Abtak Media Google News

વિશ્વમાં ઈ-કોમર્સ કંપની જે રીતે પોતાનો પગપેસારો કરી રહી છે ત્યારે લોકોમાં સૌથી પ્રચલિત એમેઝોન કંપનીનાં સીઈઓ જેફ બેઝોસે માત્ર એક જ દિવસમાં ૫૦ હજાર કરોડ ગુમાવ્યા છે ત્યારે વિશ્વનાં ધનકુબેરોમાં પ્રથમ ક્રમ પર રહેલા જેફનો નંબર વનનો તાજ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. ઈ-કોમર્સ કંપની એમેઝોનને જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૨.૧ અબજ(૧૪૯૦ કરોડ રૂપિયા)નો નફો થયો છે. ગત વર્ષના આ ત્રિમાસિકની સરખામણીમાં ૨૮ ટકા ઓછો છે. ૨૦૧૮ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૨.૯ અબજ ડોલરનો પ્રોફિટ થયો હતો. ઓર્ડર ડિલીવરીમાં તેજી લાવવા માટે કંપનીએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. તેને નફામાં ઘટાડાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

એમેઝોને ગુરૂવારે પરિણામ જાહેર કર્યા. કંપનીએ પ્રાઈમ મેમ્બરશીપ વાળા ગ્રાહકો માટે ૨ દિવસની જગ્યાએ ૧ દિવસમાં ડિલિવરીની સુવિધા શરૂ કરી હતી. આ માટે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં શોપિંગ ખર્ચ ૪૬ ટકા વધી ૯.૬ અબજ ડોલર(૬૮૧૬૦ કરોડ રૂપિયા)એ પહોંચી ગયો. તેનાથી વેચાણમાં વધારો થયો અને કંપનીની રેવન્યુ ૨૪ ટકા વધી ૭૦ અબજ ડોલર(૪.૯૭ લાખ કરોડ રૂપિયા)એ પહોંચી ગયું. ગત સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૫૬.૬ અબજ ડોલર હતો. એમેઝોને ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં ૮૦ અબજથી ૮૬.૫ અબજ ડોલરની રેવન્યુ અને ૧.૨ અબજ ડોલરથી ૨.૯ અબજ ડોલરના પ્રોફિટની શકયતા હોવાનું કહ્યું હતું. કંપનીના નફામાં મુખ્ય હિસ્સો વેબ સર્વિસ(એસડબલ્યુએસ)નો છે. તેમાંથી ૯ અબજ ડોલર(૬૩૯૦૦ કરોડ રૂપિયા)ની રેવન્યુ મળી. તે ગત વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીમાં ૩૫ ટકા વધુ છે, જોકે છેલ્લા ૪ વર્ષમાં સૌથી ઓછો છે. કંપનીએ ૨૦૧૫માં એડબ્લ્યુએસ રેવન્યુના આંકડા આપવાના શરૂ કર્યા હતા.

અમેઝોનના સંસ્થાપક તથા સીઈઓ જેફ બેઝોસ હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહ્યા નથી અને ત્રીજા ત્રિમાસિકમાં એમેઝોનના ધીમા પરીણામોના કારણે બેઝોસની સ્ટોક વેલ્યુમાં સાત અબજ અમેરિકન ડોલરનો ઘટાડો થયો છે. જેના કારણે તેમણે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનું બિરૂદ ગુમાવી દીધું છે. હવે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ વધુ એક વખત વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ગુરૂવારે એમેઝોનના શેરોમાં સાત ટકાનો ઘટાડો થયો હતો જેના કારણે જેફ બેઝોસની નેટવર્થ ૧૦૩.૯ અબજ અમેરિકન ડોલર રહી ગઈ છે જ્યારે માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સની નેટવર્થ હાલમાં ૧૦૫.૭ અબજ અમેરિકન ડોલર છે.

વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાં ૨૪ વર્ષથી સામેલ બિલ ગેટ્સને પાછળ રાખીને ૨૦૧૮માં બેઝોસે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ફોર્બ્સ અનુસાર અમેઝોનના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પોતાની કમાણીમાં ૨૬ ટકાનો ઘટાડો નોંધાયો જે વર્ષ ૨૦૧૭ બાદ પ્રથમ વખત નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે. ફોર્બ્સની પ્રથમ યાદી ૧૯૮૭માં પ્રથમ વખત આવી હતી અને ત્યારે સૌથી અમીર વ્યક્તિઓમાં બિલ ગેટ્સ ટોચ પર હતા. તે સમયે તેમની નેટવર્થ ૧.૨૫ અબજ અમેરિકન ડોલર હતી. જેફ બેઝોસ એમેઝોનની પબ્લિક લિમિટેડ કંપની બન્યા બાદ એક વર્ષ પછી ૧૯૯૮માં પ્રથમ વખત ફોર્બ્સની સૌથી અમીર અમેરિકનોની યાદીમાં સ્થાન મેળવી શક્યા હતા. તે સમયે તેમની નેટવર્થ ૧.૬ અબજ અમેરિકન ડોલર હતી.  બેઝોસ દંપત્તીના છૂટાછેડા આ વર્ષે એપ્રિલમાં થયા હતા જેને વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા માનવામાં આવે છે. આ છૂટાછેડા અંતર્ગત મેકકેન્ઝી બેઝોસને જેફ બોઝેસે અંદાજીત ૩૬ અબજ અમેરિકન ડોલરના સ્ટોક આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.