Abtak Media Google News

પક્ષી અભયારણ્યો અને ઝૂમાં રખાયેલા પક્ષીના વિભાગો મુલાકાતીઓ માટે બંધ: માંગરોળમાં ૭૦ કાગડાઓનો મૃતદેહ મળી આવતા વન તંત્ર ધંધે લાગ્યું

કોરોના મહામારીએ વિશ્વને અનેક નવા સબક શીખવાડ્યા છે. ત્યાર બાદ હવે બર્ડ ફલૂએ પણ દેખા દેતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કોરોના મહામારીથી બચવા માટે લોકોને એકબીજાથી અંતર જાળવવાનું એટલે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. લોકો એકબીજાથી સંપર્કમાં આવતા ડરતા હતા એકંદરે એમ કહી શકાય કે કોરોના મહામારીના કારણે લોકો એકબીજાથી દૂર રહયા છે ત્યારે હવે બર્ડ ફલૂના કારણે મનુષ્ય અને પક્ષીઓ વચ્ચેનું અંતર પણ વધ્યું છે. બીજી તરફ માંગરોળમાં ૭૦ કાગડાઓના મૃતદેહ મળી આવતા વનતંત્રએ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતભરના તમામ પક્ષી અભયારણ્યો અને ઝૂમાં રખાયેલા પક્ષીના વિભાગો મુલાકાતીઓ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજકોટ અને જુનાગઢ સહિતના  પ્રાણી સંગ્રહાલયોમાં પક્ષીઘરો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળે પણ પક્ષીઓના મોતના સમાચાર આવી રહ્યાં હોવાથી રાજ્ય સરકારે સાવચેતીનાં પગલાંની જાહેરાત કરી છે. માણાવદરમાં ગત ૨ જાન્યુઆરીએ બતક, ટિટોડી અને બગલા સહિતના ૫૩ પક્ષીઓ મૃત મળી આવ્યા હતા. જેમના પોસ્ટમોર્ટમમાં તેમનું મોત ફૂડ પોઈઝનિંગથી થયાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. જોકે, આ પક્ષીઓના સેમ્પલ ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે, આ પક્ષીઓના મોત બર્ડફ્લુથી થયાનું જાણવા મળે છે.

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષીઓના શંકાસ્પદ મોત થઈ રહ્યા છે. તેમાં પણ કાગડાઓની સંખ્યા ઘણી વધારે છે. રાજ્યમાં પણ આજે બારડોલીના કબ્રસ્તાનમાંથી ૧૭ કાગડા મૃત મળી આવ્યા હતા. તો મહેસાણાના મોઢેરામાંથી પણ ૪ કાગડા મૃત હાલતમાં મળ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં વડોદરા અને સુરેન્દ્રનગર સહિતના પંથકોમાં કાગડા અને ઢેલ જેવા પક્ષીઓના મોત થયા છે. જોકે, આ બધાના સેમ્પલ ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા છે.

ઘણા રાજ્યોમાં બર્ડફ્લુની આશંકાએ એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાન અને હરિયાણામાં તો ઘણા પક્ષીઓના મોત થયા છે. કેન્દ્ર સરકારે પક્ષીઓના મોત થવાના પગલે પહેલેથી જ એલર્ટ જાહેર કરેલું છે. કેન્દ્રએ કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણામાં બર્ડફ્લુ ફેલાયાનું જાહેર કરી દીધું છે. જાપાનમાં તો ગત નવેમ્બર મહિનાથી બર્ડફ્લુનો કહેર ફેલાયેલો છે. બર્ડ ફલૂ ફેલાય નહીં તે માટે ખાસ તકેદારી

રાખવામાં આવી રહી છે. મોટાભાગે યાયાવર પક્ષીઓના કારણે વાયરસનું સંક્રમણ વધે છે એક સ્થળેથી બીજા સ્થળે વાયરસને પહોંચાડવામાં યાયાવર પક્ષીનો મોટો ફાળો છે. આવી સ્થિતિમાં હવે બર્ડ ફલૂનો કેસ બહાર આવતા પીપીઇ કીટ સહિતના સાધનો તત્કાલ તૈયાર રાખવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ પંજાબ દ્વારા મરઘાની આયાત ઉપર પણ રોક લગાવવામાં આવી છે. વર્તમાન સમયે પંજાબમાં બર્ડ ફલૂ કાબુમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જો કે બહારથી મરઘાં પંજાબમાં પ્રવેશે નહિ તે માટે આયાત ઉપર જ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

બાંટવા શહેરના ખારા ડેમ પાસે મળી આવેલ મૃત વન્યપક્ષીમાં બર્ડ ફ્લુ મળી આવતા તકેદારીના ભાગરૂપે નવું જાહેરનામું બહાર પડાયું છે. જેમાં બાંટવા શહેરની આજુબાજુના ૧ કિલોમિટરની ત્રિજીયા વાળા વિસ્તારમાં કોઇપણ વાહન લઇ જવા કે લાવવા, ઇંડા, મરઘી, મરેલા મરઘા, મરઘાની અગાર લાવવા લઇ જવા પર પ્રતિબંધ મૂકાયો છે.

જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આ રોગ અન્ય પક્ષીઓમાં પણ ફેલાઇ શકે છે.જોકે, માનવીઓમાં ભાગ્યે જ આ રોગચાળો ફેલાય છે. તેમ છત્તાં બર્ડ ફ્લુ ચેપી રોગ છે જે પક્ષીઓના ચેપ તેના સીધા સંપર્કમાં આવનારને લાગવાની પૂરી શક્યતા છે. જ્યારે આ વિસ્તારમાં કામ કરતા લોકોએ ખેસ, માસ્ક, ગમબૂટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ ફરજિયાત પહેરવા માટે જણાવાયુ છે.

જૂનાગઢ જિલ્લામાંથી મોકલવામાં આવેલ ૩૦૦ જેટલા સેમ્પલોમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આજથી અભ્યારણ તથા પક્ષી ઘરો બંધ રાખવાના કરાયેલા નિર્ણય બાદ જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ઝુ માં પણ આજથી પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે પછી નવી જાહેરાત નહીં થાય ત્યાં સુધી સક્કરબાગ ઝૂની મુલાકાતે આવતા મુલાકાતીઓ પક્ષી વિભાગની મુલાકાત લઇ શકશે નહીં તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.