રાજકોટમાં હવે નવા મુકિતધામોની તાતી જરૂર

મૃત્યુનું પ્રમાણ વધતા હયાત મુકિતધામો ઉપર વધતું ભારણ: એકલા રામનાથપરા ઉપર ૫૦ ટકાથી વધુ ભારણ

મંઝિલ તો સબ કી વહી હૈ

હર રૂપ મેં હર કોઈ આતે

આંસુ લિએ કુછ અપના ભી છોડ જાતે

ભાઈ યહ સ્મશાન ઘાટ હૈ

યહાં રોજ અનેકો મૂર્દે કફન મેં દફન

ઔર જલાયે જાતે…

સ્મશાનઘાટ વિષે લખાયેલી ઉપરોકત પંકિતઓ આપણા રાજકોટના હયાત સ્મશાન એટલે કે મુકિતધામોને બરાબર લાગુ પડે તેવી છે. રાજકોટમાં કોરોનાની મહામારીને કારણે મૃત્યુનું પ્રમાણ ખાસ્સુ વધ્યું છે તો બીજી બાજુ અન્ય બિમારીઓથી થતા મૃત્યુ ઉપરાંત અકસ્માત અને આપઘાતનાં બનાવોમાં થતા મૃત્યુને કારણે રાજકોટનાં અડધો ડઝન જેટલા મુકિતધામોમાં રોજ ઘણા મૃતદેહોને અંતિમવિધી માટે લાવવામાં આવે છે રોજ અંતિમવિધી માટે આવતા મૃતદેહો પૈકી સરેરાશ ૫૦% જેટલા મૃતદેહોની અંતિમવિધીનું ભારણ એકલા રામનાથપરા મૂકિતધામ ઉપર આવી પડે છે. અને બાકીનાં મૃતદેહોની અંતિમવિધીનું કામ રામનાથપરા સિવાયના બાકીનાં મૂકિતધામો મોટામવા મૂકિતધામ,૮૦ ફૂટ રોડ, મવડી રોડ, રૈયા, નાના-મવા મૂકિતધામ વગેરે વચ્ચે વહેંચાઈ જાય છે. પરંતુ ઘણી વખત મૃતદેહોની સંખ્યા વધી જાય છે. ત્યારે મૂકિતધામોમાં અંતિમવિધી માટે વેઈટીંગ જેવી પરિસ્થિતિ સર્જાય છે. અને ડાઘુઓએ કલાકો સુધી રાહ જોવી પડે છે. આ પરિસ્થિતિ જોતા હવે રાજકોટ મ્યુ. કોર્પો. તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરના હયાત સ્મશાનગૃહોનું સંચાલન કરતા સેવાભાવી સંસ્થાઓનાં હોદેદારો એમ સૌએ એક મંચ ઉપર આવી રાજકોટમાં વિકસેલા નવા વિસ્તારોમાં નવા મૂકિતધામો બનાવવા વિશે મનોમંથન કરી નકકર આયોજન ઘડી કાઢવું જોઈએ. તાજેતરમાં ઘણા નવા વિસ્તારો રાજકોટમાં ભળ્યા છે.

રાજકોટમાં નવા વિસ્તારોને ધ્યાને લઈ વિસ્તાર વાઈઝ ત્રણથી ચાર નવા મૂકિતધામો બનાવવાની તાતી જરૂર છે. આ અંગે રામનાથપરા મુકિતધામના ઈન્ચાર્જ સેવાભાવી અને માનવતા વાદી બિઝનેસમેન મનસુખભાઈ ધંધુકીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે નવા મુકિતધામ બનાવવાની વાત વ્યાજબી છે. પરંતુ હયાત મુકિતધામનું સંચાલન કરવું સહેલું નથી. મુકિતધામ ચલાવવા માટે સિકયુરીટીમેનથી માંડીને અંતિમવિધી કરવા સુધીની કામગીરી, સાફ-સફાઈ, મેઈન્ટેન્સ વગેરે માટે માણસોની જરૂર પડે છે. પરંતુ પૈસા દેવા છતા માણસો, સ્મશાનમાં કામ કરવા તૈયાર નથી. મહામહેનતે માણસો મળે છે. અને કામ ચલાવવું પડે છે.

કોરોનાની મહામારીએ સ્થિતિ વધારે બગાડી છે હવે કોઈ પગાર દેવા છતાં કામ કરવા રાજી નથી. રામનાથપરા મુકિતધામ દર્શનીય હોવાથી રોજ થતા મૃત્યુ પૈકી ૫૦% જેટલા મૃતદેહોને રામનાથપરામાં જ લવાવામા આવે છે. તેને કારણે રામનાથપરા મુકિતધામનું ભારણ વધતુ જાય છે. તેમાં વળી કોરોનાને કારણે થતા મૃત્યુના કિસ્સામાં મૃતદેહોની સરકારી સૂચના મુજબ સાવધાની પૂર્વક અંતિમવિધી કરવી પડતી હોવાથી બંને ઈલેકટ્રીક વિભાગ તંત્રની સૂચના મુજબ રીઝર્વ રાખવા પડે છે. જયારે ૧ ગેસ ભઠ્ઠી અને લાકડા વિભાગમાં ૪ ખાટલા કોરોના સિવાયના મૃતકોની અંતિમવિધી માટે ઉપલબ્ધ છે. તેમાં લાકડા વિભાગમાં ઝડપથી અંતિમવિધી થાય તે માટે ખાટલા આસપાસ હવા ફેંકવા, બ્લોઅર મૂકવામાં આવેલ છે. વળી, હાલ કોરોનાવાળા મૃતકો અને કોરોના સિવાયના મૃતકોની અંતિમવિધી માટેના પ્રવેશ દ્વાર પણ હાલ અલગ કરવામાં આવેલ છે.

રામનાથપરા મુકિતધામની વિશેષતા એ છેકે અહી જે મૃતકોની અંતિમવિધી થાય છે. તેના અસ્થિઓનું વિસર્જન કરવા સેવાભાવી સંચાલકો સ્વખર્ચે વર્ષમાં ૨ વખત વિમાનમાં અસ્થિ લઈને હરીદ્વાર જાય છે. અને ગંગા તટે વિધી પૂર્વક અસ્થિ વિસર્જન કરવાનું પૂણ્ય કામ કરે છે. હાલ કોરોનાને કારણે ઘણા સમયથી તે કામ નથી થઈ શકયું તે હવે કરાશે તેમ મનસુખભાઈએ જણાવ્યું હતુ.

એક સમય હતો જયારે રામનાથપરા સ્મશાન પણ સુવિધા વગરનું ભેંકાર ભાસતું અને અસામાજીક પ્રવૃત્તિઓનો પણ અડ્ડો હતુ પરંતુ સરગમ કલબના સર્વે સર્વા ગુણવંતભાઈ ડેલાવાળા અને તેમની ટીમે બીડુ ઝડપી રામનાથપરા મુકિતધામની સમુળગી કાયાપલ્ટ કરી તેમાં સુવિધાઓ વધારવાની સાથોસાથ દર્શનીય સ્થળમાં પરિવર્તિત કરી નાખેલ શહેરનાં અન્ય મુકિતધામો મોટા મવા, મવડી, ૮૦ ફૂટ રોડ, રૈયા ગામ અને પોપટપરામાં આવેલ મુકિતધામોની કાયાપલ્ટ કરી તેમાં સુવિધાઓ વધારવાની ખાસ જરૂર છે. જયાં ઈલેકટ્રીક કે ગેસ ભઠ્ઠી નથી તે રૈયા અને પોપટપરાનાં મુકિતધામમાં તે સુવિધા ઉભી કરવાની ખાસ જરૂર છે.

રાજા હોય કે રંક સૌને મૃત્યુ પછી તો અંતિમવિધીમાટે મૂકિતધામમાં જ લઈ આવવા પડે છે. ત્યારે વધતી વસ્તી અને વિસ્તારોનાં ફેલાવાને જોતા નવા મુકિતધામો બનાવવા અને હયાત મુકિતધામોનાં સંચાલનમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા મ્યુ. કોર્પો.ના તંત્ર વાહકોએ સક્રિય બનવાની ખાસ જરૂર છે.

સ્મશાન તેરા હિસાબ બડા નેક હૈ તેરે યહાં

અમીર હો યા ગરીબ સબકા બિસ્તર એક હૈ

હયાત મુકિતધામમાં નવી સુવિધા ઉમેરો

રાજકોટમાં સામાજીક સેવાનું નાનું મોટુ કામ કરતાં સામાજીક કાર્યકર ‘જે.પી.ના ટુકા નામથી ઓળખાતા જેરામભાઈ ગોંડલિયા (૯૭૨૩૦ ૩૫૭૫૭) જરૂર પડયે બિનવારસી લાશોનું અંતિમ સંસ્કારનું સેવા કાર્ય પણ કરે છે. તેમણે પણ જણાવેલ છે કે હવે રાજકોટમાં નવા મુકિતધામો બનાવવા અને હયાત મૂકિતધામોમાં નવી સુવિધાઓ ઉભી કરવાની જરૂર છે.

Loading...