Abtak Media Google News

કોરોના સંક્રમિત થયા બાદ માત્ર એક સપ્તાહ હોમ કવોરેન્ટાઇનના સમયને આરામનો સમય ગણાવ્યો અને  પુન: ફરજ પર હાજર થયા

રાજકોટ સિવિલ હોસ્પિટલની બે નર્સ બહેનો આરતીબેન અને પુનમબેને કોરોનાના કપરા કાળમાં પણ ઉત્તમ ફરજનિષ્ઠાનું અનુપમ દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે. કોવિડ વોર્ડમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. મેઘાવી અને ડો. મનીષા પણ કોરોનાના સંક્રમણનો ઉપચાર કરી સત્વરે તેમની ડયુટી જોઇન કરી ખરા અર્થમાં મરીઝોના મસીહા સાબિત થયા છે.

રાજકોટની ઝનાના હોસ્પિટલમાં રેગ્યુલર ડયુટી કરતી સિસ્ટર આરતી અને સિસ્ટર પુનમને રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં નિયમ મુજબની ડયુટી સોંપવામાં આવી હતી. અનેક સાવચેતીઓ છતાં આ બંને નર્સને કોરોનાનાં લક્ષણો દેખાવાની સાથે જ તેમનો કોરોના રીપોર્ટ કરાવાયો, જે પોઝિટિવ  આવ્યો. પરંતુ કોરોનાથી ડરવાને બદલે આ બંને બહેનોએ તેનો હિમતપૂર્વક મુકાબલો કર્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં દાખલ રહીને બંને બહેનોએ સારવાર લીધી અને એક અઠવાડિયાનું હોમ કવોરન્ટાઇન પૂર્ણ કર્યું. મેડિકલ સ્ટાફ તરીકે ફરજ નિભાવી હોવાી આરતીબેન અને પુનમબેનને કોરોનાના તમામ લક્ષણો અને ભયસનોની પુરતી જાણકારી હતી, આથી સમયસરના નિદાન અને યોગ્ય સારવારથી બંને નર્સ એક અઠવાડિયાની સારવાર થકી જ કોરોનામુકત થઇ શકયા હતા.

કોરોના થયેલ હોવાથી આ બન્ને નર્સ આરામ કરવાના બહાને નોકરીમાંથી બહુ જ સહેલાઇથી રજા લઇ શકે તેમ હતી. પરંતુ છતા પણ આ બંને નર્સ પોતાની અંગત તકલીફો ભૂલી માત્ર એક અઠવાડિયાના હોમ કવોરન્ટાઇનના સમયને આરામનો સમય ગણીને તરત જ પોતાની તબીબી ફરજો પર હાજર થઇ ગઇ છે. કોરોનાના સંક્રમણ પછી અનુભવાતી શારીરિક અને માનસિક નબળાઇઓ અવગણીને પણ પુનમબેન અને આરતીબેન લેબર રૂમની સતત ૧૨ કલાકની ડયુટીમાં વ્યસ્ત થઇ ગયા છે.

આ અગાઉ કોવિડ વોર્ડમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. મેઘાવી અને ડો. મનીષાને પણ કોરોનાનો સંક્રમણનો શિકાર થઇ ચુકયા હતા. પરંતુ આ બંને ડોકટર્સ પણ કોરોનાની ૭ દિવસની સારવાર અને ૭ દિવસના હોમ કવોરન્ટાઇનનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ સત્વરે તેમની ડયુટી જોઇન કરી લીધી હતી, તેમ સિવિલના મનોચિકિત્સક વિભાગના હેડ ડો. મુકેશ પટેલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.