Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને અશકયને શકય બનાવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વહિવટનો મુખ્ય આધાર મહેસૂલ તંત્ર છે. મહેસૂલી પ્રક્રિયા લોકહિત માટે હોય, લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય પરંતુ કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજીયુકત વ્યવસ્થાઓથી લાવવામાં ગુજરાતે દેશનું દિશાદર્શન કર્યુ છે.

મુખ્યમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત મહેસૂલમાં ક્રાંતિ માર્ગદર્શક કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રઓ આ અવસરે ઉપસ્થિત હતા.

મુખ્યમંત્રીએ  મહેસૂલ વિભાગની જૂની પૂરાણી અને  આંટીઘૂંટી વાળી પ્રક્રિયાઓથી નિર્ણયોમાં થતા વિલંબ અંગે માર્મિક શૈલીમાં ટકોર કરતાં કહ્યું કે, વિલંબ તોડીયે તો જ વિકાસ શકય બને છે. વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનું કામ ગુજરાતે પાર પાડયું છે.

લોકશાહીમાં લોકો અનુભવે કે આ મારી સરકાર છે, મારો પણ અવાજ સાંભળનારૂં કોઇ છે. લોકોની શાસન પ્રત્યેની માનસિકતા બદલાય તેવા જનહિત દાયયિત્વથી સરકારો ચાલવી જોઇએ. સાથોસાથ દેશ પણ વિકાસ ગતિ તરફ ચાલવો જોઇએ એવો મત પણ તેમણે વ્યકત કર્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ આ અંગે એમ પણ જણાવ્યું કે, આઝાદી પછીની બહુધા સરકારોએ માત્ર સરકાર જ ચલાવી, દેશ ચલાવવા પર ધ્યાન અપાયુ નહી. પરિણામે લોકશાહી પ્રત્યેની લોકોની શ્રધ્ધા ડગી ગઇ હતી. હવે, પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ સરકાર ચલાવવા સાથે દેશ ચલાવવા તરફ પણ નક્કર કદમ માંડયા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એક સમય એવો પણ હતો કે લોકોના મનમાં સરકારો પ્રત્યે એવી વૈચારિક માનસિકતા બની ગઇ હતી કે આનાથી અંગ્રેજો સારા હતા.

આપણે લોકોની એ નબળી વૈચારિક માનસિકતા બદલી છે. લોકોને કેન્દ્રસ્થાને રાખીને, લોકહિત હૈયે રાખીને નિર્ણયો ત્વરાએ કર્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી સેવાઓમાં અદ્યતન ટેકનોલોજીના વિનિયોગ અને હવે ફેઇસ લેસ સિસ્ટમથી ઓનલાઇન એપ્રુવલની પહેલની સરાહના કરી હતી.

તેમણે કહ્યું કે, આવા સરળીકરણથી વિકાસની નવી ઊંચાઇઓ સર કરીને લોકશાહી શાસનમાં અમલદારશાહી, લાલફિતાશાહી ખતમ કરી પારદર્શી, નિર્ણાયક અને ત્વરિત-ઝડપી સરકારની પ્રત્યેક માનવીને અનૂભુતિ કરાવવાની આપણી નેમ છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર લોકોના હિતો માટે ઇઝ ઓફ લિવીંગ માટે જરૂર જણાયે કાયદાઓમાં સુધારા-કાયદા બદલવા માટે ઓર્ડિનન્સ લાવવા પણ ખૂલ્લા મને તૈયાર છે. રાજ્ય સરકારે ૮ જેટલા જૂના જડ કાયદાઓમાં બદલાવ લાવીને લોકો માટે પારદર્શી અને જવાબદેહ વ્યવસ્થા વિકસાવી છે.

વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી કાયદાઓમાં એનએ ઓનલાઇન, આઇ ઓરા-ર, જમીન રેકોર્ડ ઓનલાઇન, ૭/૧ર ઉતારા ઓનલાઇન જેવી લોકોને સીધી સ્પર્શતી સેવાઓના સરળીકરણને રાઇટ  ટાઇમ ફોર રાઇટ જોબ ગણાવ્યો હતો.

તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે, આવી સેવાઓના સરળીકરણ માટે કોઇ આંદોલનો થયા ન હતા, રજૂઆતો કે માંગણીઓ ન હતી આવી પરંતુ આ સરકારે સામાન્ય માનવી પણ સરકાર સાથે સીધો સંવાદ કરી શકે. તેને કોઇનેય પાઇ-પૈસો આપ્યા વિના ઘેર બેઠાં સેવાઓ ઓનલાઇન મળે તેવા જવાબદારીયુકત શાસનભાવથી આવા ક્રાંતિકારી નિર્ણયો અને પગલાં લીધા છે.

મુખ્યમંત્રીએ સામાન્યમાં સામાન્ય, ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ખેડૂત સૌની અપેક્ષા સંતોષાય એવા સરળ વહિવટની દિશામાં સરકાર હજુ વધુ નવતર કદમ ઉઠાવશે તેવી તત્પરતા દર્શાવી હતી.

તેમણે ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે દેશ-દુનિયામાં પ્રસ્થાપિત થવામાં આ મહેસૂલમાં ક્રાંતિકારી નિર્ણયો- ટેકનોલોજીયુકત આયામો નવું સિમાચિન્હ બનશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યના મહેસૂલી તંત્રને આ ભગીરથ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.

વિજયભાઇ રૂપાણીના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

એની આરઓઆર એનીવેર

આ મુજબની સેવાઓ ઓનલાઈન જોઈ તેમજ નકલ મેળવી શકાશે. (૧) જમીનનો રેકર્ડ (ગ્રામ્ય તથા શહેર), (૨) જમીન રેકર્ડને લગતા કેસોની વિગતો જોવા માટે (૩) મિલક્તની વિગતો જોવા માટે (સબ રજિસ્ટ્રારને સંલગ્ન)

વેલ ભુલેખ

ઈ – ધરા કેન્દ્રમાં વેબ ભુલેખ એપ્લિકેશન મારફત મહેસૂલી અધિકારી દ્વારા આ મુજબના કાર્યો થાચ છે. (૧) હક્ક પત્રની નોંધોને લગતી તમામ કામગીરી (ર) પાણી પત્રકની કામગીરી (૩) તમામ પ્રકારની જમીનને લગતી માહિતી મેળવી શકાશે.

ગરવી

સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ગરવી એપ્લિકેશન દ્વારા દસ્તાવેજોની નોંધણી. અરજદારશ્રી આ મુજબની વિગતો જાણી શકશે (૧) જંત્રી દર, (ર) મિલક્તનું અંદાજિત મૂલ્યાંકન (૩) ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. (૪) નોંધાયેલ દસ્તાવેજની વિગતો જોઈ શકે છે અને અનુક્રમણિકા નં.૨ની પ્રિન્ટ મેળવી શકે છે

આઈ-ઓઆરએ

ઉપલબ્ધ ઓનલાઈન સેવાઓ જેવી કે : (૧) બિનખેતી પરવાનગી / હેતુફેરની પરવાનગી (ર) વારસાઈ નોંઘ, સુધારા હુકમ માટેની અરજી (૩) ઓદ્યોગિક હેતુ માટે જમીન ખરીદવાની પરવાનગી / જમીન ખરીદવાની પરવાનગી (૪) પ્રિમિયમ ભરવાની તેમજ મુદત વધારો આપવાની પરવાનગી ( ખેતી તથા બિનખેતી હેતુ માટે ) (૫) બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી ( એક જ અરજી). (૬) બિનખેતીની પ્રોવિઝનલ મંજૂરી: અરજદારની અરજીની પ્રાથમિક મંજૂરી મળ્યા બાદ ઈન્ટિમેશન લેટર સાથે નિયત નમૂનામાં બિનખેતીની પ્રોવિઝનલ મંજૂરી જનરેટ થશે જે અરજદારને ઈ-મેઈલ એડ્રેસ પર મોકલવામાં આવશે. (૭) ખેડૂત ખાતેદાર ખરાઈ : ખેડૂત ખાતેદાર હોવા અંગેની ઓનલાઈન ખરાઈ થશે. (૮) બોજા સાથે બિનખેતી પરવાનગી : જમીન પર મંડળી / બેન્કના બોજા બાકી હોય તો પણ બોજા સાથે બિનખેતી પરવાનગી આપવામાં આવશે.

આઈઆરસીએમએસ

(૧) મહેસૂલી અધિકારી દ્વારા તમામ મહેસૂલી કેસોની એન્ટ્રી કરવામાં આવે છે જેનું જોડાણ અન્ય મહેસૂલી એપ્લિકેશન (આઈ-ઓરા) સાથે હોઈ કેસોને લગતી તમામ માહિતીઓનો ઉપયોગ કરી શકાય છે. મહેસૂલી કેસોની સચોટ દેખરેખ રાખી શકાય છે. (૨) મહેસૂલી કેસ જયારે લિસ્ટિંગ થાય ત્યારે અરજદારને એસ.એમ.એસ. દ્વારા જાણ થાય છે. આગામી સમયમાં આ સેવા દ્વારા તમામ મહેસૂલી કેસોના હુકમની નકલ અરજદાર જન સેવા કેન્દ્રમાં મેળવી શકશે.

આરએફઆઈએમએસ

રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં નોંધાતી તમામ અરજીની ટ્રેકિંગ અને મોનિટરીંગની સુવિધા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.