Abtak Media Google News

કચ્છના નાના રણ વિસ્તારમાં પીવાનુ પાણી, શાળા, વિજળી, રસ્તાઓ સહિત દવાખાનાની સુવિધા નહીં હોવાથી ચામડી અને આંખનાં રોગોથી પિડાતા અગરિયા 

મીઠા વગરની રસોઈ ગળેથી ઉતારવી મુશ્કેલ હોય છે પણ મીઠાનું ઉત્પાદન કરતા ગુજરાતના અગરિયાઓની હાલત દાયકાઓ પછી પણ ત્યાંની ત્યાં જ છે. આમ કચ્છના નાના રણને અડીને આવેલા મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મોટા ભાગના કાંઠા વિસ્તારના ગામડાઓનો મુખ્ય વ્યવસાય મીઠાં ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ધોમધખતા ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાં મીઠું પકવતા અગરિયાઓ દવાખાના જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી અગરિયાઓને ચામડી અને આંખોના રોગો થાય છે તેમજ તેમના બાળકો પણ કુપોષણનો ભોગ બનતાં હોય છે જેનો સમયસર ઈલાજ નહીં કરવાથી ગંભીર રોગમાં પરિવર્તિત થાય છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે અને અગરીયાઓની પ્રાથમિક સુવિધા પુરી પડાય તેમ રણકાંઠાના વિસ્તારમાં લોકમાંગ ઉઠવા પામી છે.
Img 20180521 Wa0034
હળવદ પંથકમાં રણટાઠા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે ત્યારે હળવદના જોગડ, માલણીયાદ, કીડી, ટીકર તેમજ ધાગંધ્રાના કુડા, કોપરણી, નિમકનગર, એંજાર સહિતના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠું પકવવાનો છે.જ્યારે આ અગરિયા પરિવારો સાથે આખા વર્ષના ૮ મહિના જેટલો સમય રણમાં વિતાવે છે અને જેમાં દરેક તહેવારો પણ ગામથી દુર રહીને ઉજવતા હોય છે ત્યારે આ પરિવારોની સારસંભાળ કે ખબર અંતર પુંછવા વાળું દુર દુર સુધી કોઈ હોતું નથી.
રણ વિસ્તારમાં અગરિયાઓ પીવાનુ પાણી, શાળા, વિજળી, રસ્તાઓ, દવાખાના સહિતની અસુવિધાઓ વચ્ચે અનેક સમસ્યાઓથી પિડાતા હોય છે.ત્યારે સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવે તો રણમાં અમૃત પકવતા અગરિયાઓને ચામડી અને આંખના રોગથી બચી શકે તેમ છે. તંત્ર દ્વારા આ બાબતે અગરિયાઓ માટે દવાખાના કે તપાસણી કેમ્પ કરવામાં આવે તેવી અગરિયાઓ કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
Img 20180521 Wa0035 1
રણમાં ઉનાળામાં પાણી સુકાતાજ અગરીયાઓનો આ વ્‍યવસાય પણ પડી ભાંગે છે. એટલે આ સમયમાં અગરીયાઓને આવક બંધ થઇ જતા તેઓ પોતાના પેટનો ખાડો પુરવા પણ નાણાં તથા પ્રાથમીક જરૂરીયાતનો અભાવ રહે છે. આમ અગરિયાઓના સંઘર્ષની કિંમત તેમના સંતાનોને પણ ભોગવવી પડે છે. તેથી અગરીયાઓના બાળકો કુપોષણનો ભોગ બને છે.
મીઠામાં સતત કામ કરવાના કારણે ૯૫ ટકા અગરિયાઓને ચામડીની બીમારી થાય છે. પગ ગળી જાય છે, કિડની-લીવર ખરાબ થઇ જાય છે. અગરમાં સતત ખુલ્લા પગે કામ કરવાથી પગનો ભાગ સંવેદનહીન બની જાય છે. મૃતદેહના અગ્નિસંસ્કાર પણ સરળતાથી થતા નથી. અત્યારે પણ મૃતકનો
દેહ ખાસ કરીને પગ બાળવા માટે સામાન્ય કરતાં વધુ બળતણનો ઉપયોગ કરવો પડે છે. રણમાં મેડિકલ સુવિધાના હોવાને કારણે ૮ મહિના સુધી ૪૦થી ૪૫ ડીગ્રીમાં તેઓ પીડા સહન કરતાં હોય છે. છતાં તેમને લઘુત્તમ વેતનથી ઓછું વળતર મળે છે.
અગરીયાઓના બાળકો શિક્ષણથી વંચીત દિવસ રાત પડયા રહીને વડગરૂં મીઠુ ઉત્‍પન્ન કરી તેને વહેચીને પોતાની પ્રાથમીક જરૂરીયાત સંતોષે છે તેથી  અગરીયાઓ રણમાં રહેતા હોવાથી તેમના ઝુપડા મુખ્‍ય મથકથી બેથી ત્રણ કી.મી.નું અંતરે હોય છે. આમ સરકાર અગરીયાઓના ગંભીર પ્રશ્ને તેનું નિરાકરણ લાવશે કે અગરીયાઓ માટે તો બુરે દિન જ કાયમ રહેશે.
Img 20180521 Wa0036 1
લીઝ અને પોષણક્ષમ ભાવની પડતર માંગણીઓ પુરી કરો
આ અંગે અગરિયા પર માસ્ટર ઓફ ફિલોસોફર (એમફીલ) કરેલા અને પીએચડી કરતાં ચતુરભાઈ ચરમારીએ જણાવ્યું હતુ કે અગરિયાઓના પ હજાર જેટલાં પરિવારો પ્રાથમિક સુવિધાથી વંચિત છે જેમાં લાઈટ, પીવાનુ પાણી, પાક્કા રસ્તાઓ, દવાખાના જેવી અનેક સમસ્યાઓથી પિડાઈ રહ્યા છે સાથે અગરિયાના પડતર પ્રશ્નો જે અગરિયાની મુખ્ય માંગો છે જેવી કે અગરિયાઓની લીઝ મંજુર કરવી સાથે પોષણક્ષમ ભાવ ન મળવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવે તેમજ અગરિયાઓને થતાં ચામડી અને આંખોના રોગો માટે સરકાર દ્વારા દવાખાનુ કે રાહત કેમ્પનું આયોજન કરવામાં આવે તો જ અગરીયા પરિવારોનું જીવન આરોગ્ય પ્રદ બની શકે તેમ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.