Abtak Media Google News

“તે સમયે પોલીસદળમાં ક્રાઈમ બ્રાંચ અને ટાસ્કફોર્સમાં વગ અને પહોંચ વાળાની જ નિમણૂંક થતી !

ફોજદાર જયદેવનો અનાયાસ અને ઓચિંતો જ અમરેલી જીલ્લાનાં ટાસ્ક ફોર્સના વડા તરીકેનો હુકમ થયો સામાન્ય રીતે પોલીસ ખાતામાં એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને ટીએફ (ટાસ્ક ફોર્સ) એ બે શાખાઓ પોલીસ વડાની કચેરીમાં તે સમયે ખૂબજ અગત્યની ગણાતી હતી આ નિમણુંક માટે તે સમયે ખૂબજ મોટી લાગવગ અને બીજી હોશિયારી સિવાયનીપણ ખાસ લાયકાતોની જરૂરત રહેતી તે તમામ લાયકાતો હોય તો જ તેમા નિમણુંક મળતી જયારે જયદેવ તો કોઈને ભાઈસાબી કરતો નહી અને જે વાસ્તવીક સત્ય હોય તે જ કામ કરતો તેના કારણે જ તે રખડુ જીપ્સી ની માફક આજ દિન સુધીમાં આ છઠ્ઠો જીલ્લો અને વિસેક જેટલા પોલીસ સ્ટેશનો બદલી ચૂકયો હતો. પરંતુ આ બે ક્રીમ ગણાતી અને પ્રતિષ્ઠીત શાખામાં નિમણુંકનું તેને સ્વપ્ન પણ આવતું નહીં જયદેવનો વારો તો એવા પોલીસ સ્ટેનોમાં જ આવતો કે જે જગ્યા બીનવારસી ગણાતી હોય જે વિવિધ ગુન્હાકીય પ્રવૃત્તિઓ જેવી કે ગુંડાગીર્દીથી ભરપૂર, કોમીસંવેદનશીલ કે ચોરી કે લૂંટથી પ્રભાવિત પોલીસ સ્ટેશનો કે જે જગ્યાઓ ઉપર લાગવગ વાળા કે પહોચ (રાજકીય) વાળા ફોજદારો જતા જ નહી અગર ધરાહાર જવાનું થાય તો હાજર થઈને સીક કે અન્ય લાંબી રજાઓ ઉપર નાસી જતા ત્યાંજ જયદેવનો વારો આવતો આમ પ્રમાણીક અને નિષ્ઠાવાન પોલીસ વડા કે જેઓ રાજકીય દબાણોનો સામનો કરવાની હિંમત અને ક્ષમતા પણ ધરાવતા હતા. તેમના કારણે જયદેવનો ટાસ્કફોર્સમા વારો આવી ગયો.

અંગ્રેજીમાં Task નો અર્થ A piece of especially hard work: A duty that must be done A“¡ Force ( (ફોર્સ) એટલે કે દળ થાય. એટલે કે ટાસ્ક ફોર્સ નો અર્થ A force selected from the armed services for special tasks.

આમ ટાસ્ક ફોર્સનું કાર્ય મુશ્કેલ અધરા અને પડકાર રૂપ કાર્યોને હિમ્મત અને બુધ્ધીગમ્ય રીતે પાર પાડવાનું હતુ પરંતુ તે સમયે ગમે તે કારણોસર પરંપરા એવી થઈ ગયેલી કે ટાસ્કફોર્સ એટલે દારૂની રેઈડો જ કરતુ દળ અને ટાસ્કફોર્સના અધિકારી તથા જવાનો પણ આ દારૂ સંબંધીત કામગીરી જ કરતારહેતા.

કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ ખૂબજ હોય અને કાબુ બહાર હોય તો આ ટાસ્કફોર્સ તે લોકલ પોલીસની સહાયતામાં રહી રેઈડો કરી બદી નાબુદ થાય તે માટે કાર્યશીલ રહેતા અને છતા બદી કાબુમાં આવતી નહી તો છાપાવાળા આ માટે લોકલ પોલીસ ઉપરાંત ટાસ્કફોર્સ ઉપર પણ માછલા ધોતા હતા અને બુટલેગરો સાથે પોલીસની મીલીભગતના આક્ષેપો કરતા હતા.

આ ટાસ્ક ફોર્સ અને એલ.સી.બી.ના ફોજદારોની નિમણુંકોમાં સત્તાધારી પક્ષ ખાસ રસ લઈને જે ફોજદારો અને જવાનો તેમના કહ્યાગરા ટાયા હોય તેમની જ નિમણુંક કરાવી સમગ્ર જીલ્લામાં પોતાના જાસુસી નેટવર્ક ઉપરાંત વિરોધીઓની શાન ઠેકાણે લાવવા અને ટેકેદારોને સહાય કરવા માટે અને અમુક મોકાના સમયે જરૂરી ઉપયોગ પણ કરી લેવા માટે કરતા.

ટાસ્ક્ફોર્સની કચેરી તે સમયે ચિત્તલ રોડ ઉપર આવેલ પોલીસ હેડકવાર્ટરમાં સુબેદારની કચેરી પાસે જ આવેલ હતી. અગાઉ જણાવ્યા પ્રમાણે ટાસ્કફોર્સનું તે સમયે કામ દારૂની રેઈડો કરી કેસો કરવાનું તથા દારૂઅંગે જે અરજીઓ સમગ્ર જીલ્લામાંથી પોલીસ વડા ઉપર આવે તેની ખાત્રી ખરાઈ કરી કાર્યવાહી કરવાનું હતુ જયદેવને ટાસ્કફોર્સનો હવાલો સંભાળતા જ ખ્યાલ આવ્યો કે તેની નિમણુંક ટાસ્ક ફોર્સમાં શા માટે કરવામા આવલે છે. હાલમાં ટાસ્કફોર્સમાં અગાઉની માફક ‘માખણમાંથી વાળ કાઢવા જેવું’ સહેલુ કામ નહતુ પરંતુ ‘સાંબેલામાંથી સૂર કાઢવા’ જેવું અધરૂ હતુ વાત એમ બની હતી કે રાજય સરકારનું પરિવર્તન થતા જ નવી સતાધારી રાષ્ટ્રવાદી પાર્ટી દ્વારા જીલ્લાના એક મુખ્ય પદાધિકારીના કોલેજ સમયના મિત્ર કમ બોડીગાર્ડ જેવા જમાદાર ભોંસલે કે જેમની અગાઉ રાષ્ટ્રીય પાર્ટીએ આ કારણોસર જ જીલ્લા બદલી પણ કરાવી નાખેલ તેનો અમરેલી જીલ્લામાં બદલી હુકમ કરાવીને આ ટાસ્કફોર્સમાં ગોઠવી દીધેલ સાથે એક અન્ય હેડ કોન્સને પણ ગોઠવી દીધેલ હતો.

આમતો જમાદાર ભોંસલે અને તેનો મિત્ર હેડ કોન્સ્ટેબલ બંનેને કાયદાકીય કામની પૂરી મારામારી હતી તો લખવા અને કાગળ કાર્યમાં ભોપાળુ હતુ. પરંતુ બહારનો બારોબારનો વહીવટ અને રાજકીય ચમચાગીરીની જ ફાવટ હતી તેમ છતા આ રાજકીય ઢાલ વડે તેણે સમગ્ર ટાસ્કફોર્સનો કબ્જો કરી લીધો હતો. તેમણે સમગ્ર પોલીસદળમાં અને જીલ્લા આખામાં ફરીને મોટી મોટી મુછો ફરકાવી ને રોફ જમાવી દઈ જબ્બરદસ્ત રાજકીય રોલો પણ પાડી દીધો હતો. તે સમયનો ટાસ્કફોર્સનો ફોજદાર તો ફકત નામનું ઓડુ જ હતો. તે તો આ ભોંસલેના ઈશારે જ દરેક પગલુ માંડતા હતો આમ આવા ટાસ્કફોર્સનું ‘બળતુ ઘર કિષ્ણાર્પણ’ રૂપે જયદેવને ચાર્જમાં મળ્યું જયદેવ માટે તો રાજકીય આંધી સામે કામ કેમ કરવું તે મોટો પડકાર હતો કેમકે આ ભોંસલેની શાન ઠેકાણે લાવવા એટલે રાષ્ટ્રવાદી પાર્ટીની શાન ઠેકાણે લાવવી તેવો માહોલ પોલીસ દળ ઉપરાંત સમગ્ર જીલ્લામાં હતો આવા એક રાજકીય વાંધામાં તો જયદેવ પોતે એક વખત જીલ્લાફેર બદલી થઈ જૂનાગઢ બીલખા માંગરોળ અમરેલી સીટીની હવા ખાઈ ચુકયો હતો. જયદેવે હવે જીલ્લાનાં દારૂડીયાને ઠેકાણે પાડતા પહેલા પોતાના ટાસ્કફોર્સ ઘરને ઠીકઠાક કરવાનું હતુ તેણે જોયું કે અસરકારક અને સફળ રેઈડો કરવા માટે ટાસ્કફોર્સમાં એક સુત્રતા અને અનુશાસન જરૂરી છે. આથી તેણે પોલીસ વડાને રૂબરૂ મળી ટાસ્ક્ફોર્સની હાલની સ્થિતિ વર્ણવી કે જીલ્લામાં દારૂબંધી માટે યુધ્ધ કરવા માટે પોતાની હાલત એવી છે કે સૈન્યનો સેનાપતી ભારતીય હોય તેણે પાકિસ્તાનની ફોજ લઈને ચીન સામે યુધ્ધ કરવા જેવી છે ! આ રાજકારણી કંડા જમાદારો મોટા વિઘ્નરૂપ હોવાનું જણાવ્યું, એક તો સાત સભ્યોની ટીમ તેમાં પણ બે અલગ જુથ આ તો ‘મત્સ્યવેધ’ કરવા જેવું કઠીન કામ છે. આથી પોલીસ વડાએ કહ્યું ‘તેથી તો તમને પસંદ કર્યા છે ! આ બે રાજકીય નિમણુંક વાળા જમાદારોતો બદલાઈ શકે તેમ નથી બાકી તમે તમને યોગ્ય લાગે તે રીતે કામ કરો. ટાસ્ક્ફોર્સમાંથી અમુક જવાનો સ્વેચ્છાએ બદલાવા માંગતા હતા અને અમુક ને સમય પૂરો થતો હોય જયદેવે પોલીસવડા વાળી જ થીઅરી કામે લગાડી જે બરોબર માથુ ભટકાડીને લડી શકે તેવા બે જવાનો જમાદાર ગીગાભાઈ અને કોન્સ્ટેબલ ગફારની યુધ્ધમાં જોડાવાની સહમતી લઈ પોલીસ વડાને તેમની નિમણુંક ટાસ્ક્ફોર્સમાં કરવા રીપોર્ટ કર્યો

જયદેવે આ બંને જણાને કહ્યું જુઓ થોડા માણસો અને આંતરીક અવરોધ વચ્ચે રહીને અસામાજીક તત્વો અને બુટલેગરો સામે મોરચો માંડવાનો છે. તમે બંને વફાદાર તો છો જ અને આ મોરચો પણ મારા ડાબા હાથનું કામ છે. પરંતુ તમારે મકકમ રહી બીજા ઢીલા પોચાને તૈયાર કરી સાથે રાખવાના છે. અને આ સમાંતર રાજકીય ટાસ્કફોર્સને પણ કદ પ્રમાણે રાખવાના છે. બંને એ જણાવ્યું કે ‘સાહેબ તમો છો એટલે કોઈ પ્રશ્ર્ન નથી બાકી વાત રહી બીજી કે અમે કાંઈ રાજકારણથી ફાટી પડતા નથી વળી આ બંને રાજીકીય પીઠુતો કાયદા અને કાગળના બુઠ્ઠા છે. પરંતુ તમારે તકેદારીએ રાખવાની કે હવે એસ.ટી.ડી. પી.સી.ઓનો જમાનો આવી ગયો છે. તમે જીલ્લાના જે તાલુકાઓમાં રેઈડમાં જવા માટે જે આગલે દિવસે વર્ધી આપો છો તેમાં ફેરફાર કરીને એટલી જ વરધી આપવાની કે બે ત્રણ દિવસ બહાર ગામ જવાનું છે. કોઈ શહેર તાલુકાનું નામ આપવાનું નહી આથી ગુનેગારોને આગોતરી ચેતવણી કે જાણ થઈ શકશે નહી અને રેઈડો સફળ થશે’.

આ રીતે જયદેવે ટાસ્કફોર્સનું રગસગાડુ ગબડાવવાનું ચાલુ કર્યું કોડીનાર તાલુકો તે સમયે અમરેલી જીલ્લામાં સામેલ હતો તેથી એક દિવસ દળના જવાનોને લઈને કોડીનાર જવા રવાના થયો જતા રસ્તામાં ગીરના જંગલામં તુલસી શ્યામ આવતા જ કોન્સ્ટેબલ ગફારને પેટમાં સખત દુ:ખાવો ઉપડયો આથી હવે છેક અમરેલી પાછા જવાને બદલે નજીક રસ્તામાં આવતા ઉના ખાતે મોટુ સરકારી હોસ્પિટલ હતુ ત્યાં ગફારને સારવારમાં દાખલ કર્યો. ડોકટરે તેને તપાસીને કહ્યું આને પથરીની તકલીફ છે. આને માટે જૂનાગઢ, અમરેલી કે ભાવનગર જ જવું પડે અત્યારે રાહતથાય તેવી દવા ઈંજેકશન આપી દઉ છું તમે ઈચ્છો ત્યાં પહોચી જાવ ગફારને સારવારથી રાહત થતા અન્ય એક જવાન સાથે ટેક્ષીમાં અમરેલી પરત રવાના કર્યો અને સલાહ આપી કે કોઈ સારા યુરોલોજીસ્ટ ને બતાવી બરાબર નિદાન કરાવી સારવાર લેજે. તે સમયે કોડીનાર દારૂની બદી અંગે ખૂબ બદનામ હતુ તેથી ટાસ્કફોર્સે ત્યાં ચાર પાંચ દિવસનો મુકામ કરવો જ પડતો. પરંતુ ત્રિજે દિવસે જ ગફારે ટેલીફોનથી જયદેવને કહ્યું કે સારા ડોકટરને બતાવ્યું કાંઈ છે નહિ અને ત્યાં ઉનાથી નિકળ્યા પછી મને કોઈ તકલીફ જ નથી સાવ સારૂ છે તો કોડીનાર આવી જાઉ? પરંતુ જયદેવે કહ્યું હવે અમે પણ બે દિવસમાં પાછા આવી છીએ આવવાની જરૂર નતી.

ફરી એક વખત આજ રીતે ટાસ્કફોર્સનો રસાલો ખાંભા રાજુલા થઈ જાફરાબાદ જતો હતો અને રાજુલા આવતા જ ગફારને ફરીથી પાછો પેટમાં દુ:ખાવો ઉપડયો આ વખતે રાજુલાના નિષ્ણાંત અને પ્રખ્યાત ડોકટર મુછડીયા પાસે ગફારની સારવાર કરાવી ડો. મુછડીયાએ પણ એજ નિદાન કર્યું કે ગફારને કીડની સ્ટોનની તકલીફ છે. ફરી ગફારને અમરેલી રવાના કર્યો જયદેવે તેને કહ્યું ‘ગફાર ખોટો દુ:ખી થામાં એક્ષરે કઢાવી વ્યવસ્થિત સારવાર લઈ લે’ અને બાકીનાં ટાસ્કફોર્સને લઈને જાફરાબાદ પોર્ટ વિકટર હાલનું પીપાવાવ, એલએન્ડ ટીનો વિસ્તાર, શિયાળબેટ વિગેરે જગ્યાએ દારૂની રેઈડો કરી ત્રણ ચાર દિવસે અમરેલી પાછા આવ્યા ગફારે જે વાત જયદેવને કરી તે સાંભળીને જયદેવ અતિશય નવાઈ પામી ગયો.

ગફારે કહ્યું ‘સાહેબ અમરેલીના સારા સારા ડોકટરો એ એક્ષરે વિગેરે રીપોર્ટ કરીને નિદાન કર્યું છે કે તમને પથરીની તો કોઈ તકલીફ જ નથી અને હાલ બીજી પણ કોઈ તકલીફ જણાતી નથી હું જેવો અમરેલી પાછો આવું છું ત્યાંજ મારી તબીયત સારી થઈ જાય છે. આથી ખરેખર આ શું બાબત છે તેની ખાત્રી ખરાઈ કરવા હું સાવરકુંડલા અમારા ધર્મગુ‚ને મળ્યો હતો તેમણે તમામ વાત સાંભળીને મારી સામે જોઈને કહ્યું કે તારો એક સાથી કર્મચારી મેલીવિધાનો પારંગત છે. અને તેણે તેની મેલી વિધાનો પ્રયોગ પ્રથમ તારા સાહેબ ઉપર કરેલો પરંતુ તે સફળ થતો નથી કેમકે તારા સાહેબના ગૂ‚ બળવાન છે તેથી તેની ઉપર આ કામણ કરતા તે પાછુ વળીને વળી તેને જ વળગે છે.તેથી હું તમારો વફાદાર સૈનીક અને ખાસ માણસ હોઈ તેથી તેણે મેલી વિધાનો પ્રયોગ મારી ઉપર કરતા મને તેની આ અસર થાય છે. અને ખોટો દુ:ખાવો ઉપડે છે. ખરેખર કોઈ રોગ કે શારીરીક ખામી છે જ નહિ.

જયદેવ આ સાંભળીને નવાઈ પામી ગયો અગાઉ ઘણી આવી મેલી વિધાની વાતો સાંભળેલી પણ આવો કિસ્સો પ્રથમ જોયો જયદેવે વિચારીને ગફારને કહ્યું ‘તું વિશ્ર્વાસુ અને વફાદાર કોન્સ્ટેબલ જ છો તેની મને ખાત્રી છે. પરંતુ હવે તું નાટક કરવાનું ચાલુ કર, તું ખાનગીમાં તે તાંત્રીક હેડ કોન્સ્ટેબલને મળી મારાથી નારાજ હોવાનું કહી ‘ગુપ્ત સમાધાન’ કરી નાખ આથી બે વાત થશે એક તો હવે તારી ઉપર કામણ ત્રાટક કરશે નહિ વળી બીજુ, કાંઈક વાત તેની પાસેથી ખાનગીમાં જાણવા પણ મળશે’ આ પ્રયોગ બંને રીતે સફળ થયો,ગફારને પછી કયારેય તકલીફ થઈ નહિ અને ભોંસલેની કંપનીની તમામ હિલચાલ તથા જયદેવની કામગીરીના રાજકીય પ્રત્યાઘાત પણ જાણવા મળ્યા. ભોંસલે એ ગફારને વાત કરેલી કે લાઠીના વિધાયકે એક વખત અમરેલીના રાષ્ટ્રવાદી પાર્ટીના કર્તાહર્તા સાંસદને જયદેવની ફરિયાદ કરેલી તો આ કર્તાહર્તા સાંસદે લાઠીના વિધાયકને કહેલુ કે જયદેવ જે કરે છેતે કાયદેસર જ કરે છે. અગાઉ તે આપણી લાગણીને લક્ષમાં પણ રાખતા પરંતુ આ સુતેલા સિંહને તમે જગડયો છે એટલું જ નહિ છંછેડયો છે. તેની જિલ્લા બદલીની ખટપટ કરવાની કયાં જરૂરત હતી? હવે તો તમારા કર્યા તમે ભોગવો અથવા સમાધાન કરી લ્યો. વળી લાંબા ગાળે ગફારે આ તાંત્રીક હેડ કોન્સ્ટેબલને મેલી વિધા અંગે પુછપરછ કરેલી તો તેણે કહેલું કે ‘ખરી વાત છે  ગફાર, જયારે હું દાણા નાખતો તે પાછા પડતા હતા તેથી તુ ત્યારે જયદેવને ઢાલ હતો અને તેથી તને આ અસર થયેલી.

દરમ્યાન જયદેવે અમરેલી ખાતે સરકારી કવાર્ટર મળી જતા જમવાની મુખ્ય તકલીફ દૂર કરવા કુટુંબને લાઠીથી અમરેલી લાવી દીધું. અગાઉ જયદેવે તેના પુત્ર ને તો આ બદલા બદલીની પળોજણથી કંટાળીને તેનો અભ્યાસ ન બગડે તે માટે માંગરોળ શારદા ગ્રામ હોસ્ટેલમાં બેસાડી દીધો હતો પરંતુ નાની પુત્રીને સાથે રહી લાઠી પ્રાથમિક શાળા ધોરણ ત્રિજામાં અભ્યાસ કરતી હતી તેને હવે વાર્ષિક પરીક્ષાને ત્રણ મહિનાની જ વાર હતી અને અમરેલી સ્કુલ બદલવાનું થયું. અનુભવે એવું જણાયું છે કે બાળક હોશિંયાર હોય તો પણ સ્કુલનો ફેર બદલો થાય તેથી અભ્યાસ કરાવનાર ફરતા તેમની ભણાવવાની પધ્ધતિ પણ અલગ હોય તેથી બાળક મુંઝાય જ જાય છતા પુત્રીએ અમરેલીમાં વિશ્ર્વાસ પૂર્વક અભ્યાસ ચાલુ કરી દીધો. પરંતુ વાર્ષિક પરીક્ષામાં એક પેપર સહેજ નબળુ જતા તે ખુબજ મુંઝાઈ અને ઘેર આવી ને રડી પડી જયદેવ ગામડામાં હતો રાત્રીનાં અગીયાર વાગ્યે ઘેર પાછો આવ્યો ત્યાં દિકરી જે રાહજ જોતી હતી તે દરવાજામાં સામે આવી ને ઉભી ર હી ગઈ અને જયદેવ સામે આવતા જ તે રડતા રડતા પણ આક્રમકતા અને હકકથી નિદોર્ષ ભાવે બોલી ‘પપ્પા આ તમારી રેઢીયાળ નોકરીનેકારણે જ ભાઈને અમારાથી જુદા હોસ્ટેલમાં રહેવું પડે છે. અને મારે આ છેલ્લે છેલ્લે સ્કુલ બદલતા આજે પેપર નબળુ ગયું છે’ નાનુ બાળક અને તે પણ દિકરી એ આ રીતે કહેતા જયદેવ પણ મનોમન લાગણીમાં આવી ગયો અને તેને પણ દુ:ખ થયું કે આ નોકરીને હિસાબે મારે હેરાન થવાનું હોય પણ કુટૂંબના સભ્યો ને નહિ જયદેવની આંખમાં ઝળઝળીયા આવી ગયા અને ગળગળા સાદે જ દિકરીને કહ્યું ‘બેટા હવે તમે હેરાન નહિ થાવ, હવે હું એકલો લડી લઈશ’

જયદેવ પોતાના સંઘર્ષમય અને માખણ પટ્ટીના અભાવ વાળા સ્વભાવને જાણતો જ હતો. પણ તેમાં તે સુધારો કરી શકે તેમ નહતો તેથી વાર્ષિક પરીક્ષા પુરી થતા જ કુટુંબને કાયમી ધોરણે રાજકોટ સ્થાયી કરી દીધું અને પોતે હવે નિવૃત્તિ સુધીની એકલા એજ રહેવાની કર્મયોગની કેડી પકડી લીધી જયદેવે નિવૃત્તિ પછી જયારે પોતાની પોલીસ ખાતાની નોકરીનાં લેખા જોખાનો હિસાબ કર્યો ત્યારે પેલી અંગ્રેજી ઉકતી Tragedy of life is not what we suffer; but what we miss.  ની માફક આમ કુટુંબથી અલગ રહેવાની બાબત જ તેના માટે જીવનની સૌથી મોટી ક‚ણતા હતી જે દુ:ખદ પણ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.