Abtak Media Google News

ઉદ્યોગપતિએ ૬૮ સભ્યોની ટીમ બનાવી માત્ર ૪૦ દિવસમાં દબાણ હટાવીને વૃક્ષારોપણનું કામ પૂર્ણ કર્યું : વૃક્ષોના જતન માટેની કામગીરીની ઠેર ઠેર સરાહના

મોરબી : મોરબીના વાઘપર ગામે એક ઉદ્યોગપતિએ ૬૮ સભ્યોની ટીમ બનાવીને ૧૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. માત્ર ૪૦ દિવસમાં વૃક્ષારોપણ કર્યા બાદ ગ્રામપંચાયતમાં ઠરાવ પસાર કરીને વૃક્ષના જતન માટે આકરા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં વૃક્ષ પાસે દબાણ કરનારને રૂ. ૨૦૦૦નો દંડ કરીને દબાણ હટાવવાનો નિયમ પણ બનાવાયો છે.મોરબીના વાઘપર ગામના વતની અને જાણીતા ઉદ્યોગપતિ ડી.સી. પટેલ ( જિલટોપ ગ્રુપ) એ ગ્રામજનો સાથે બેઠક યોજી હતી.

જેમાં આ ઉદ્યોગપતિએ વૃક્ષો વાવી અને તેના ઉછેર કરવાની વાત મુકી હતી. આ વાતને ગ્રામજનોએ સહર્ષ સ્વીકારી લીધી હતી. બેઠકમાં નક્કી થયા મુજબ વૃક્ષનું વાવેતર,  પિંજરા, ૩થી ૪ વર્ષની માવજત, જેસીબીથી સફાઈ અને પાણી પીવડવાના ખર્ચની જવાબદારી ઉદ્યોગપતિએ લીધી હતી. આ કામ માટે કુલ ૬૮ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીને ડીસીપી હરિયાળી નામ આપવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ માટે રોડની બંને બાજુ ખેતરના દબાણો, ઉકરડાઓ, વંડાઓ વગેરે ઉદ્યોગપતિ ડી.સી. પટેલ અને ગ્રામજનોની સમજાવટથી દૂર કરવામાં આવ્યા હતા. બાદમાં વાઘપર ગામમા ગાળા ગામના રોડ પર આશરે ૪ કીમી સુધીમાં રોડની બન્ને બાજુ, તળાવની પાળે, ગામના પાદરે, સ્મશાને અને સમાજની વાડીએ મળી આશરે ૧૭૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

ટીમ ડીસીપી હરિયાળીએ વૃક્ષારોપણ, પિંજરા નાખવાનું , કંતાન વિટવાનું  અને પાણી સીંચવાનું કામ માત્ર ૪૦ દિવસમાં પૂર્ણ કરી દીધું હતું. બાદમાં ગ્રામપંચાયતમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે વાવેલ વૃક્ષ પાસે જો ફરી કોઈ દબાણ કરવાનો પ્રયત્ન કરશે તો રૂ. ૨૦૦૦ દંડ ભરવો પડશે અને સ્વખર્ચે આ દબાણ હટાવી લેવું પડશે અને કસૂરવાર જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઠરાવની નકલ ગામના દરેક ઘરોમાં વિતરણ કરવામાં આવી હતી. આ રીતે એક ઉદ્યોગપતિની આગેવાનીમાં વાઘપર ગામે હરિયાળું બનવાની દિશામાં પ્રથમ સોપાન પાર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.