Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ વિજય દેસાણી ‘અબતક’ની મુલાકાતે

  • સૌરાષ્ટ્રનાં ટુરીઝમને ધમધમતું કરવા ટુરીઝમને લગતા કોર્સ ચલાવશે
  • જર્નાલીઝમ કોર્સનાં સમયમાં વિદ્યાર્થીની કારકિર્દીને ધ્યાનમાં લઈ ટાઈમીંગ ગોઠવવામાં આવશે
  • ૨૦૨૦માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્લસ ગ્રેડ મેળવે તેવી શકયતા
  • ગુજરાતની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલેસ બનશે
  • વિદ્યાર્થીઓ વિવિધ ભાષાઓ શીખતા થાય તે માટે લેંગ્વેજ લેબ શરૂ કરાશે
  • યુનિવર્સિટી કેમ્પસમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ બેસી શકે તેવો ભવ્ય ઓડિટોરીયમ બનશે

એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજને પણ ગુણવત્તાનું રેન્કીંગ આપવા સજજ થઈ છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અલગ-અલગ ઈવેન્ટો યોજીને તેમજ કઈ રીતનું ઈન્ફ્રાસ્ટ્રકચર છે ? ફેકલ્ટી કઈ પ્રકારની છે ? તેમજ કેવા-કેવા અભ્યાસક્રમો ચાલે છે અને સ્પોર્ટસને લઈને કોલેજો કઈ રીતે આગળ છે ? આવા તમામ મુદાઓને ધ્યાનમાં રાખીને કોલેજોની ગુણવતા ચકાસવામાં આવશે અને કોલેજોને પણ રેન્કીંગ આપવામાં આવશે તેમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી વર્ષથી ટ્રાવેર્લ્સ એન્ડ ટુરીઝમનાં સર્ટીફીકેટ કોર્સ શરૂ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અને તેનાં માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લીમીટેડ સાથે જોડાણ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ગુજરાતમાં દર વર્ષે ટુરીસ્ટોની સંખ્યા વધી રહી છે ત્યારે ગુજરાતની વધતી ખ્યાતિ અને ટુરીસ્ટોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લીમીટેડ દ્વારા પાયલેટ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે અને જેનાથી વિશાળ રોજગારીની તકો ઉભી થશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણાખરા કોર્સ એવા છે કે જેનો અભ્યાસ સવારથી કરાવવામાં આવે છે ત્યારે જર્નાલીઝમ કોર્સ પણની વાત કરીએ તો આ કોર્સમાં પ્રેકટીકલ જ્ઞાનની વધુ જરૂર પડે છે જેને ધ્યાનમાં રાખીને જર્નાલીઝમનાં કોર્સનો સમય વિદ્યાર્થીની કારકિર્દી ઉજજવળ થાય અને તે જયારે માસ્ટરમાં પ્રવેશ મેળવે ત્યારથી જ તેનો પાયો મજબુત થયેલો હોય તો જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટનાં લેકચરનો સમય બદલવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત યુનિવર્સિટીમાં ઘણા બધા કોર્સો ચાલે છે ત્યારે વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પુરો કરીને પોતાનો બિઝનેસ શરૂ કરે ત્યારે તેની પ્રોડકટ વિદેશી માર્કેટમાં પણ વેચાય તે માટે વિદ્યાર્થી વધુ સક્ષમ બને અને અનેક ભાષાઓ શીખતો થાય તેવા ઉતમ ઉદેશ્યથી આવતા વર્ષથી લેંગ્વેજ લેબ પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત જે ૫૦ કરોડની ગ્રાન્ટ યુનિવર્સિટી પાસે છે તેમાંથી ૫ આર્કીટેકટની પેનલ બનાવી રૂા.૧૦ કરોડનાં ખર્ચે ભવ્યાતિભવ્ય ઓડિટોરીયમ યુનિવર્સિટી કેમ્પસ ખાતે તૈયાર કરવામાં આવશે. તેમજ જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટનો ઓડિયો-વિડીયો રૂમ તૈયાર કરવામાં આવશે અને વિવિધ નાના-મોટા કોમ્પ્લેક્ષો બનાવવામાં આવશે. આ ઉપરાંત ટ્રાન્ઝીસ હાઉસમાં દેશ-વિદેશનાં વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે ૩૦ જેટલા રૂમ બનાવવામાં આવશે. યુનિવર્સિટીમાં ૪ વિદ્યાર્થીનીઓ અને ૪ વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલો ચાલે છે જોકે દિવસેને દિવસે વિદ્યાર્થીઓનો ઘસારાને ધ્યાનમાં રાખીને રાજય સરકાર સમક્ષ વધુ ૧૦૦ વિદ્યાર્થીઓ માટે અને ૧૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવાની વ્યવસ્થાની માંગ કરવામાં આવશે.

ગુજરાતની એકમાત્ર એ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. જોકે આવતા વર્ષે એટલે કે ૨૦૨૦માં નેક એક્રેડીશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવશે અને ઈન્ફેકશન કરશે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્લસ ગ્રેડ મેળવશે તે નિશ્ર્ચિત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ અપાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને બે થી ત્રણ મહિનામાં ૧૦૦ જેટલી ભરતીઓ પરીપૂર્ણ થઈ જશે અને એ પ્લસ ગ્રેડ મળવાથી વિદ્યાર્થીઓની ડિગ્રી તેમજ પ્લેસમેન્ટ પણ વધી જશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં વિદ્યાર્થીને પ્રવેશથી પરીણામ સુધી બધુ જ ઓનલાઈન થશે. યુનિવર્સિટી સતાધીશો ઈઆરપી પ્રોજેકટ લાવી રહ્યા છે જેનાથી યુનિવર્સિટીનાં તમામ વિભાગો, ભવનો અને સંલગ્ન કોલેજોની તમામ માહિતી કોમ્પ્યુટર પર ઉપલબ્ધ બનશે. આ પ્રોજેકટ અમલમાં આવવાથી ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ એવી હશે કે પેપરલેસ બની જશે અને વિદ્યાર્થીનાં પ્રવેશથી પરીણામ અને ત્યારબાદ યુનિવર્સિટી ટ્રાન્સફર માટેનાં સર્ટીફીકેટ સહિતની તમામ વસ્તુઓ ઓનલાઈન બની જશે. આગામી ૭મી ડિસેમ્બરનાં રોજ યુનિવર્સિટીનો કોન્વોકેશન સમારોહ યોજાશે જેમાં ગુજરાતનાં રાજયપાલ દેવવ્રત આચાર્ય અને રામભકત પૂ.મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ વખતે કોન્વોકેશન સમારોહમાં ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ ૭૦ વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ આપીને સન્માનિત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લીટ્રેચર ફેસ્ટીવલનું મુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન કરાશે

આગામી પ્રજાસતાકદિનની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર છે જે નિમિતે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેર એન્ડ લીટ્રેચર ફેસ્ટીવલનું ઉદઘાટન કરે તેવી શકયતા સેવાઈ રહી છે. આ બુક ફેરમાં ૩૦૦થી વધુ સ્ટોલ હશે અને લીટ્રેચર ફેસ્ટીવલમાં પૂ.મોરારીબાપુ અને પૂ.રમેશભાઈ ઓઝા સહિતનાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે. સાથો-સાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકડાયરો તેમજ વિદ્યાર્થીલક્ષી યુથ પાર્લામેન્ટ સહિતનાં કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેમ ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.