Abtak Media Google News

રાજ્યમાં ઔદ્યોગીક અને ઘરેલું ગેસની કોઈ અછત નથી, પુરવઠો નિરંતર ગ્રાહકોને મળતો રહેશે

કેટલાક માધ્યમોમાં પ્રકાશિત થયેલા ગેસની અછતના અહેવાલોમાં સત્ય નથી:ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગીક, વાણીજ્યીક અને સીએનજી સાથે સાથે ઘર વપરાશના ગેસ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મુકવામાં આવશે નહીં

ઘેર-ઘેર માટીના નહીં હવે તો ગેસના ચુલા જીવન જરૂરી ચીજ બની ગઈ છે. ઔદ્યોગીક ક્ષેત્રે પણ ગેસનો વપરાશ વધ્યો છે ત્યારે આજે રાજ્યમાં એકાએક આવતીકાલથી રાંધણ ગેસ અને ઔદ્યોગીક ગેસની અછત ઉભી થશે અને પુરવઠો બંધ થશે તેવી ચર્ચાએ સામાજિક અને ઔદ્યોગીક ક્ષેત્રે મોટી ચિંતાના વાદળો સર્જયા હતા અને કેટલાક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની કતારો અને પુછપરછ માટે ટેલીફોનની ઘંટડીઓ રણકી ઉઠી હતી. જો કે, ગુજરાત ગેસ લીમીટેડે આ સમાચાર અફવા હોવાની જાહેરાત કરીને રાજ્યમાં હાલ ગેસની કોઈ અછત ન હોવાનું જણાવ્યું હતું.

રાજ્યભરમાં આવતીકાલે ગેસના બાટલા અને ઔદ્યોગીક ગેસ નહીં મળે તેવી ચર્ચાઓ વચ્ચે ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા જાહેર પ્રજાજોગ નિવેદન આપવામાં આપી ૈઅખબારી યાદીમાં જણાવાયું છે કે, કેટલાક માધ્યમોમાં પ્રકાશિત થયેલા ગેસની અછતના અહેવાલોમાં સત્ય નથી. કંપનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ગુજરાત ગેસ લીમીટેડના ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગીક, વાણીજ્યીક અને સીએનજી સાથે સાથે ઘર વપરાશના ગેસ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મુકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને જરૂરીયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે.

કંપનીના જનસંપર્ક અધિકારીએ ‘અબતક’ સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવાયું હતું કે, રાજ્યમાં કેટલીક જગ્યાએ ગેસની અછત ઉભી થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને હિતશત્રુઓ દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી કે, ગેસના બાટલા અને ઔદ્યોગીક ગેસમાં કાપ આવશે પરંતુ ખરેખર આ વાતમાં તથ્ય નથી. ગુજરાત ગેસ લીમીટેડ પાસે પુરતા પ્રમાણમાં તમામ પ્રકારના ગેસનો જથ્થો ઉપલબ્ધ છે અને નિરંતરપણે ગેસનો પુરવઠો મળતો રહેશે. કંપનીના સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, આ અફવાના પગલે કંપનીએ રાજ્ય સરકારને પણ ગેસનો પુરવઠો અવિરત ચાલુ રહે તેવી સ્થિતિથી અવગત કર્યા હતા અને સરકાર પક્ષે આ અંગે ટૂંક સમયમાં પ્રજાજોગ જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં ગેસની અછત ઉભી થાય તેવા અહેવાલો માત્ર અફવા જ છે અને ગેસની કોઈ અછત નથી તેમ ગુજરાત ગેસ લીમીટેડની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત ગેસ લીમીટેડ ભારતની પોતીકી ગેસ વિતરણ કરતી કંપની છે. ૧૯૮૦માં વિસ્થાપિત કંપનીનું આ હેડ કવાર્ટર અમદાવાદમાં કાર્યરત છે અને શહેરી વિસ્તારોમાં સૌથી વધુ વિતરણ વ્યવસ્થા ધરાવતી કંપનીનું કદ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૧.૫ બીલીયન અમેરિકન ડોલર રહેવા પામ્યું છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશનની માલીકીની આ કંપની ૧,૬૯,૭૦૦ ચો.કી.માં પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે અને ૧૪.૪ લાખ ઘરેલું ગેસ કનેકશનો, ૧૨૬૦૦ કોમર્શીયલ અને ૩૯૬ જેટલા સીએનજી સ્ટેશનોનો નેટવર્ક ધરાવતી કંપનીને ૩,૭૦૦ જેટલા ઔદ્યોગીક એકમો અને ૨૪૩૦૦ કિ.મી.ની કુદરતી ગેસ પાઈપ લાઈનના નેટવર્ક થકી પોતાનું નેટવર્ક ચલાવી રહી છે. કંપનીએ આવતીકાલે ગેસ બંધ રહેવાની અફવાનું ખંડન કર્યું હતું અને કંપની પાસે પુરેપુરો પુરવઠો અને નેટવર્ક હોવાથી ગેસ અવિરતપણે ગ્રાહકોને મળશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.