યાર્ડ ખોલવાને લઇ વેપારીઓ ‘અસમંજસ’ની સ્થિતિમાં…!!

72

સતત ચોથા દિવસે યાર્ડ બંધ,કરોડોનું ટર્નઓવર અટકયુ; રાજકોટ માર્કેટીંગ યાર્ડ શરૂ કરવા સત્તાધીશોની મળનારી બેઠકમાં વેપારીઓ, દલાલોને પણ સમાવાય તેવી શકયતા

રાજકોટ માર્કેટીંગ યાર્ડ હવે કયારે શરૂ થાય તે મુદે વેપારીઓ અસમંજસની સ્થિતિમાં છે. ઉગ્ર આંદોલન છેડવા બદલ ૩૦ જેટલા વેપારીઓની અટકાયત કરી રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે વેપારીઓની ધરપકડ બાદ ગઈકાલે તેઓને જામીન મૂકત પણ કરવા અદાલતે હુકમ કરતા તમામ વેપારીઓ જામીન મૂકત થયા છે. ત્યારે હવે અન્ય તમામ વેપારીઓ યાર્ડ કયારે ખોલવાનું?, કામકાજ કયારે શરૂ થશે ? , તેવા મનમાં પ્રશ્ર્નો પણ ઉઠાવી રહ્યા છે. શું રાયોટીંગનો કેસ પાછો ખેંચાયા બાદ યાર્ડ શરૂ થશે ? તેવા મુદો પણ વેપારીઓમાં ઉઠ્યો છે. આવા અનેક પ્રશ્ર્નો સાથે વેપારીઓ યાર્ડ ખૂલવા અંગે અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે.

રાજકોટ માર્કેટીંગના યાર્ડના વેપારીઓએ મચ્છરનો ઉગ્ર વિરોધ નોંધાવ્યા બાદ હવે પોતાના પર રાયોટીંગનો ગુનો નોંધાયો હોય શું તેનો વિરોધ દર્શાવી રહ્યા છે? યાર્ડના તમામ વેપારીઓર્અ એકજૂટ થઈ કામકાજ બંધ રાખતા સતત ચોથા દિવસે રાજકોટ માર્કેટીંગ યાર્ડ બંધ રહેવા પામ્યું છે. આવતીકાલે પણ મહાશિવરાત્રીની રજા હોય યાર્ડ બંધ રહેશે સતત ચાર પાંચ દિવસ યાર્ડ બંધ રહેતા હાલ કરોડોનું ટર્ન ઓવર ઠપ્પ થયું છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડ શરૂ કરવાના મુદાને લઈને આજે બપોરે બોર્ડના સતાધીશોની બેઠક યોજાનાર છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેકટર્સની બેઠકમાં વેપારીઓ, એજન્ટોને પણ સમાવાય તેવી શકયતા છે.

છેલ્લા એક અઠવાડિયાથી મચ્છરોના મામલે માર્કેટીંગ યાર્ડ ‘ટોક ઓફ ટાઉન’ બન્યું છે. મચ્છરોનાં અતિશય ઉપદ્રવથી વેપારીઓએ તંત્રને હચમચાવવા છેડેલા આંદોલનના પડઘા પડી રહ્યા છે. ગત સોમવારે માર્કેટીંગ યાર્ડ ખાતે વેપારીઓનું ઉગ્ર રસ્તા રોકો આંદોલન ત્યારબાદ પોલીસનો લાઠીચાર્જ અને પથ્થરમારો થતા હજુ સૌરાષ્ટ્રનું મુખ્ય ગણાતું રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખૂલવા પામ્યું નથી.

આંદોલન છેડનારા ૩૦ જેટલા વેપારીઓની ધરપકડ કરાઈહતી તે તમામને ગઈકાલે કોર્ટમાં રજૂ કરાતા જામીન મૂકત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૩૦૦ જેટલા વેપારીઓ સામે રાયોટીંગનો ગુનો નોંધાયો છે. આ તમામ વેપારીઓ પોતાના કેસ પાછા ખેંચાઈ તેની રાહમાં છે ? ચાર ચાર દિવસથી યાર્ડ બંધ રહેતા મોટો આર્થિક મારપ ડયો છે.

અને કરોડોનું ટર્નઓવર ઠપ્પ થયું છે એટલું જ નહિ ખેડુતો પોતાનો માલ લાવી શકતા નથી.

યાર્ડમાં પરિસ્થિતિ વણશે નહિ તેમજ કોઈ માથાકૂટ થાય નહિ તે માટે પોલીસનો બંદોબસ્ત પણ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે યથાવત રાખવામાં આવ્યો છે.

વેપારીઓની મુશ્કેલી નિવારવા વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે. કલેકટર કમિશ્નર સહિત અધિકારીઓની મીટીંગ મળ્યાબાદ મચ્છરો હટાવવાની કામગીરીપણ ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. મચ્છરોના બ્રિડીંગને અટકાવવા ફોગીંગ, દવા છંટકાવ તેમજ લીમડાનો ધુમાડો સહિતની કાર્યવાહી સૂર્યાસ્ત સમયે થઈ રહી છે. તો આ ક્ષેત્રે કામ કરતી એજન્સીઓને યાર્ડની બાજુમાં વહેતી નદીમાં ઉગી નીકળેલી ગાંડીવેલને દૂર કરવાની કામગીરી સોપાઈ છે. આ એજન્સીઓ જળમુખથી આ વેલનો નાશ કરવા પૂરજોશમાં કામે લાગી છે.

આ ગાંડીવેલ દૂર થતા માર્કેટીંગ યાર્ડ ઉપરાંત આસપાસનાં વિસ્તારોનાં લોકોને પણ મચ્છરોથી મૂકિત મળશે.

માર્કેટીંગ યાર્ડના હોદ્દારોની અણઆવડતના પાપે આ સ્થિતિ સર્જાઇ: અરવિંદ રૈયાણી

યાર્ડ શરૂ થયું ત્યારથી મચ્છરોની સમસ્યા છે : વેપારી-મજુરો અને પોલીસને સામસામા કરી દેવા સમસ્યાનું સમાધાન નથી

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસનો મામલો છેક ગાંધીનગર સુધી પહોચ્યો છે. મચ્છરોના મામલે ઉગ્ર આંદોલન કરી ચકકાજામ, પથ્થરમારો અને લાઠી ચાર્જ જેવા બનાવો બન્યા છેલ્લા ચાર દિવસથી યાર્ડ બંધ છે. યાર્ડ કયારે ખૂલશે તે અંગે વેપારી અને હોદેદારો અસમંજસની સ્થિતિમાં છે. આવી સ્થિતિ અંગે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતુ કે, યાર્ડના હોદેદારોની અણ આવડતના પાપે આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બેડી ખાતે યાર્ડ કાર્યરત થયું ત્યારથી જ મચ્છરોની સમસ્યા છે. જેનું સમાધાન કરવું જોઈએ વેપારી-મજૂરો અને પોલીસને સામસામા કરી દેવા વ્યાજબી નથી.

અરવિંદ રૈયાણીએ વધુમાં ઉમેર્યું હતુ કે, યાર્ડમાં મચ્છરોના ત્રાસથી વેપારી મજૂરોને મૂકત કરવામાં ખૂદ સરકાર મેદાનમાંવી છે. યાર્ડ શરૂ થયું ત્યારથી મચ્છરોનો ત્રાસ છે. હોદેદારો સમક્ષ અનેકવાર રજૂઆત વેપારી મજૂરો કરી ચૂકયા છે. છત સમસ્યા ન હલ થતા આ સ્થિતિ સર્જાય છે. વેપારી અને મજૂર આગેવાનોએ પણ રોડ પર ઉતરી ચકકાજામ કરવા સરકારી મિલ્કતોને નુકશાન કરવા અને પોલીસને ફરજમાં રૂકાવટ કરવી યોગ્ય નથી.છેલ્લા ચાર દિવસથી યાર્ડ બંધ છે. ત્યારે વાસ્તવમાં સત્તાધીશોએ યાર્ડ ઝડપથી ખૂલ્લે તે માટે ગંભીરતા દાખવવી જોઈએ. પરંતુ હોદેદારોની અણ આવડતના પાપે સ્થિતિ સુધરવાના બદલે સતત બગડી રહી છે. હવે સ્થિતિ એવી સર્જાય છે કે મચ્છરોના ત્રાસની વાત એક જગ્યાએ રહી અન્ય સમસ્યા ઉભી થઈ છે. જેનો તત્કાલ નિવેડો આવવો જોઈએ.

‘અણઆવડત’ પર ચેરમેન ડી.કે.સખીયાનું નિવેદન

તમે કઈ ‘આવડતવાળા’ કે ‘અનુભવી’ છો કે જે જગ્યાએ બેઠા છો ત્યાં પહોંચી ગયા?

રાજકોટ માર્કેટીંગ યાર્ડ સતત ચોથા દિવસે બંધ રહેતા હાલ વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. યાર્ડ સતત ચાર દિવસ બંધ રહેતા આ અંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોની અણઆવડતના પાપે સર્જાઈ છે. જેના પ્રત્યુતરમાં યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ પણ વળતો પ્રહાર કરી જણાવ્યું છે કે, ‘તમે જો અણઆવડતની વાત કરતા હોય તો તમે કઈ એવી ‘આવડતવાળા’ કે ‘અનુભવી’ છો કે જે જગ્યાએ બેઠા છો ત્યાં પહોંચી ગયા ?’ વધુમાં એમ પણ જણાવ્યું કે, ‘હું પણ ખેડૂતનો દીકરો છું, તમે પણ ખેડૂતના દીકરા છો ત્યારે ખેડૂતના હિતની વાત આવે ત્યારે બધી જ વાતો ભુલીને માત્ર સહયોગ આપવાનો હોય નહીં કે પાછળ બેસીને નિવેદનો.’ એમ પણ જણાવ્યું કે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં અમારી બોડી ઘણા સમયથી કાર્યરત છે. ત્યારે વેપારીઓની જે માગ છે તે અમે પુરી કરવા પ્રયાસો કરીશું. કાયદાકીય દ્રષ્ટિએ જે શક્ય હશે કે જે સ્તરે રજૂઆત કરવાની થતી હશે ત્યાં સો ટકા કરીશું અને સંપૂર્ણ સહયોગ આપીશું. આ ઉપરાંત ડી.કે.સખીયાએ કરોડોનું ટર્નઓવર ઠપ્પ થયું છે તે મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, યાર્ડ બંધ રહેતા દરરોજ આશરે આઠ કરોડનું ટર્ન ઓવર અટક્યું છે. જેથી અત્યાર સુધીમાં કુલ ૨૪ કરોડથી વધુનું ટર્ન ઓવર અટક્યું છે.

મચ્છરોને હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે સુરતી મશીનરી રવાના થઈ ચૂકી છે. તેમજ બે દિવસ ફગીંગની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Loading...