ શું? મારો કોઈ વાંક કે કાર્ય પધ્ધતીની ખામી? કે અન્ય કોઈ કારણો? વિચારતા વિચારતા થયું કે કારણો તો ઘણા છે. પરંતુ આ છેલ્લી બદલી હુકમના બે કારણો હતા. જેમાં એક રાજકારણ અને સટ્ટાબજારના સંચાલકોનું દબાણ અને બીજુ જીલ્લા કક્ષાની બ્રાંચો ક્રાઈમ બ્રાંચ અને ટાસ્કફોર્સના અધિકારીઓ એવું માનતા હોય કે ધોરાજી જેવા ‘લગડી’ પોલીસ સ્ટેશનમાં જો આ બે અધિકારી રહેશે તો પછી તે વિસ્તારમાં બીજા કોઈનું કાંઈ વર્ચસ્વ રહેશે નહિ. તેથી આ બેમાંથી એકની બદલી થાય તો કાંઈક ધોરાજીમાં પગપેસારો થાય તેથી પોલીસ વડાને કાનાફૂસી અને ખટપટ કરી હોઈ શકે. પરંતુ જયદેવની ભૂલ કે વાંક એટલો જ હતો કે આ સટ્ટા બજારની રેઈડ કરવાની કાયદેસરની કાર્યવાહી વોરંટ મેળવવાથી લઈ પંચનામુ કરી મુદામાલ કબ્જે કરવાનું કાર્ય તેણે કર્યું હતુ જે કાયદેસરની જ બાબત હતી. છતા જયદેવે મન મનાવ્યું કે જે નશિબમાં હશે તે જ થશે. યોગ: કર્મષુ કૌશલમ્ ! હવે તેની કાર્ય પધ્ધતિમાં ફેરફાર થવો અસંભવ હતો.

આ સમયગાળામાં જયદેવ સીટી ગેસ્ટ હાઉસથી જામટાવર એસ.પી. કચેરીએ દિવસમાં એકાદ આંટો મારી આવતો અને કાંઈક નવા જૂની હોય તો પોલીસ કંટ્રોલ‚મમાંથી જાણવા મળે.

તે સમયે માલવાહક વાહનોમાં ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન ખૂબ થતુ તેથી તે અટકાવવા માટે તંત્ર દ્વારા ખાસ કેલેન્ડે સ્ટાઈન ઓપરેશન થતું જે ટીમમાં પોલીસ એસ.ટી.નાં અધિકારી અને આરટીઓનાં અધિકારીઓ સંયુકત રીતે વાહન ચેકીંગની કામગીરી કરતા. આ રીતે એક દિવસ જયદેવને આ કેલેન્ડેસ્ટાઈન ઓપરેશનમાં જવાની વરધી મળતા તે સવારના આઠ વાગ્યે જ યુનિફોર્મ પહેરીને કંટ્રોલ ‚મ ઉપર આવી ગયો ચેકીંગ માટેના પોલીસ જવાનો અને સરકારી વાહન તથા એસ.ટી.નાં અધિકારી આડઠકકર પણ આવી ગયા હતા. પરંતુ આર.ટી.ઓનાં કોઈ કર્મચારી હજુ સુધી આવ્યા નહતા. તેથી જયદેવે કંટ્રોલ ‚મ ઈન્ચાર્જ ને જણાવ્યું કે આરટીઓ સ્ટાફ આવે તો જામનગર રોડ પડધરી બાજુ મોકલવાનું કહી આડઠકકર અને પોલીસ જવાનોને લઈને નીકળી પડયો. રસ્તા ઉપર આવતા જતા વાહનોનું ચેકીંગ કરી જે વાહન ચાલક કે માલીકે મોટર વ્હીકલ એકટ મુજબ પરમીટ ભંગ કરી વાહનનો માલવાહકને બદલે માનવ વાહક તરીકે ઉપયોગ કર્યો હોય તેના કેસો કરતા કરતા બપોરે બાર વાગ્યે પડધરી આવ્યા. તમામે હાઈવે ઉપર પરોઠા હાઉસમાંજ ભોજન કરી લીધું અને બાદ આરામ કરવા માટે પડધરી ગામ પૂ‚ થયે જામનગર રોડ ઉપર આવેલ જુના વિશ્રામ ગૃહમાં આવ્યા. જયદેવ જયારે લોધીકા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે તેના મીત્ર ફોજદાર રાણા પડધરી હતા તેથી તેને વારંવાર પડધરી આવવાનું થતું આથી વિશ્રામગૃહનો ચોકીદાર દાદુ જયદેવથી સારી રીતે પરિચિત હતો.

જયદેવ વિશ્રામગૃહમાં આવતા દાદુએ દોડાદોડી કરીને વિશ્રામ ગૃહના તમામ ‚મ ખોલી નાખ્યા. જયદેવ તથા આડઠકકર વીઆઈપી ‚મમાં ગયા, પોલીસ જવાનો ડોરમેટ્રીમાં ગોઠવાઈ ગયા દાદુએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી જયદેવ સાથે વાતચીત કરી કે સાહેબ રાણા સાહેબની બદલી પછી તો તમે કયારેય દેખાયા જ નહી. જયદેવે પણ ટોપી અને રીવોલ્વર ઉતારી આરામ માટે લંબાવ્યું, આડ ઠકકરે પણ પોતાનું શર્ટ ઉતારી ખીંટીએ ટીંગાડી પોતાનું પર્સ ઓસિકા નીચે દબાવીને લંબાવ્યું અને વિશાળ કાય આડ ઠકકરને ઘસઘસાટ નિંદર આવી ગઈ.

પરંતુ જયદેવને પલંગ ઉપર પડયા પડયા મનમાં આજ વિશ્રામગૃહ જૂની વાતોની કેસેટ ચાલુ થઈ. પોતે અગાઉ રાણાને મળવા આવેલો ત્યારે વિશ્રામગૃહમાં રહેતા તાલુકા પંચાયત પડધરીના જ કર્મચારી અમુભાઈ ધકાણે એક કિસ્સાની વાત કરેલી તે યાદ આવી.

તે સમયે અમુભાઈએ જયદેવને કહેલ કે આ તમામ મીત્ર રાણા સાહેબ પણ ખરા માણસ છે. આ જે વી.આઈ.પી. ‚મ છે તે બાદ વાળો છે. તે ‚મમાં કોઈ રાત્રી રોકાણ કરે તો તેને કાંઈક ને કાંઈક વિચિત્ર અનુભવ અને કાંઈક અજુગતા બનાવનો અનુભવ અવશ્ય થાય જ છે. જેથી જે કોઈ મહેમાન આવે તે વીઆઈપી ‚મને બદલે ડોરમેટ્રી ‚મમાં જ રોકાય છે. પરંતુ રાણા સાહેબ આ બાદ વાળા વી.આઈ.પી. ‚મમાં જ રોકાય છે અને સુએ છે. ઘણી વખતે રાત્રીના રાણા સાહેબતે ‚મમાં સુતા હોય અને તે ‚મમાં બઘડાટી બોલતી હોય અને ધબધબાટીના અવાજ આવતા હોય છે. અમે ડોરમેટ્રીમાં જાગી જઈને આ સાંભળતા હોઈએ છીએ. પણ રાણા સાહેબ તો તેમની મસ્તીમાં આરામમાં જ હોય છે.

અમુભાઈ એ કહ્યું કે થોડો વખત પહેલા મોરબીનાં ડીવાયએસપી પટેલ સાહેબ તેમના રીડર પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.જે. ગોહિલ તથા અન્ય કલાર્ક જમાદારો વિગેરે પડધરી પોલીસ સ્ટેશનનાં વાર્ષિક ઈન્સ્પેકશનમાં આવ્યા હતા. વી.આઈ.પી. ‚મમાં પટેલ સાહેબ સુતા હતા. બાકીનાં તમામ અહિં મારી સાથે ડોર મેટ્રીમાં સુતા હતા. શિયાળાનો સમય હતો. તેથી તમામ પોત પોતાના ‚મના બારી બારણા જડબેસલાક બંધ કરીને લાઈટો, પંખા વિગેરે બંધ કરીને સુઈ ગયેલા. પરંતુ અરધી રાત્રે વી.આઈ.પી. ‚મનાં પંખા લાઈટો અને પાણીના નળ અને ગીજર પણ પોત પોતાની રીતે જ ચાલુ થઈ ગયેલા. શિયાળાનો સમય હોય આ પંખા પાણીના નળ બંધ કરી ને પટેલ સાહેબ સહિતનો સ્ટાફ જીપ લઈને રાતોરાત પહેલા પડધરી પોલીસ સ્ટેશને જતો રહેલ અને ત્યાંથી સીધા મોરબી જવા રવાના થઈ ગયેલા.

મેં આ વાત રાણા સાહેબને કરી છતા તેઓ મારી આ વાત માનતા નથી. પરંતુ થોડા સમય પછી રાણા પણ બીજા મકાનમાં રહેવા જતા રહેલા તે વાતની જયદેવને ખ્યાલ હતો. આ ગેસ્ટ હાઉસમાં મકાનમાં રૂમની સ્થિતિ એ રીતે હતી કે પડધરી જામનગર રોડથી દક્ષિણે ઉતરતા પ્રથમ વિશ્રામ ગૃહનું ફળીયું અને રોડની બરાબર સામે જ વિશ્રામ ગૃહનું મકાન હતુ તેમાં પ્રથમ ઓસરીમાં આવતા સામેજ ડાઈનીંગ રૂમ દાખલ થતા જમણી બાજુ વીઆઈપી રૂમ અને ડાબી બાજુ ડોરમેટ્રી રૂમ જે ઘણો મોટો હતો. વી.આઈ.પી. રૂમમાં પ્રવેશતા જ જમણી બાજુ દિવાલમાં બીજો દરવાજો લાકડાનો હતો. તેમાં અંદર જતા એક નાની કોરીડોર અને તેમાં અલગ અલગ દરવાજા વાળા બાથરૂમ અને સંડાસ હતા. જેમના દરવાજા પણ લાકડાના જ હતા. પરંતુ આજે જયદેવે ધીમો પંખો ચાલુ રાખી વીઆઈપી રૂમનો દરવાજો કે જે ઓંસરીમાં ખૂલતો હતો તેના દરવાજા ખૂલ્લા જ રાખ્યા ઓસરીને ફળીયા બાજુ લોખંડની ગ્રીલ હતી તેથી સુતા સુતા જ ફળીયું અને હાઈવે સુધી નજર નાખી શકાતી હતી. સંડાસ, બાથરૂમના દરવાજા પણ બંધ હતા અને તેના કોરીડોરનો દરવાજો જે વીઆઈપી રૂમમાં ખૂલતો હતો તેને સાંકળથી જ બંધ કર્યો હતો.

જયદેવ આ જૂના વિચારો કરતો હતો ત્યાં આડ ઠકકરે તો ઘસઘસાટ નિંદરમાં નસકોરા બોલાવવાનુ શરૂ કર્યું આથી હવે આ બખડજંતર સંગીતમાં જયદેવને નિંદર આવવાનો કોઈ સવાલ જ નહતો. પરંતુ જયદેવ વામકુક્ષી કરતો આડા પડખે પડયો હતો.

તેવામાં થોડીવારે ઓચિંતો એક જોરદાર ધડાકો થયો અને ‚મનો સંડાસ બાથ‚મ તરફના કોરીડોરનો દરવાજો જે સાંકળથી બંધ કર્યો હતો તે અવાજ સાથે ખુલીને દિવાલો સાથે જોરથી અથડાયા. નસકોરા બોલાવતા અને ભર ઉંધમાં રહેલા આડ ઠકકરે તો આ સાંભળીને કાંઈ જોયા કારવ્યા સિવાય એક ઠેકડે ‚મ બહાર અને બે પગલે ઓંસરીમાંથી ફળીયા માં જઈ ઉઘાડા ડીલે જ ઉભા રહી ગયા અને ‚મ તરફ તાકીદે જોઈ રહ્યા.

જયદેવ પણ પથારીમાં બેઠો થઈ ગયો. અને મુંઝાયો પણ ખરો કેમકે તે એવું માનતો કે ભૂત પ્રેતનાં આવા પરચા રાત્રીનાં જ થતા હોય છે. દિવસનાં નહિ આથી તેને થયું કે અંદર કોરીડોરમા હવાના દબાણના કારણે કદાચ દરવાજો ખૂલી ગયો હશે. આમ વિચારી ને તે ઉભો થઈ કોરીડોરમાં જોયું તો ત્યાં હવા આવવાની કોઈ એવી જગ્યા જ નહતી વળી જે દરવાજો ખૂલ્યો તે સાંકળમારીને બંધ કર્યો હતો તે હવાના દબાણથી કોઈ પણ સંજોગોમાં ખૂલી શકે નહિ છતાં કાંઈક સમજ ફેર લાગે છે.તેમ માની કોરીડોરમાં અંદર ગયો તો. બાથ‚મમાં નળ ચાલુ હતો અને ઉનાળો હોવા છતાં ગીજરમાં ધમધમાટ પાણી ગરમ ઉકળતું હતુ હવે જયદેવ ચમકી ગયો કે નકકી કાંઈક ‘કારણ’ છે આથી ‚મમાં આવી પોતાની રીવોલ્વર પટા ટોપી લઈને ઝડપથી ‚મની બહાર નીકળી ગયો.

જયદેવ ફળીયામા આવતા આડ ઠકકરે તેને પૂછયું ‘સાહેબ અંદર શું થયું હતુ?’ જયદેવે જવાબ દીધો ‘કોને ખબર’ આમ વાત થતી હતી ત્યાં બાજુમાં આવેલા સર્વન્ટ કવાર્ટરમાંથી ચોકીદાર દાદુ આવી ગયો. તેણે અનુભવી દ્રષ્ટિએ જયદેવની સામે જોઈને કહ્યું ‘સાહેબ ખાસ કોઈ તકલીફ નથી થઈને?’ આથી જયદેવે અજાણ્યા થઈ સામે પ્રશ્ર્ન પૂછયો ‘શાની તકલીફ?’ આથી દાદુએ કહ્યું ‘આતો તમો બંને જણા આરામ કરવાને બદલે તુરત બહાર ફળીયામાં આવી ગયા તેથી પુછુ છું’

પરંતુ જયદેવે વાત છુપાવતા કહ્યું કે અમારે તાત્કાલીક કામ આવી ગયું છે. આથી તુરંત પાછા જવાનું છે, હવે સ્ટાફને જગાડો. પણ આ અફડા તફડીમાં જવાનો તો જાગી જ ગયા હતા પરંતુ શું થયું તે તેમને સમજાયું નહિ.

આડ ઠકકરે જયદેવને કહ્યું ‘સાહેબ રૂમમાં મારૂ શર્ટ અને પોર્ટ ફોલીયું રહી ગયા છે’ આથી જયદેવે કહ્યું તો ‘જઈ ને લઈ આવો’. આડ ઠકકરે કહ્યું પણ ડર લાગે છે. સાહેબ જયદેવે કહ્યું ચાલો હું સાથે આવું છું તમને શાની બીક લાગે છે?’ પરંતુ આડઠકકરે હાથ જોડી વિનંતી કરી ‘સાહેબ હું અંદર નહિ આવું’ તેમ કહી ગળગળા થઈ ગયા. આથી વધારે ફજેતો ન થાય તે માટે જયદેવે હિંમત કરી ફરીથી વીઆઈપી રૂમમાં જઈ થોડા ગભરાટ અને ખચકાટ સાથે ત્યાંથી આડ ઠકકરનું શર્ટ અને પોર્ટફોલીયું લઈને તે બહાર આવ્યો.

ડ્રાઈવરે જીપ ચાલુ કરી તમામ તેમાં ગોઠવાઈ ગયા અનુભવી દાદુ બધુ સમજી ગયો તેણે જયદેવ પાસે માફી માગી અને કહ્યું કયારેક કયારકે આવું થાય છે.

જીપ પડધરીથી સીધી પોલીસ કંટ્રોલ રૂમ જામટાવર આવી. જયદેવે પાછા આવ્યાની નોંધ કરી સીટી ગેસ્ટ હાઉસ રવાના થયો પણ શું કેમ થયું તે કોઈ એ રસ્તામાં ચર્ચા જ ન કરી.

સીટી ગેસ્ટ હાઉસમા જયદેવના રૂમ પાર્ટનર હતા. ફોજદાર માર્શલ સોલંકી, તેઓ રૂમમાં જ હતા. જયદેવે પડધરી વિશ્રામગૃહમાં બનેલ બનાવની તેમને વાત કરી ફોજદાર સોલંકી પણ વેદાંતી હતા. તેમણે કહ્યું શું વાત કરો છો. તે તો ખાલી ભૂત હતુ. અને આપણે તો ‘પંચમહાભૂત’ છીએ બોલો કોણ વધારે શકિતશાળી ? જયદેવ મનમાં વિચારતો રહ્યો કે પાંચ જ વધારે પણ આજે એકના નાટકથી પાંચ વાળા રાજકોટ આવી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.