Abtak Media Google News

ચોરીની ઘટના શંકાસ્પદ જણાતા બે ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ આંતરિક જવાબદારી: પુસ્તકોની ચોરી થઈ કે સ્ટોકમાં ઘટ ? તેની તપાસ શરૂ

સરકારી કામકાજમાં કુછ ભી હો સકતા હૈ જેવી સ્થિતિ હાલ ગાંધીનગરનાં પાઠય પુસ્તકમાં પેદા થઈ છે. ગાંધીનગરમાં પાઠય પુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી રૂા.૪૩ લાખનાં પુસ્તકો ગુમ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. ખુદ સરકારી ગોડાઉનમાંથી ચોપડા કઈ રીતે ચોરી થાય આ મામલે ઘણા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. સ્ટોરમાં ઘટ પડી કે ચોરી થઈ તે સવાલ અહીં પેદા થયો છે. ચોરીની ઘટના શંકાસ્પદ જણાતા બે ઉચ્ચ અધિકારીઓને આંતરીક જવાબદારી સોંપવામાં આવી છે.

ગાંધીનગરમાં પાઠય પુસ્તક મંડળની એક ગોલમાલ સામે આવી છે. હાલ પાઠય પુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી રૂા.૪૩ લાખનાં પુસ્તકો ચોરી થઈ જવાની પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે ત્યારે ખરેખર એવું લાગે કે આવી રીતે કોઈ લાખોનાં પુસ્તકો કેમ ચોરી જાય ? અને એ પણ સરકારી પુસ્તકો. પાઠય પુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી રૂા.૪૩ લાખનાં પુસ્તકો ગાયબ, સેકટર-૨૧ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. પુસ્તકો ગાયબ થયાનાં એક મહિના પછી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ૮ નવેમ્બરનાં રોજ પુસ્તકો ગાયબ થયાનાં એક માસ બાદ પોલીસ અરજી કરવામાં આવી છે જેને પગલે પાઠય પુસ્તક મંડળ ખુદ શંકાનાં દાયરામાં આવી જાય છે. જો પુસ્તકો ૮મી નવેમ્બરે ગુમ થયા હોય તો ફરિયાદ કેમ ડિસેમ્બરમાં કરવામાં આવી.

ત્રણ અધિકારીઓ સામે લેખિત અરજીમાં શંકા વ્યકત કરાઈ રહી છે. પુસ્તકોની ચોરી થઈ કે સ્ટોકમાં ઘટ થઈ તેની પણ પોલીસ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે. ચોરીની ઘટનાને શંકાસ્પદ જણાતા આ મામલે બે ઉચ્ચ અધિકારીઓને તપાસની આંતરીક જવાબદારી પણ સોંપવામાં આવી છે. સરકારી ગોડાઉનમાંથી માતબર રકમ રૂા.૪૩ લાખનાં પુસ્તકોની ચોરી થવાથી સમગ્ર પાઠયપુસ્તક મંડળમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.