Abtak Media Google News

લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લોન આપવાની યોજનામાં ખાનગી બેંકોની પીછેહટ મુદ્દે લઘુ ઉદ્યોગ ભારતીએ કરેલી રજૂઆત

કોરોના વાયરસની મહામારીમાં ઉદ્યોગો અને સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકારે ૨૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાંથી લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ નાના વેપારીઓને આત્મનિર્ભર બનવા માટે બેંકોને અમુક રકમ લોન સ્વરૂપે આપવાની દરખાસ્ત હતી. જો કે, છેલ્લા થોડા દિવસથી બેંકો દ્વારા લોન આપવા મામલે ઠાગાઠૈયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અખબારોમાં બેંકોની આડોડાઈ અંગે અહેવાલો પ્રકાશીત થયા બાદ હવે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિરોધ નોંધાવાયો છે. ખાનગી બેંકો દ્વારા લોન આપવાને લઈ થતાં ઠાગાઠૈયા અંગે નાણા મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે.

તાજેતરમાં બેંકોએ હોમ લોન સહિતની લોન માટે કડક ધારા ધોરણોની અમલવારી કરવાની શરૂ કર્યું હતું. કોરોનાના સમય બાદ બેંકોએ પારોઠના પગલા લીધા હોય તેમ ધીરાણ આપવાની ગતિ ધીમી કરી હતી. જેથી અનેક પ્રોજેકટો ઘોંચમાં મુકાઈ તેવી દહેશત ઉભી થઈ હતી. દરમિયાન બેંકોએ નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ રૂા.૩ લાખ કરોડની યોજના અંતર્ગત લોન આપવાના ઠાગાઠૈયા કરતા મામલો ગંભીર બન્યો છે.

ખાનગી બેંકો દ્વારા લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સરકારે જાહેર કરેલી યોજનાની અમલવારી ન થતી હોવાનો આક્ષેપ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા થયો છે. લઘુ ઉદ્યોગ ભારતીએ નાણામંત્રી નિર્મલા સીતારમનને ગઈકાલે આ બાબતની જાણ કરી હતી. નોંધનીય છે કે, થોડા સમય પહેલા સરકારની રૂા.૩ લાખ કરોડની ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમ બાબતે નાણા પ્રધાન નિર્મલા સીતારમને લઘુ ઉદ્યોગ ભારતીના જનરલ સેક્રેટરી ગોવિંદ લેલે પાસે અભિપ્રાય માંગ્યો હતો. ત્યારબાદ ખાનગી બેંકોના ઠાગાઠૈયા અંગેની બાબત સામે આવી હતી. બેંકો ઝડપથી યોજનાનું અમલીકરણ કરાવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વર્તમાન સમયે લોન યોજનાની અમલવારી બેંકો કઈ રીતે કરી રહી છે તે અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. આગામી અઠવાડિયામાં સંસ્થા દ્વારા સર્વે હાથ ધરીને નાણા મંત્રાલયને રિપોર્ટ આપવામાં આવશે.

લોકોને ઝડપી ધીરાણ મળી રહે તે માટે રિઝર્વ બેંક હરકતમાં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી સમયમાં મોર્ગેજ લોન અને અન્ય સામાન્ય સિક્યુરીટી બાબતે ભેદ પાડવા માટે નવી ગાઈડ લાઈન ઘડવા જઈ રહી છે. તાજેતરમાં બેંકની વેબસાઈટ ઉપર આ મુદ્દે વિગતો જાહેર કરવામાં આવી હતી. વર્તમાન નિયમ મુજબ લોન લેવા માટે એકથી વધુ મિલકતોને સિક્યુરીટી તરીકે પરવાનગી મળે છે. જેના સ્થાને સિંગલ એસેટ સિક્યુરીટીના નિયમની અમલવારી થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન આપવાની કાર્ય પદ્ધતિમાં પણ કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતે બેન્કિંગ અને નોન બેન્કિંગ સંસ્થાઓ પાસેથી રિઝર્વ બેંક દ્વારા ફીડબેક પણ માંગવામાં આવ્યો છે. આગામી સમયમાં ધિરાણ આપનાર પાસે પ્રોસેસ ફી નક્કી કરવાની સત્તા પણ રહેશે તેવું પણ ફલીત થાય છે. આ ઉપરાંત બેંકો લોકોને ઝડપી લોન આપી શકે તે માટે પેટર્ન સરળ બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.