Abtak Media Google News

સૌરાષ્ટ્રકચ્છની બેઠકો પૈકી થી વધુ બેઠકો પર ભાજપ ઉમેદવાર બદલવાના મુડમાં: પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર અને જામનગરના ઉમેદવાર બદલાય તેવી વકી

લોકસભાની ચુંટણીને આડે હવે ૩ મહિનાથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે ચુંટણી જંગ ફતેહ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તનતોડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૪ યોજાયેલી લોકસભાની ચુંટણીમાં દેશભરમાં મોદી મેજીક ફરી વળતા ગુજરાતમાં ભાજપનો ઐતિહાસિક તમામ ૨૬ લોકસભા બેઠકો પર તોતીંગ લીડથી વિજય થયો હતો.

રાજયની ૨૬ પૈકી ૬ બેઠકો માટે ભાજપ પોતાના ઉમેદવારો બદલે તેવી સંભાવના જણાઈ રહી છે. બાકીની ૨૦ બેઠકો માટે સીટીંગ એમ.પી.ને રીપીટ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકોની ચર્ચા કરવામાં આવે તો હાલ પોરબંદર, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપ પોતાના ઉમેદવારને બદલે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. ઉમેદવારોની પસંદગી મામલે અત્યારથી જ ભાજપમાં ભારે ગડમથલ ચાલી રહી છે.

સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠકના વર્તમાન સંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા છેલ્લા ઘણા સમયથી બિમાર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેઓ ચુંટણી લડવા માટે અસમર્થ હોય ભાજપે ફરજીયાતપણે પોરબંદર બેઠક માટે પોતાના ઉમેદવાર બદલાવવા પડશે.

આ બેઠક માટે હાલ રાજય સરકારના યુવા કેબિનેટ મંત્રી અને વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયાનું નામ સૌથી પ્રબળ દાવેદારોમાં માનવામાં આવી રહ્યું છે જોકે જયેશભાઈ પોતે લોકસભાની ચુંટણી લડવા માટે અગાઉ પણ અનિચ્છા વ્યકત કરી ચુકયા છે. આવામાં જો જયેશભાઈ ચુંટણી લડવાનો ઈન્કાર કરે તો રાજય સરકારના પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ પર પણ પસંદગીનું કળશ ઢોળવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

બની શકે છે કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર બને તો જયેશભાઈને મંત્રી પદ આપવામાં આવે તેવી ઓફર આપી લોકસભાની ચુંટણીમાં પોરબંદર બેઠક પરથી લડાવવામાં આવે તેવી શકયતા પણ રાજકીય પંડિતો વ્યકત કરી રહ્યા છે. બીજી તરફ આ બેઠક માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનું નામ પણ ચર્ચામાં છે અને પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ પણ દાવેદારોની રેસમાં હોવાનું મનાઈ રહ્યું છે. જોકે અંતિમ નિર્ણય ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરે તેવી સંભાવના જણાઈ રહી છે.

સૌરાષ્ટ્રની અન્ય એક બેઠક અમરેલી લોકસભામાં લેઉઆ પટેલ સમાજનું વર્ચસ્વ રહેલું છે. ડિસેમ્બર-૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરના કારણે સમગ્ર અમરેલી જિલ્લામાં ભાજપને સમ ખાવા પુરતી વિધાનસભાની એક પણ બેઠક મળી ન હતી.

આ વાતને નજર સમક્ષ રાખી પક્ષ અમરેલી લોકસભા બેઠક માટે વર્તમાન સંસદ સભ્ય નારણભાઈ કાછડીયાનું પતુ કાપી તેના સ્થાને કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારે તેવી શકયતા જણાઈ રહી છે. નારણભાઈ છેલ્લી બે ટર્મથી સાંસદ હોય તેઓને આ વખતે રીપીટ કરવામાં નહીં આવે તે નિશ્ચિ બની ગયું છે. અમરેલી બેઠક માટે હાલ મોદી સરકારના મંત્રી અને રાજયસભાના સાંસદ મનસુખભાઈ માંડવીયાનું નામ પણ ચર્ચામાં છે તો રાજય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણીનું નામ પણ દાવેદારોના લીસ્ટમાં સામેલ છે.

સુરેન્દ્રનગર બેઠક માટે પણ ભાજપ વર્તમાન સંસદ સભ્ય દેવજીભાઈ ફતેપરાની ટીકીટ કાપી તેના સ્થાને કોઈ નવા કોળી ઉમેદવારને ચુંટણી જંગમાં ઉતારે તેવું મનાઈ રહ્યું છે. કોળી મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાજપે કોળી સમાજના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળીયાને પોતાના પક્ષમાં સામેલ કર્યા છે અને કેબિનેટ મંત્રી પણ બનાવી દીધા છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ હોય અહીં કોળી ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે છતાં હાલ અહીં ક્ષત્રિય સમાજને પણ ટીકીટ આપવામાં આવે તેવી વાત છેલ્લા થોડા સમયથી ચાલી રહી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની અન્ય પાંચ બેઠકોની ચર્ચા કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક માટે મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરવામાં આવે તે લગભગ ફાઈનલ છે. કારણકે સૌરાષ્ટ્રની કોઈપણ એક બેઠક પરથી કડવા સમાજને ફરજીયાત ટીકીટ આપવી પડે તેમ હોય આવામાં મોહનભાઈને રાજકોટથી ફરી ચુંટણી જંગમાં ઉતારવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. આહિર સમાજને સાચવી લેવા માટે જામનગરના વર્તમાન સંસદ સભ્ય પુનમબેન માડમને પણ બદલાવવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

જોકે સૌરાષ્ટ્રના ગમે તે એક બેઠક આહિર સમાજને આપવી પડે તેવી પરિસ્થિતિ હોય એકમાત્ર જામનગર બેઠક જ આહિર ઉમેદવાર માટે અનુકુળ છે આવામાં પુનમબેન માડમને રીપીટ પણ કરી શકાય છે. ભાવનગર બેઠક પરથી કોળી સમાજમાંથી આવતા ભારતીબેન શિયાળ અને જુનાગઢ બેઠક પરથી કોળી સમાજના રાજેશભાઈ ચુડાસમાને રીપીટ કરવામાં આવે તે વાત લગભગ નિશ્ચિત છે. કચ્છની બેઠક અનુસુચિત જાતી માટે અનામત છે. આવામાં અહીંથી સીટીંગ એમ.પી. વિનોદભાઈ ચાવડાની દિલ્હીની ટીકીટ ફાઈનલ માનવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર વિજેતા બન્યું હતું. આ રેકોર્ડ યથાવત રાખવા અને ફરી ૨૦૧૯માં તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલવવા માટે જ્ઞાતિજાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રાજયની ૨૬ બેઠકો પૈકી અડધો ડઝન બેઠકો પર સીટીંગ એમ.પી.ને બદલવામાં આવે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. સૌરાષ્ટ્રની ૪ બેઠક પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી લોકસભાના ઉમેદવાર બદલે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે.

પોરબંદર બેઠક માટે જયેશ રાદડિયા હોટ ફેવરિટ: જશુબેન કોરાટનું નામ પણ ચર્ચામાં

પોરબંદર બેઠક માટે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે છતાં પૂર્વ ધારાસભ્ય જશુબેન કોરાટનું નામ પણ ચર્ચામાં છે. પોરબંદર લોકસભા બેઠક પટેલ સમાજના પ્રભુત્વવાળી બેઠક ગણવામાં આવે છે ત્યારે આ બેઠક ઉપર ભાજપમાંથી અત્યારે જનતા અને પાર્ટીના કાર્યકરોમાં સંભવિત ઉમેદવાર તરીકે રાજયના પૂર્વમંત્રી જશુબેન કોરાટનું નામ ઉપસી રહ્યું છે.

જશુબેન કોરાટ રાજયના ત્રણ વખત રાજય સરકારમાં મંત્રી બની સુપેરે કામગીરી કરેલ. છેલ્લા એક દાયકાથી પાર્ટીના વિવિધ સંગઠનમાં પોતાની સેવા આપી રહ્યા છે. હાલમાં કોરાટ પરીવારના પ્રશાંત કોરાટ પણ છેલ્લી બે ટર્મથી રાજય જીલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે સુંદર કામગીરી બજાવી રહ્યા છે.

પોરબંદર લોકસભા બેઠકના યુવા ભાજપના પ્રભારી હોવાથી લોકસભામાં આવતા તમામ વિધાનસભા બેઠક ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવે છે ત્યારે આગામી લોકસભાની ચુંટણીમાં પોરબંદર લોકસભા બેઠક તરીકે જશુબેન કોરાટનું સંભવિત મનાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીમાં વફાદારીના ગુડબુકમાં કોરાટ પરીવારનું પહેલું નામ લેવાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.