Abtak Media Google News

ખાનગી જમીન સંપાદનનાં વિવાદનો અંત: જિલ્લા કલેકટર સાથેની બેઠકમાં ખેડૂતોએ ૧ ચો.મી. દીઠ રૂ.૧૫૫૧નાં ભાવમાં સહમતી દર્શાવી

આગામી ૧૦મીએ હિરાસર એરપોર્ટ મુદ્દે ગાંધીનગરમાં બેઠક, પ્રાંત આપશે હાજરી

હિરાસર એરપોર્ટનું કામ માસાંતથી શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. હાલ ખાનગી જમીન સંપાદનનો જે વિવાદ ચાલતો હતો તેનો અંત આવ્યો છે. તાજેતરમાં જિલ્લા કલેકટર સાથે ખેડૂતોની બેઠક મળી હતી તેમાં ખેડૂતોએ ૧ ચો.મી.ના રૂ.૧૫૫૧ના ભાવમાં સહમતી દર્શાવી હતી. ઉપરાંત આગામી ૧૦મીએ હિરાસર એરપોર્ટ મુદ્દે ગાંધીનગર ખાતે બેઠક યોજાનાર છે જેમાં પ્રાંત અધિકારી હાજરી આપનારા છે.

રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હિરાસર ગામ પાસે ૫૩૯.૯૭ હેકટર જમીનમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિર્માણ પામનાર છે. જેમાં વન વિભાગની ૪૨૯.૯૦ હેકટર તેમજ ૯૫ હેકટર સરકારી જમીનનો સમાવેશ થાય છે. ઉપરાંત હિરાસર ગામ તળની ૧.૧૮ હેકટર અને ૩૭ હેકટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવનાર છે. અગાઉ ખેડૂતોએ એવી જાહેરાત કરી હતી કે જો યોગ્ય વળતર મળશે તો જ તેઓ જમીનનું સંપાદન થવા દેશે.

જમીન મુલ્યાંકન સમીતીની બેઠકમાં એરપોર્ટના જમીન સંપાદન અંગે વર્ષ ૨૦૧૧ના જંત્રી ભાવ મુજબ ખેડૂતોને ૧ ચો.મી. દીઠ રૂ.૩૦૦ ચૂકવવાનું નકકી કરવામાં આવ્યું હતું. જયારે ખેડૂતોની માંગણી ૧ ચો.મી.દીઠ અધધધ… રૂ.૨૫૦૦ થી ૫૦૦૦ સુધી હતી. જંત્રી પ્રમાણેના ભાવ મુદ્દેની આ મડાગાંઠના કારણે ભારે વિવાદ સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. અંતે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ ૧૧ ખેડૂતોએ ૧ ચો.મી.ના રૂ.૧૫૫૧ના ભાવમાં સહમતી દર્શાવી હતી.

હવે આ ભાવ ઓથોરીટી સમક્ષ મુકવામાં આવશે. ત્યારબાદ ઓથોરીટીની મંજૂરી બાદ સંપાદન પ્રક્રિયા હાથ ધરીને આગામી માસાંતમાં હિરાસર એરપોર્ટનું કામ શરૂ થાય તેવી શકયતાઓ જણાય રહી છે. ઉપરાંત હિરાસર એરપોર્ટ મુદ્દે આગામી ૧૦મીએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળનાર છે જેમાં પ્રાંત અધિકારી જેગોડા હાજરી આપવાના છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.