લોકડાઉન સાથે કોરોના સામેની આખરી લડાઈ લડવા લોકોને સજ્જ કરશે તંત્ર

117

આગામી અઠવાડિયામાં કોરોના વાયરસના કેસ ૧૭૦૦૦ લોકોને શિકાર બનાવે તેવી દહેશત: મહામારી રોકવા વર્તમાન સમયે લોકડાઉન જ યોગ્ય વિકલ્પ હોવાનો મત

કોરોના વાયરસના કેસની વધતી સંખ્યાના કારણે આગામી સમયમાં લોકડાઉનની અમલવારી લંબાવવાની તૈયારીઓ થઈ રહી છે. કોરોના વાયરસ સામેનો જંગ ખરાખરીનો બની રહેશે તેવી શકયતા છે. વર્તમાન સમયે કોરોના વાયરસના કેસની સંખ્યા દર ચાર દિવસે બે ગણી થતી હોવાના આંકડા મળી રહ્યાં હોવાથી સરકાર માટે ચિંતા વધુ ઘેરી બની છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના ૫૦૦૦ જેટલા કેસ છે અને આગામી ૧૦ દિવસમાં કેસની સંખ્યા ૭૫૦૦૦ સુધી પહોંચી જાય તેવી દહેશત નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા ચોંકાવનારા છે. ગત તા.૧૫ થી ૨૦ માર્ચ દરમિયાન કોરોના વાયરસની સંખ્યા ૫ દિવસમાં બે ગણી થઈ હતી. ત્યારબાદ સંક્રમણના કેસ માત્ર ત્રણ દિવસમાં બે ગણા થવા લાગ્યા હતા. કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ પાછલ કેટલાક ‘બે-ખૌફ’ લોકો જવાબદાર હોવાનું જણાય આવે છે. સરકારે વાયરસના સંક્રમણને રોકવા માટે સજ્જડ લોકડાઉનની અમલવારી કરવા તખ્તો ગોઠવ્યો હતો. પરંતુ કોઈ કામ વગર કે ધાર્મિક ઝનુનમાં અંધ થયેલા કેટલાક બે-ખૌફ લોકોના કારણે વાયરસનો ફેલાવો એકાએક ભયંકર સ્તરે પહોંચી ગયો છે. સરકારે વાયરસને રોકવા અમલમાં મુકેલુ ૨૧ દિવસનું લોકડાઉન હજુ ૩ થી ૪ અઠવાડિયા લંબાવવામાં આવે તેવી શકયતા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મત મુજબ વર્તમાન સમયે કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ સ્થાનિક કોમ્યુનિટી ટ્રાન્સમીશનમાં છે. હવે આગામી સમયમાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં એકાએક વધારો થાય તેવી દહેશત છે. આગામી સમયમાં કોરોના વાયરસ સામે લાંબી લડત માટે તૈયાર રહેવાનું આહવાન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં જેમ જેમ કોરોના વાયરસના કેસ વધતા જશે તેમ તેમ સરકાર માટે આગામી સમયમાં પગલા લેવા વધુ કઠીન બનશે. જેમ નટ દોરડા ઉપર ચાલવા બન્ને તરફ સંતુલન રાખે છે, સંતુલનના માધ્યમથી કોઈ એક તરફ નમવાથી બચી જાય છે. તેવી રીતે આગામી સમયમાં સરકારને બન્ને તરફ સંતુલન રાખવાની જવાબદારી સરકારને અદા કરવી પડશે.

ચીન, અમેરિકા, ઈટલી, સ્પેન અને યુકે સહિતના સ્થળોએ કોરોના વાયરસની મહામારીએ ભારે તારાજી સર્જી છે. હજ્જારો લોકોના મોત કોરોના વાયરસના સંક્રમણ બાદ થયા છે. આગામી સમયમાં ભારત જેવા દેશમાં યોગ્ય તકેદારી રાખવામાં નહીં આવે તો મોતની સંખ્યા લાખોમાં પહોંચી જાય તેવી દહેશત સેવાઈ રહી છે. ચીન દ્વારા કડક લોકડાઉન માટે લેવાયેલા પગલા ભારત લઈ રહ્યું છે. જો કે, કેટલાક સંજોગોમાં કોરોના વાયરસના ફેલાવો બેકાબુ બની જાય તેવી દહેશત છે. થોડા સમય મહેલા ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી હતી. પરંતુ સમયાંતરે કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યાં હોવાથી આંકડો હાલ ૫૦૦૦ છે અને આગામી અઠવાડિયામાં ૧૭ હજાર લોકો વાયરસના સંક્રમણનો ભોગ બને તેવી શકયતા છે. અઠવાડિયા બાદ ફરીથી વાયરસના કેસ બે ગણા થાય તો આવી રીતે એક મહિનામાં વાયરસે હજ્જારો લોકોનો ભોગ લઈ શકે. આ આંકડા તો હજુ લોકડાઉન દરમિયાનની સ્થિતિના છે. જો સરકાર ૨૧ દિવસના લોકડાઉન બાદ જનજીવનને અગાઉની જેમ છુટછાટ આપે તો વાયરસ માત્ર ૧૦ દિવસમાં જ દેશના ખુણે ખુણે પહોંચે તેવી દહેશત છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા વાયરસથી બચવા માટે કેટલાક સુચનો આપવામાં આવ્યા હતા. જેમાં યોગ્ય રીતે હાથ ધોવા, મોઢાને વારંવાર અડવું નહીં, ઉધરસ કે છીંક આવતી હોય તો માસ્ક બાંધવું અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સહિતની સલાહ અપાય હતી. જો કે, મોટાભાગના લાકેો આ સલાહને માની રહ્યાં ન હોવાનું ફલીત થઈ રહ્યું છે. પરિણામે કોરોના વાયરસની ઝપટે અનેક લોકો ચડી ગયા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ વાયરસનું હોટસ્પોટ છે. બરોડા, સુરતમાં સતત કેસ નોંધાઈ રહ્યાં છે. અલબત છેલ્લા ૭ દિવસમાં રાજકોટમાં એક પણ પોઝિટીવ કેસ નહીં નોંધાતા નવા-જૂનીના એંધાણ હોવાનું ફલીત થાય છે. એકાએક પોઝિટીવ કેસ બહાર આવે તેવી દહેશત નિષ્ણાંતો સેવી રહ્યાં છે. ગુજરાતમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા ૧૫૧એ પહોંચી છે. પાટણમાં નવા ૩ કેસ નોંધાયા છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. આજે સવારે ગુજરાતમાં નવા ૫ કેસનો ઉમેરો થયો છે અને અત્યાર સુધીમાં કોરોનાને લઈ ૧૧ મોત નિપજી ચૂકયા છે.

કોરોના સાથો સાથ આર્થિક મોરચે લડવાનો પણ મોદી સરકાર માટે પડકાર

વાયરસના સંક્રમણથી લોકોને સુરક્ષીત રાખવાની સાથે આર્થિક રીતે પણ પાયમાલ ન થઈ જવાય તેની ચિંતા સરકારને છે. નટની જેમ બન્ને તરફનું સંતુલન જાળવવું સરકાર માટે જરૂરી છે. જો લોકોને બચાવવા લોકડાઉન લંબાવવામાં આવે તો આર્થિક રીતે કમરતોડ ફટકો દેશને પડી શકે. જરૂરીયાતમંદ લોકો માટે મુશ્કેલીનો પહાડ તૂટી પડે. આવા સંજોગોમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર ઉર્જીત પટેલે કેટલાક સુચનો સરકારને કર્યા છે. ભારતમાં જાહેર આર્થિક માળખુ અને સાર્વજનિક અર્થ વ્યવસ્થાને ડામાડોળ થતી બચાવવા માટે અસરકારક પગલા ભરવાની આવશ્યકતા હોવાનું કોરોના સંક્રમણ લોકડાઉન અને ધંધા ઉધોગમાં આવેલી મંદીના પગલે સરકારે મંદીના બીજા જોખમી તબકકામાં આર્થિક સુધારાઓ સાથે અર્થતંત્રને સાચવી લેવાની જરૂર હોવાનું પૂર્વ આરબીઆઈ ગર્વનર ઉર્જીત પટેલે જણાવ્યું હતું. ઉર્જીત પટેલના હવાલાથી ફાયનાન્સીયલ માધ્યમમાં એવું ટાંકવામાં આવ્યું છે કે માત્ર ઉંચી આર્થિક જોગવાઈથી અર્થતંત્રની મંદીનું જોખમ ઓછુ થાય તેમ નથી તેના માટે સરકાર અને નીતિ વિશેષ અને અર્થતંત્રના સમાહર્તાઓ વિદેશી મુડીરોકાણ, વિદેશી હુંડિયામણ અને દેશના બેકિંગ ક્ષેત્રને સુદ્રઢ બનાવવા માટે અસરકારક પગલાની હિમાયત કરી. ઉર્જીત પટેલ કે જેઓ ડિસેમ્બર ૨૦૧૮માં નિવૃત થયા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને દેશના ગરીબ નાગરિકો કે જે અન્ય અને નાણાની ખેંચ અનુભવે છે તેમના માટે સહાય અને કોવિડ-૧૯નાં પરીક્ષણની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો. ઉર્જીત પટેલ બીજા એવા રીઝર્વ બેંકના પૂર્વ અધ્યક્ષ બન્યા છે કે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના બાદની કટોકટીને લઈને અર્થ વ્યવસ્થા પર ધ્યાન આપવાની હિમાયત કરી છે. વિદેશી રોકાણકારો વૈકલ્પિક દેશો વચ્ચે અર્થતંત્રની સઘ્ધરતાના માપદંડોની તુલના કરે છે કે સરકાર દ્વારા અર્થતંત્રની સ્થિતિ બહેતર બનાવવા કેવા કેવા પગલા ભરે છે કે જે ત્વરીત અને અર્થતંત્રમાં સ્વાયત રીતે પુન: વિકાસનો સંચાર અને મંદી દુર કરીને તેની મુળ સ્થિતિએ આવી જાય છે. ઉર્જીત પટેલે લખ્યું હતું કે, આપણા દેશમાં આર્થિક સુનામીના આ બીજા તબકકામાં નાની-નાની બાબતોને સાચવીને આપણા અર્થતંત્રને મજબુત બનાવવાની જરૂર છે.

લાંબી લડત માટે સજ્જ થઈ જવા વડાપ્રધાન મોદીનું આહ્વાન

કોરોના વાયરસને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનની સજ્જડ અમલવારી કરાવવામાં આવી રહી છે. જો કે, આ લોકડાઉન હજુ વધુ દિવસો સુધી અમલમાં રહે તેવી વકી છે. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ લાંબી લડત માટે તૈયાર રહેવાનો આહવાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કર્યા બાદ ગઈકાલે કાર્યકરોને કહ્યું હતું કે, આપણે થાકવાનું નથી અને હારવાનું પણ નથી. કોરોના વાયરસ સામે લાંબી લડત માટે તૈયાર રહેવાનું છે.

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના સંક્રમણથી અસરગ્રસ્ત મુખ્ય ૧૦ એકમો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા નિષ્ણાંતોને સલાહ આપી હતી. વર્તમાન સમયે મેઈક ઈન ઈન્ડિયાની સાથો સાથ મેન્યુફેકચરીંગમાં પણ સુસ્તીનો માહોલ જણાય રહ્યો છે. ત્યારે ગઈકાલે ભાજપના સ્થાપના દિવસે વડાપ્રધાન મોદીએ લોકડાઉનનો સમયગાળો વધશે તેવા સંકેતો આપ્યા હતા. સરકારે પ્રારંભીક તબક્કે રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી કરી હતી.

ગભરાશો નહીં, સરકાર વધુ એક રાહત પેકેજ લઈ આવે છે!

કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિકસ્તરે વેપાર-ઉદ્યોગો પડી ભાંગતા ભારતીય અર્થતંત્રને નકારાત્મક અસર પહોંચી રહી છે. ભારતમાં પણ ૨૧ દિવસના લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ છે. સરકારે સામાન્ય-ગરીબ વર્ગ અને ઉદ્યોગોને રાહત મળે તેવા હેતુથી રાહત પેકેજની જાહેરાત કરી હતી. ગરીબોને લોકડાઉન દરમિયાન અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. બીજી તરફ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ વ્યાજદર અને પેનલ્ટીમાં રાહત આપી હતી. સરકારે ૧.૭૦ લાખ કરોડનું રીલીફ પેકેજ આપ્યું હતું. જેમાં જરૂરીયાતમંદોને ડાયરેકટ રોકડ ટ્રાન્સફર થઈ હતી અને અનાજ પણ મળ્યું હતું. આવી જ રીતે એમએસએમઈ સેકટરને પણ સરકારે બુસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી હતી. હવે આગામી સમયમાં લોકડાઉન વધી શકે તેવી શકયતા છે. જેથી સરકાર બીજુ રાહત પેકેજ લાવવા પણ તૈયારી કરી રહી છે. આ મામલે નાણા મંત્રાલયના નિષ્ણાંતો કામ કરી રહ્યાં છે. વર્તમાન સમયે સેક્રેટરી ટી.વી.સોમનાથન, લેબર સેક્રેટરી હિરાલાલા સમરીયા, રૂરલ ડેવલોપમેન્ટ સેક્રેટરી રાજેશ ભુષણ અને ડેવલોપમેન્ટ ઓફ ફાયનાન્સીયલ સર્વિસીસના એડિશન્સલ સેક્રેટરી પંકજ જૈન સહિતના નિષ્ણાંતો આગામી રાહત પેકેજ અને તેની અસરો અંગે પૃથ્થકરણ કરી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન કેસમાં સતત થઇ રહેલા વધારાના કારણે આગામી સમયમાં આર્થિક મોરચે કઇ રીતે પગલા લેવા તે અંગે અસમંજસ જોવા મળી રહી છે. તંત્રના આદેશોમાં અસમંજસતાના કારણે આ તૈયારી યોગ્ય રીતે પરિણામો આપી શકી નથી. દેશને આર્થિક મોરચે નુકશાન ન થાય તે માટે જરૂરી પગલાઓ લેવા માટે વડાપ્રધાન મોદીએ તૈયારીઓ કરી છે.

મહામારી સામે લડવા ભીલવારા મોડેલ કારગર નિવડશે?

આખા દેશમાં કોરોનાનો ઓછા વત્તા અંશે કહેર પ્રવર્તે છે ત્યારે કોરોના કેસની જાણ થઇ ત્યારથી જ કફર્યુ જેવા કડક અને અસરકારક પગલા થકી કોરોનાને અંકુશ લેવામાં સફળતા મેળવનાર ભીલવાડા મોડેલ દેશ માટે એક સિમાચિન્હ બન્યું છે. દેશમાં ફેલાયેલા અને અમુક જગ્યાએ વધી રહેલા કોરોનાને કાબુ લેવામાં સફળતા માટે ભીલવાડા મોડેલ ઉપયોગ બની શકે તેમ છે તેમ કેબિનેટ સેક્રેટરી રાજીય ગૌબાએ જણાવ્યું હતું. રાજસ્થાનના ભીલવાડામાં માર્ચ ૧૯ ના રોજ કોરોના પોઝિટિવના ર૭ કેસ બહાર આવ્યા બાદ તુરંત જ રાજય વહીવટી તંત્રે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો હતો અને ભીલવાડામાં કફર્યુ લાદી ગામને સીલ કરી દીધું અને એકે એક ઘર અને એક એકનું વ્યકિતના આરોગ્યની ઘરે ઘરે જઇ તપાસ કરવામાં આવી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓને અલગ તારવી  સઘન સારવાર કરવામાં આવી હતી આથી ત્યાં કોરોના અંકુશમાં આવી ગયો હતો. આરોગ્ય તંત્ર, હોસ્પિટલ અને વહીવટી તંત્રના સંયુકત પ્રયાસોથી કોરોનાને અંકુશમાં લેવા કડક પગલા લેવાતા આ મોડેલ અસરકારક બન્યું છે હવે દેશના અન્ય રાજયોમાં આ રીતે કામ કરવામાં આવે તો તેને ઝડપથી અંકુશમાં લઇ શકાય તેમ હોવાથી ભીલવાડા મોડેલ દેશને અન્ય રાજયોમાં પણ લાગુ કરાશે.

દેશના કેટલાક રાજયોમાં વસ્તી વધારે અને ગીચતા અને ગંદકી વધારે હોવાથી કોરોના વધારે ફેલાયો છે ત્યાં અસરકારક પગલા લેવા જરૂરી બન્યા છે. કેટલાક રાજયોઓએ લોકડાઉનનો અમલ કરવામાં કડકાઇ દાખવી નથી ત્યાં કહેર થોડો વધારે છે આથી આવા રાજયોએ પણ કોરોનાને રોકવા તાત્કાલીક કડક પગલા લેવા જરૂરી બનશે.

Loading...