Abtak Media Google News

વોર્ડ નં.૧૩ના ખોડિયારપરા વિસ્તારમાં ૪ મહિનાથી અત્યંત ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની સમસ્યાનો નિકાલ ન થતા મહિલાઓ વિફરી: કોંગી કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટમાંથી ટેન્કરો શરૂ કરાવતા મામલો થાળે પડયો

ભરચોમાસે શહેરમાં પાણી પ્રશ્ર્ન વિકરાળ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે બે વોર્ડમાં પાણીકાપ ઝીંકવાની જાહેરાત કરવામાં આવે છે તો બીજી તરફ આજે શહેરનાં વોર્ડ નં.૧૩માં ખોડિયારપરા વિસ્તારમાં છેલ્લા ૪ માસથી ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની સમસ્યાનો નિકાલ ન આવતા મહિલાઓ વિફરી હતી. ગુરૂ‚પ્રસાદચોકમાં આવેલી વોર્ડ ઓફિસે મહિલાઓનું ટોળુ ધસી ગયું હતું જેમાં છાજીયા લઈ મહિલાઓએ ખુરશીઓ ઉલાળતા ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. વોર્ડનાં કોંગી કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટમાંથી પાણીનાં ટેન્કરો ચાલુ કરાવવાની બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં વોર્ડ નં.૧૩માં ખોડિયારપરાની અલગ-અલગ ૭ શેરીઓમાં છેલ્લા ચારેક માસથી અત્યંત ધીમા ફોર્સથી પાણી આવે છે. આ અંગે અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા આજે સવારે લતાની મહિલાઓ વોર્ડનાં કોંગી કોર્પોરેટર રવજીભાઈ ખીમસુરીયાનાં કાર્યાલયે ધસી ગઈ હતી ત્યારબાદ મહિલાઓ કૃષ્ણનગર મેઈન રોડ પર ગુરુપ્રસાદ ચોકમાં આવેલી વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસ ખાતે ધસી આવી હતી અને મહિલાઓએ અધિકારીઓનાં નામના છાજીયા લઈ પાણી આપો….પાણી આપો… તેવા સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને વોર્ડ ઓફિસમાં અરજદારને બેસવા માટે રાખેલી ખુરશીઓનો ઉલાળીયો કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગર ઘટના સ્થળે દોડી ગયા હતા અને વોર્ડનાં ડેપ્યુટી એન્જીનીયર મહેશ સીયાણીને સ્થળ પર બોલાવ્યા હતા જયાં સુધી સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી પોતાની ગ્રાન્ટમાંથી ખોડિયારપરા વિસ્તારમાં પાણીના ટેન્કરો શ‚રૂ કરવાની બાંહેધરી આપતા અંતે મામલો થાળે પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.