Abtak Media Google News

૧૪ વર્ષના કિશોરથી લઈ ૮૮ વર્ષના વયોવૃદ્ધ દીક્ષાગ્રહણ કરશે: અન્ડર-૧૯ ભારતીય ટીમમાં રમેલી યુવતી સંયમનાં પથ પર

વિશ્વભરમાં અનેકવિધ ધનાઢય લોકો રહે છે અને ઘણાખરા લોકો વૈભવી જીવન પણ જીવે છે ત્યારે કુદરતે આપેલી આ ભેટને ત્યજી સંયમનાં માર્ગ પર ચાલવું અત્યંત કઠિન હોય છે ત્યારે આજે અમદાવાદ ખાતે આવેલા સાબરમતી રિવરફ્રન્ટમાં ૨૪ મુમુક્ષો પોતાનું વૈભવી જીવન અને ધનાઢય જીવન છોડી સંયમનાં પંથ પર આગળ વધશે. ૨૪ મુમુક્ષોની જયારે વાત કરવામાં આવે છે ત્યારે આ મુમુક્ષોની વય ૧૪ વર્ષથી લઈ ૮૮ વર્ષ સુધીની છે. જેમાં એક અંડર-૧૯ ભારતીય ટીમ તરફથી રમેલી યુવતીનો પણ સમાવેશ થાય છે.

આ પ્રસંગે મેયર બીજલબેન પટેલ, ધારાસભ્ય રાકેશ શાહ સહિત જૈન અગ્રણીઓ જોડાયાં હતાં. વર્ષીદાન યાત્રામાં ત્રણ રથ, વિવિધ બેન્ડ, મુમુક્ષુઓને બેસવા માટેના વિવિધ વિશિષ્ટ ફ્લોટ, સિદ્દી ધમાલ નૃત્ય પણ તેમાં સામેલ હતું. ગુરુવારે દીક્ષા સ્થળે મંડપમાં ગુરુભગવંતોનો પ્રવેશ થશે ત્યારબાદ મુમુક્ષોઓને અંતિમ વિજય તિલક બાદ આચાર્યદેવ શ્રીમદ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. દરેક મુમુક્ષોને રજોહરણ અર્પણ કરશે. આ વિધિ બાદ બધા મુમુક્ષો સાધુવેશ ધારણ કરીને મંડપમાં પ્રવેશ કરશે. દીક્ષાની વિધિ અને નવા નામકરણની વિધિ થશે. અમદાવાદના મુમુક્ષુરત્ના રૂપાબેન (ઉ.વ.૪૦) પુત્ર મુમુક્ષુરત્ન રત્નકુમાર (ઉ.વ.૧૩) અને પુત્રી મુમુક્ષુરત્ના જિનાજ્ઞાકુમારી (ઉ.વ.૧૧) પ્રવચનકાર આચાર્ય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મહા સુદ સાતમ, શનિવારે સુરત સૂર્યનગરી વેસુ ખાતે ૭૭ દીક્ષાર્થીઓની સાથે દીક્ષા ગ્રહણ કરી સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે.

આચાર્યદેવ શ્રીમદ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ નવ આચાર્ય ભગવંતોની તથા ૩૦૦થી વધુ સાધુસાધ્વીજીની નિશ્રામાં અમદાવાદમાં લગ્ન માટે વણજોયા મુહૂર્તના દિવસ એવા વસંત પંચમીએ, ગુરુવારે વહેલી સવારે ૫ વાગ્યે રિવરફ્રન્ટ, પાલડી ખાતે એક સાથે ૨૪ મુમુક્ષો સંસારનો ત્યાગ કરી સંયમ ધર્મ અંગીકાર કરીને દીક્ષા ગ્રહણ કરશે. બુધવારે રિવરફ્રન્ટ, પાલડીથી શણગારેલા હાથીઘોડા, ઊંટલારી સાથે અવનવા ટેબ્લો, નાસિક ઢોલબેન્ડની રમઝટ વચ્ચે અમદાવાદમાં ૨૪ મુમુક્ષોની ભવ્યાતિભવ્ય વર્ષીદાન યાત્રા યોજાઇ હતી. રાજમાર્ગો પર ઠેર ઠેર સાધુ ભગવંતો અને મુમુક્ષોઓને અક્ષતકંકુથી વધાવ્યાં હતાં.

મહારાજ સાહેબ અવાર-નવાર વિહારમાં આવતા દિક્ષા લેવાનો થયો દ્રઢ નિશ્ર્ચિય: સંદિપભાઈ જૈન

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત વૈરાગ્ય રંગોત્સવમાં સંદિપભાઈ જૈનનાં ધનાઢય પરિવાર કે જેઓનાં ભત્રીજા અને તેમની ભત્રીજી અત્યંત ધનાઢય છે કે જેઓ મુંબઈનાં વાલ્કેશ્ર્વર વિસ્તારમાં ફલેટમાં રહે છે અને બીએમડબલ્યુ જેવી લકઝરી ગાડી હોવા છતાં આ તમામ વૈભવ છોડી સંયમનાં માર્ગ ઉપર પ્રયાણ કરવાનો નિર્ણય લીધેલો છે. અનેકવિધ વખત તેઓ તેમના સહપરીવાર સાથે વિદેશ પ્રવાસ પર ગયેલા છે. આ તકે તેઓએ જણાવતાં કહ્યું હતું કે, તેમનો પરિવાર અત્યંત ધાર્મિક પરિવાર છે. તેમનાં નાના ભાઈએ ૨૪ વર્ષની ઉંમરમાં જ દિક્ષા લીધી હતી જયારે તેમનાં માતુશ્રીએ ૬૩ વર્ષની વયે દિક્ષા લીધી હતી. મુખ્યત્વે તેમના નિવાસ સ્થાન પર અનેકવિધ જૈન મુનીઓ અવાર-નવાર વિહારમાં આવતા હોય છે. આ તમામ મુદાઓને ધ્યાને લેતા પરિવારનાં અન્ય સભ્યોને પણ માર્ગ ઉપર ચાલવાનો નિર્ણય લીધો છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમના પત્ની કે જેઓની ઉંમર ૪૩ વર્ષની છે. દિકરી લબધી ૧૬ વર્ષ, પુત્ર વ્રજ ૧૯ વર્ષ, ભત્રીજી પ્રિયાંશી ૧૭ વર્ષ અને તેમનો ભત્રીજો ધીર ૧૪ વર્ષની વયે દિક્ષા લેવા માટે રાજીપો વ્યકત કર્યો છે.

ઘણા વર્ષોથી દિક્ષા લેવાનો આવતો હતો વિચાર અંતે સ્વપ્ન થયું સાકાર: રજનીકાંત શાહ

Master

અમદાવાદ ખાતે આવેલા નવરંગપુરા વિસ્તારમાં ૬૫ વર્ષીય રજનીકાંતભાઈ શાહ કે જેઓ પોતાનો વ્યવસાય ચલાવે છે તેઓએ પણ સંયમનાં માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો છે. તેઓએ તેમનાં સંતાનો વિશે જણાવતા કહ્યું હતું કે, તેમની દિકરી અને તેમના પુત્રનાં લગ્ન થઈ ચુકયા છે. આ પૂર્વે તેમનાં માતુશ્રી અને તેમના બહેનએ પણ દિક્ષા લીધેલી છે. જૈન સંપ્રદાયમાં જે કોઈ પ્રણાલી અને ધાર્મિકવિધિઓ કરવામાં આવતી હોય તે આસ્થાપૂર્વક કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, ઘણા સમય પહેલા તેઓને દિક્ષા લેવાનો વિચાર આવ્યો હતો પરંતુ તેમનાં ધર્મપત્ની દ્વારા તેઓને દિક્ષા લેવામાં વિલંબ થતો હતો પરંતુ અંતે તેમના ધર્મપત્ની તેમની આ આસ્થાને જોઈ પરવાનગી આપી હોવાનું સામે આવ્યું છે.

સંયમનાં માર્ગ પર ચાલવા માટે ઉંમર મહત્વની નથી હોતી: સુશીલાબેન શાહ

73713092

સાબરમતી ખાતે રહેતા ૮૮ વર્ષીય સુશીલાબેન શાહ દિક્ષા લઈ રહ્યા છે. તેઓએ આ પ્રસંગે જણાવતા કહ્યું હતું કે, તેઓને ત્રણ દિકરીઓ છે જેમાંથી સૌથી મોટી દિકરી નયનાને પણ દિક્ષા લેવાનો ભાવ જાગ્યો હતો પરંતુ કોઈ કારણોસર તેમનું સ્વપ્ન સાકાર થઈ શકયું ન હતું ત્યારે તેમની બીજી દિકરી રેખા કે જે ૨૮ વર્ષની વયે દિક્ષા ગ્રહણ કરેલી છે ત્યારે તેમનાં માતુશ્રી સુશીલાબેને જણાવ્યું હતું કે, જયારથી તેમની દિકરીનાં લગ્ન થયા છે તે સમયે તેઓએ તેમની જવાબદારી પોતાની રીતે જ સ્વિકારી લીધી છે બાકી રહેતી ઉંમર પ્રભુની સેવા અને સમાજના ઉથાન માટે કરવાના હેતુથી ૮૮ વર્ષીય વયોવૃદ્ધ મહિલાએ સંયમનો માર્ગ અપનાવ્યો છે અને તેઓએ જણાવ્યું હતું કે, સંયમનાં માર્ગ પર ચાલવા માટે કોઈ ઉંમર મહત્વની હોતી નથી.

જૈન સમાજનો અભ્યાસ કર્યા બાદ દિક્ષા લેવા પ્રેરાઈ: ઉષ્મા જૈન

73713106

મુંબઈનાં કલ્યાણ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય ઉષ્મા જૈને દિક્ષા લેવાનો નિર્ણય લીધો છે તેને જણાવતા કહ્યું હતું કે, તે ભારતીય ક્રિકેટ ટીમમાંથી અંડર-૧૯ રમી ચુકેલી છે. વધુમાં તેણે માહિતી આપતા કહ્યું હતું કે, તેમના પિતા ઉધોગપતિ હોવાથી સૌપ્રથમ તેણે કેટ પરીક્ષા માટેની તૈયારીઓ હાથધરી હતી.વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, તેમના નિવાસ સ્થાન પર જૈન મહારાજ સાહેબ અને મહાસતીજી અનેકવખત વિહાર કરવા આવતા હોવાથી જૈન સમાજનો અભ્યાસ કરવાનો ઉત્સાહ જાગ્યો હતો જેમાં તેમના માતુશ્રીએ સહકાર આપ્યો હતો. તેનું માનવું છે કે જૈન સમાજ સિમ્પલ, ક્લિન, પીસફુલ અને હેપી સમાજ છે જેથી તેણે જૈન સમાજનો અભ્યાસ હાથ ધર્યો અને દિક્ષા લેવા માટે પ્રેરિત પણ થઈ. અંતમાં તેણે તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે હિન્દી, ઈંગ્લીશ, ગુજરાતી, મરાઠી, સંસ્કૃત, રાજસ્થાની, પ્રક્રિત અને ફ્રેન્ચ ભાષા પર પ્રભુત્વ મેળવેલું છે.

લાંબા સમયનું સ્વપ્ન અંતે પૂર્ણ: યાસી શાહજી

73713129

અમદાવાદ ખાતે આવેલા સાબરમતી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય યાસી શાહજીએ માહિતી આપતા કહ્યું હતું કે, તેને નિર્ધાર કરેલો છે કે, જયાં સુધી તે દિક્ષા નહીં લે ત્યાં સુધી કોઈપણ પ્રકારની મીઠાઈ તે નહીં આરોગે. તેણે જણાવ્યું હતું કે, તેમનાં માતુશ્રીએ દિક્ષા લેવા માટેની પરવાનગી ૧૮ વર્ષ બાદની આપી હતી પરંતુ હવે તે ૧૬ વર્ષની વયે જયારે દિક્ષા લઈ રહી છે ત્યારે અત્યંત આનંદની લાગણી અનુભવાઈ છે. તેણે જણાવ્યું હતું કે, તેઓ અનેકવિધ વખત તેમનાં માતા-પિતા સમક્ષ દિક્ષા લેવા માટેની માંગણી કરી હતી પરંતુ માતા-પિતાની ના આવતા તે અને તેમના પરીવારજનો હતાશ થઈ જતા હતા પરંતુ જે રીતે મનોબળ મજબુત રાખવામાં આવ્યું તે જોતા તેમના પરીવારજનોએ દિક્ષા લેવા માટેની પરવાનગી આપી હતી. અંતમાં તેણે જણાવ્યું હતું કે, તેનું જે દિક્ષા લેવાનું લાંબા સમયનું સ્વપ્ન જે હતું તે હવે પૂર્ણ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.