Abtak Media Google News

પૈસાની પ્રશ્ને હત્યા થયાની શંકા: સીસીટીવી ફુટેજ મળ્યા

જામનગરના ધમધમતા એસ.ટી.ડેપો પાસે રાજાવીર કોમ્પલેક્ષમાં કુરિયરની ઓફિસમાં જ સંચાલક યુવાનની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યાના બનાવના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો. પૈસાની મામલે છરીના ઘા ઝીંકી હુમલાખોર નાસી છુટયાનું ખુલતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવા માટે તજવીજ સાથે હત્યારાને દબોચી લેવા કવાયત હાથધરી છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં એસ.ટી.ડેપોની બાજુમાં જ આવેલા રાજાવીર કોમ્પલેકસમાં શોપ નં.૮ ખાતે ઓરેન્જ ઈન્ટરનેશનલ કુરિયરની ઓફિસ ધરાવતા અને રામેશ્વરનગર નજીક પટેલ વાડી પાસે ગાયત્રી સ્કુલ નજીક રહેતા ડેનિશ બાબુભાઈ બાવરિયા (ઉ.વ.૪૦) નામનો યુવાન મંગળવારે રાત્રે ઓફિસ અંદર હાજર હતા ત્યારે જ ત્યાં ધસી આવેલા એક શખ્સે બોલાચાલી બાદ એકદમ ઉશ્કેરાઈ જઈ છરીનો ઘા ઝીંકી દેતા ગંભીર લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. આ બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ ઉપરાંત એસપી શરદ સિંધલ, સિટી એના પી.આઈ. કે.કે.બુવળ, એલસીબી અને એસઓજીનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પૈસાની મામલે સર્જાયેલી બોલાચાલી બાદ આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આ હત્યાના બનાવમાં સંડોવાયેલા હુમલાખોર સીસીટીવી ફુટેજમાં કેદ થયા હોવાની શકયતાના પગલે પોલીસે મોડીરાત્રે તેના ફુટેજ મેળવવા કવાયત સાથે હુમલાખોરનું નામ પણ મળી આવતા પોલીસે તેને પકડી પાડવા દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા. મૃતક યુવાન કુરિયરની ફ્રેન્ચાયઝી ધરાવતો હોવાનું તેમજ તેના પત્ની પણ બ્યુટીપાર્લર ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.