ભોગીઓના કદી સન્માન નથી હોતાં, ત્યાગીના સન્માન હોય છે – પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ

158

રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે સાધુ વાસવાણી રોડ પર ગુરુ ડુંગરસિંહજી સ્થાનકવાસી જૈન સંઘની સ્થાપના

નવસર્જિત સંઘમાં શ્રી બૃહદ રાજકોટ સ્થાનકવાસી જૈન સમસ્ત સંઘોએ કર્યા મુમુક્ષુઓના સંયમભાવના ભૂરા ભૂરા સન્માન

નાનાની કદર અને મોટાઓનો આદરનું જ્યાં કોમ્બીનેશન ત્યાં સહજ સફળતા મળે છે

શરીરની ઉંમરને જોનારા અજ્ઞાની, સમજણની ઉંમરને જોનારા જ્ઞાની

પગલે પગલે માંગલ્યનું સર્જન અને પળે પળે ભવ્ય જીવોના ભાવોની પરિપૂર્ણતા કરી રહેલાં પુણ્યપુરુષ દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આગામી 9 ડીસેમ્બરના દિવસે બે મુમુક્ષુ આત્માઓને પરમ કલ્યાણના દિવ્ય દાન આપવાના સમગ્ર રાજકોટમાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે દીક્ષા મહોત્સવ પ્રારંભના પૂર્વ દિવસોમાં જ સંયમ સંયમનો રંગ પ્રસરાઈ રહ્યો છે.

ગોંડલ ગચ્છના ગાદીપતિ પૂજ્ય શ્રી ગિરીશચંદ્રજી મહારાજ સાહેબે જીવનના અંતિમ સમયે રાષ્ટ્રસંત પૂજ્યશ્રી સમક્ષ વ્યક્ત કરેલી ભાવના અનુસાર રાજકોટના સાધુ વાસવાની રોડ ઉપર શ્રી સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોની ઉપસ્થિતિમાં દાદા ડુંગર સ્થાનકવાસી જૈન સંઘ-સાધુ વાસવાની રોડની સ્થાપના થતાં સર્વત્ર જયકાર અને હર્ષનાદ ગુંજી ઉઠ્યો હતો. મોટાભાગના સંધો જયારે પોતાના વિસ્તારના નામથી સ્થાપિત કરવામાં આવતાં હોય છે, ત્યારે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીની પ્રેરણાથી ગોંડલ ગચ્છના આદ્ય ગુરુવર્યના નામથી શ્રી સંઘ સ્થાપના કરવામાં આવતાં સહુ અત્યંત અહોભાવિત થયાં હતાં.

શિયાળાની વહેલી સવારની ગુલાબી ઠંડીના ખુશનુમા વાતાવરણની વચ્ચે ખુલ્લા આકાશની નીચે નવનિર્મિત શ્રી સંઘની સ્થાપનાને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરતું મનનીય પ્રવચન આપતાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ અત્યંત પ્રભાવક શૈલીમાં ફરમાવ્યું હતું કે, સન્માન હંમેશા ત્યાગીઓનું હોય છે, ભોગીઓનું નહીં. ઉગતાં સંઘનું આ સૌભાગ્ય છે કે સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા અને વિશેષમાં દીક્ષાર્થીની ઉપસ્થિતિ છે. જ્યાં નાનાની કદર અને મોટાઓનો આદરનું જ્યાં કોમ્બીનેશન ત્યાં સહજ સફળતા મળે છે. શરીરની ઉંમરને જોનારા અજ્ઞાની, સમજણની ઉંમરને જોનારા જ્ઞાની હોય છે.

વિશેષમાં શ્રી સંઘની સ્થાપનાના પાવન પ્રારંભે જ શ્રી સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પ્રતિનિધિઓના હસ્તે મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને શ્રી આરાધનાબેન ડેલીવાલાની સંયમભાવનાનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્થાપના દિનના અવસરે જૈન શ્રી સંઘો દ્વારા રજત શ્રીફળ સાથે દીક્ષાર્થીઓના થયેલાં સન્માન શ્રી નવનિર્મિત સંઘ માટે સદાકાળના મંગલ સંભારણા સ્વરૂપ બની ગયાં હતાં.

આ અવસરે ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારી, સરદારનગર સંઘના શ્રી હરેશભાઇ વોરા, રોયલપાર્ક ઉપાશ્રયના શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ, મોટા સંઘના શ્રી હિતેશભાઈ બાટવીયા, નવનિર્મિત સંઘ માટે શુભેચ્છા પાઠવી હતી. સમસ્ત સંઘો વતી શ્રી ડોલરભાઈ કોઠારી એ ગુરુભગવંતો પ્રત્યે ઉપકારભાવની અભિવ્યક્તિ કરી હતી.

આવી રહેલા દીક્ષા મહોત્સવમાં પૂર્ણપણે સેવાનો લાભ લેવા માટે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક અનેક ભાવિકોએ આવતા નવ દિવસ સુધી કાર્યક્ષેત્રના ત્યાગની પ્રતિજ્ઞા કરવાના અનુમોદનીય કાર્ય સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Loading...