Abtak Media Google News

“ફોજદાર જયદેવે રાષ્ટ્રવાદીઓને સમજાવ્યા કે માનવ અધિકારના નામે પોલીસને હવે પહેલાના જમાના જેવી ધાક બેસાડતા વાર લાગે, પરિવર્તન આવતા વાર લાગે”

બાહુબલી-2

ગઢડા (સ્વામીના) પોલીસ સ્ટેશનમાં ઢસા જંકશન આઉટ પોસ્ટમાં મધ્યસત્ર ચૂંટણી મતદાનના પંદર કલાક પહેલા આચાર સંહિતાનો ભંગ કરી રેલી કાઢી રાષ્ટ્રીય પાર્ટીના બાહુબલી કાર્યકરોએ રાષ્ટ્રવાદી પાર્ટીના કાર્યકરોના ધંધાના સ્થળો ઉપર જઈ મારકૂટ કરી ગામ આખામાં હાહાકાર મચાવી દીધો હતો ચાર જગ્યાએ ચાર કાર્યકરોની ધુલાઈ કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદી પાર્ટીના સ્થાનિક નેતાઓ પોલીસ દળની કાર્યનીતિથી નારાજ હતા આવા સંજોગોમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ ઓઈલમીલની પેઢી ઉપર કેમ જવું તેની વિમાસણમાં તમામ હતા પરંતુ નવા આવેલા ફોજદાર જયદેવે આ મુશ્કેલ કામ પોતે ઉપાડી લીધું.

જયદેવે આ રાષ્ટ્રવાદીઓ પાસે જઈ પ્રથમ તો તેમની હૈયાવરાળ સાંભળવાની હતી પોલીસ અને અધિકારીઓ વિશે મનશાંત રાખી તેમને સાંભળવાના હતા બીજુ કામ કપરૂ અને મુશ્કેલ હતુ ચાર જણાને ઉભી બજારે રેલી કાઢી મારેલા તેમની અલગઅલગ ફરિયાદોને બદલે એક જ એફઆઈઆર નોંધવાની હતી કેમકે તો ગુન્હાનું ગાંભીર્ય ઓછુ થાય તો ઢસાના બે જમાદાર ફરજ મોકૂફ થતા અટકે કેમકે બનાવ સમયે તેમની ત્યાંજ હાજરી હતી અને ફોજદાર બીજુ અને સીપીઆઈ કુબાવત ઈન્કવાયરીમાંથી બચે.

જયદેવ જીપ લઈને બસ સ્ટેન્ડ પાછળ આવેલી પેઢી ઉપર પહોચ્યો અને ભોગ બનેલા રાષ્ટ્રવાદી આગેવાનોને મળ્યો તેમણે જયદેવ પાસે સ્થાપિત ગુંડાગીરીનો રાષ્ટ્રીય પાર્ટીએ કરેલા ઉપયોગ અંગે તથા ઢસા પોલીસ, ફોજદાર બીજુ અને સીપીઆઈ અંગે હૈયાવરાળ કાઢી અને આ લોકોની તો ગુનેગારો ઉપર કોઈ ધાક જ ન હોવા અંગે અને રાષ્ટ્રીય પાર્ટીના સ્થાનિક ઉદ્યોગપતી નેતાથી દબાઈ ગયા અને મળી ગયાના આક્ષેપો કર્યા જયદેવે રાષ્ટ્રવાદીઓને સમજાવ્યા કે આ ‘માનવ અધિકાર’ના નામે ગુનેગારોના હકકના નવાનિયમોને કારણે પોલીસને હવે પહેલાના જમાના જેવી ધાક બેસાડતા વાર લાગે, પરિવર્તન આવતા સમય લાગે. વળી મારે ભાગે તો ગઢડા હાજર થતા વેંત આ ચૂંટણીનું ચકકર આવી ગયું છે. જયદેવ ગઢડા નજીકના જ પોલીસ સ્ટેશનનો દામનગર અને લાઠી ખાતે હતો ત્યારથી જ આ રાષ્ટ્રવાદી નેતાઓ જયદેવની તટસ્થ અને નિષ્પક્ષ અને કડક કાર્યપધ્ધતીથી વાકેફ હતા તેથી તેની ઉપર વિશ્ર્વાસ હતો પરંતુ તેઓ આ મારખાનાર ચારેયની અલગ અલગ ફરિયાદો લખાવવા માટે તો મકકમ જ હતા !

આ બાજુ ઢસા જંકશન પોલીસ ચોકીમાં કુબાવત અને ફોજદાર બીજુ આ ચૂંટણી પહેલાના ચોવીસ કલાક પહેલાના સમય ગાળામાં ઉભી બજારે થયેલ ખેગાળો અને તે પણ ચૂંટણી કમિશ્નર શેષાનના કાર્યકાળમાં તેથી વિમાસણમાં હતા પ્રતિબંધીત સમયગાળામાં સરાજાહેર ઉભી બજારે રેલી કાઢી વેપારીઓ, ધંધાર્થીઓ અને રાજકીય ટેકેદારોને ખૂલ્લી ગુંડાગીર્દી કરી મારમાર્યાના ચાર ચાર ગુન્હા દાખલ થાય તો કાયદો અને વ્યવસ્થા ભાંગી જ પડયાનું સાબીત થાય તો હવે આવતીકાલે પોતાનું સ્થાન અને સ્થિતિ શું હશે તેની મોટી ઉપાધીમાં સીગારેટના કસ ઉપર કસ ખેંચી રહ્યા હતા.

બીજી બાજુ રાષ્ટ્રવાદી ઓઈલ મીલરની પેઢી ઉપર જયદેવ પણ વ્યગ્ર બનોવ્યથામાં હતો કે જે થવાનું છે તે તો થઈ ને રહેવાનું જ છે. કુબાવતનું પેન્શન લટકે કે ફોજદાર બીજુનું અમેરિકા જવાનું અટકે પરંતુ આવતીકાલે મતદાન નીર્વિઘ્ને શાંતીથી કોઈ હોબાળા વગર પુરૂ થાય, કોઈ બહિષ્કાર કે આંદોલન ન થાય તે બાબત જ અગત્યની હતી આ દરમ્યાન જયદેવના મગજમાં એક ઉપાય સુજી આવ્યો પણ આ વિચાર ત્યાં તમામની હાજરીમાં રાયટર ગજાનન જાની ને સમજાવી શકાય તેમ નહતો. અને સમજાવ્યા સિવાય ગજાનન ફરિયાદો લખે તો તેના અમલ થઈ શકે તેમ નહતો. આથી જયદેવે કહ્યું ચાલો ચારેયની ફરિયાદો હું મારા હાથે જ નોંધીશ કેમકે આ બાબત ખૂબ ગંભીર છે. જયદેવના ભૂતકાળની પ્રતિષ્ઠા નિષ્પક્ષ, તટસ્થ અને કડક કાર્યવાહી કરવાનો ઈતીહાસ વર્તમાનમાં રાષ્ટ્રવાદી ભોગ બનનારાઓ ઉપર સારી અસર કરતો હતો તેથી જયદેવે રાષ્ટ્રવાદીઓને ન્યાય મળે તેમજ સીપીઆઈ કુબાવતની નિવૃત્તિ સહીસલામત થાય અને ફોજદાર બીજુ સલામત રીતે અમેરિકા રવાના થાય તે માટે વચલો રસ્તો કાઢ્યો !

જીલ્લા મુખ્ય મથક ભાવનગર ખાતે ઢસા જંકશનના આ બનાવ અંગેની ખાનગીમાં જાણ તો જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેકટરને પણ થઈ ગઈ હતી વળી જિલ્લામાં ખાસ નીમાયેલા ચૂંટણી નિરીક્ષકોને પણ આછો ખ્યાલ આવી ગયેલો તેથી તેમણે કલકેટરને પુછેલ કે ઢસા જંકશનમાં શું બબાલ છે? આથી કલેકટરે કહેલ કે ગુન્હાઓ દાખલ થયાનો પોલીસનો અને ઈન્ટેલીજન્સ શાખાનો વાયરલેસ આવે ત્યારે જ સાચી અને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે, આમ ભાવનગરમાં પણ બીજે દિવસે ઢસામા થનાર મતદાન અંગે ગોઠવાનાર બંદોબસ્ત અને લેવાનાર પગલા અંગે શસ્ત્રો સજાવાઈ રહ્યા હતા તો પ્રેસ અને મીડીયા વાળા પણ તેમની ગરમા ગરમ પ્રેસ નોટો માટે આતુરતા પૂર્વક રાહમાં હતા ટુંકમાં કોઈ ઉપાધીમાં હતા તો કોઈ શુ નવા જૂની થાય તેની રાહમાં હતા.

જયદેવે પ્રથમ તમામ ભોગ બનનારની મૌખીક પુછપરછ કરી એ તારણ કાઢી લીધું કે એક જ ટોળુ કે જેમાં અસામાજીક તત્વો અને માથાભારે ગૂંડાઓ પણ રાજકીય કાર્યકરો સાથે સામેલ થઈ એક સંપ કરી ઉભી બજારે રેલી કાઢી આંતક મચાવ્યો હતો. આથી જયદેવે ચારેય જણાને બેસાડી એક પછી એકની ફરિયાદ લખવા માંડયો. આ ભોગ બનનાર પૈકી એક જણ કાંતો નેતા હતો અથવા વધારે પડતો સક્રિય હતો જે દરેક એફ.આઈ.આર. લખતા દરમ્યાન વચ્ચે કાંઈક ને કાંઈક બોલી ને સલાહ સુચન કરતો હતો. આથી આ જણાતા સક્રિય નેતાની એફ.આઈ.આર. છેલ્લે લખવાની રાખેલી તેની ફરિયાદ લખવાનું ચાલુ કરતા પહેલા જયદેવે તેને કહ્યું કે તમે તો આ બાકીના ત્રણ ભોગ બનનારના બનાવ અંગે પણ બધુ જાણતા લાગો છો? આથી તેણે પોરસાઈને કહ્યું ‘તે તો નેતાગીરી કરવી હોય તો ખ્યાલ રાખવો જ પડે ને?’ આથી જયદેવે તેની ફરિયાદમાં બનાવ જયાંથી શરૂ થયો અને પૂરો થયો ત્યાં સુધીમાં અને બાકીનાં ત્રણ ભોગ બનનારની વિગતો પણ અલગ અલગ પેરેગ્રાફ પાડી લખી લીધી અને તેની ફરિયાદ પુરી કરી અને તેમાં તેની સહી લીધી. આ રાષ્ટ્રવાદી આગેવાનો જયદેવને અગાઉથીઓળખતા હોય તેઓએ જયદેવનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બીજા દિવસના મતદાનના કાર્યક્રમ દરમ્યાન ઢસામાં એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવા વિનંતી કરી. તેમજ તમામ આરોપીઓને તાત્કાલીક પકડીને જેલ ભેગા કરવા વિનંતી કરી. જયદેવે તેમને વિશ્ર્વાસ અને ભરોસો આપ્યો કે આવતીકાલે તમે નિશ્ર્ચિત થઈ મતદાન કરી કરાવજો કારણ કે લગભગ હવે મારે પોતાને જ આ ચૂંટણી પુરી થાય ત્યાં સુધી મુકામ અહી ઢસા જંકશનમાં જકરવો પડશે. આથી જયદેવે રાત્રી રોકાણ ઢસા કરવાનો હોઈ તેઓ ખુશ થયા કે તો તો હવે વાંધો નહી.

જયદેવે ચોકી ઉપર આવી ચીંતાતુર સીપીઆઈ અને ફોજદાર બીજુને પોતે કુનેહપૂર્વક લીધેલ એફ.આઈ.આર.ની વાત કરતા બંને ખુશખુશાલ થઈ ગયા કે આફત ટળી ચાર ગુન્હાની ! પરંતુ જયદેવે તેમને ફરિયાદમા જણાવેલ આરોપીઓના નામની યાદી આપી પકડાય તેટલાને પકડવાનું કહી પોતે ગઢડા આવ્યો અને પોતે છેલ્લે લખેલ નેતાની એફઆઈઆર ઉપરની એક જ ગુન્હો મારામારી, ટ્રેસપાસ, રાયોટીંગ અને ચૂંટણી આચારસંહિતા ભંગ અંગેનો નોંધાવ્યો કેમકે એક જ ટોળા (આરોપીઓ)એ એક જ હેતુ અને મકસદથી એક પછી એક ગુન્હા કર્યા હોય જેને ક્રાઈમની ભાષામાં રનીંગ ઓફેન્સ (ચાલુ ગુન્હો) ગણી બાકીના પહેલા ત્રણ ફરિયાદીઓને સાક્ષી ગણી લેવામાં આવ્યા. દરમ્યાન વાયરલેસ ઓપરેટરે કહ્યું કે જિલ્લા કંટ્રોલ રૂમ વારંવાર ઢસાના બનાવની માહિતીની ઉઘરાણી કરે છે. ભાવનગર મુખ્ય મથકે વાયરલેસ મેસેજ મોકલી જયદેવે પોલીસ વડા સાથે ટેલીફોનથી કરતા તેઓ પણ ફકત એક જ ગુન્હો નોંધાતા ખૂબ ખૂશ થયા અને જયદેવને શાબાશી આપી કેમકે ચૂંટણી કમિશનને ખ્યાલ હતો કે પોલીસ વડાની નીમણુંક ખાસ હેતુની અને રાજકીય હતી તેથી ચૂંટણી કમિશન અંદર ખાને તેમનાથી નારાજ હતુ તેમાં પણ જો આ એક સાથે ચાર ગંભીર ગુન્હા નોંધાય તો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી જ ગણી ને ગઢડાના પોલીસ અધિકારીઓ સાથે તેમને પણ કાંઈક અસર થવાની હતી.

આગુન્હાની તપાસ જયદેવે પોતે સંભાળી ઢસા આવ્યો ત્યાં સીપીઆઈ અને ફોજદાર બીજુ પોલીસ ચોકીમાં બેઠા હતા તેમનાથી જાણવા મળ્યું કે રાબેતા મુજબ આરોપીઓ પૈકી મોટા રાજકીય માથા ભાવનગર તરફ અદ્રશ્ય થઈ ગયા હતા આથી જયદેવે ઉપડયો આંબરડી ઢોરે અને બે ત્રણ આરોપીઓને પકડી મન મનાવ્યું. વળી જયદેવના અનુમાન મુજબ જ પાછળ પાછળ ભાવનગરથી વાયરલેસ હુકમ આવી ગયો કે આવતીકાલનું મતદાન પૂરૂ થાય અને મતપેટીઓ પાછી ગઢડા પહોચી જાય ત્યાં સુધી જયદેવે ઢસા ખાતે જ મુકામ કરવો અને મદદમાં વધુ બે સેકશન એસ.અર.પી.ના જવાનો બંદોબસ્ત માટે ઢસા મોકલવામાં આવ્યા.

ફોજદાર બીજુએ જયદેવને કહ્યું સાહેબ આરાજના કામ ચાલ્યા કરે મોડીરાત્રે ગઢડા આવી જજો વહેલી સવારે પાછા ઢસા જવું. કયાં દૂર છે ? કેમકે ઢસામાં રાત્રીના રોકાવાની સુવિધા નથી અને કયાંક ખાનગી સ્થળે રોકાશો તો વળી રાજકીય આક્ષેપો થશે આથી જયદેવે કહ્યું તેની કોઈ ચિંતા નહિ હવે તમારે ઢસા સિવાય બાકીના ગઢડા તાલૂકાને સંભાળવાનો છે. અહી તો હવે બધુ ગોઠવાઈ જ ગયું છે.

ઢસાના જમાદાર ચુડાસમાએ કહ્યું સાહેબ રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડ પાસે એક જૂની ધર્મશાળા છે. સારી અને સુવિધાજનક પણ છે. જયદેવે કહ્યું ચાલે જોઈ લઈએ તેમ કહી આખો રસાલો આવ્યો ધર્મશાળામાં વિશાળ ડેલો અંદર જતા મોટુ મેદાન અને તેની બંને બાજુ બે માળની ધર્મશાળાના રૂમોની જૂની પુરાણી ઈમારત હતી, હતી તો જૂની બાંધણીની ઈમારત પણ રીનોવેશનની જરૂરત હતી જયદેવે ઐતિહાસીક સત્ય મનમાં વગોળ્યું કે ‘ખંઢેરો કહી આપે છે કે ઈમારત ભવ્ય હશે!’ એક જમાનામાં આ બીલ્ડીંગ (ધર્મશાળા)નો દબદબો હશે તે સમયે ઢસાજંકશન ઉપર પણ ટ્રેનો અને મુસાફરોની પણ પુષ્કળ અવર જવર રહેતી હશે, પરંતુ હાલ તો લગભગ રૂમો બંધ હાલતમાં જ હતા. ફકત નીચેના રૂમોમાં કેટલાક ગામડામાં ફરતા ફેરીયા જેવા મુસાફરો જણાતા હતા તો કેટલાક તો કાયમી કુટુંબ કબીલા સાથે વસી ગયેલા જણાતા હતા.

થોડીવારે એક બુઝર્ગ મહેતાજી કમ મેનેજર આવ્યા વાતચીતથી જાણ્યુ કે તેઓ બે ત્રણ પેઢીથી આ ધર્મશાળાનાં મુનીમ તરીકે કામ કરે છે. જેતે સમયે આ ધર્મશાળા બનવાનું કારણ એવું હતુ કે તે જમાનામાં દિલ્હી, મુંબઈ, મદ્રાસ, કલકતા તરફ વેપાર માટે ગયેલા પોરબંદર, જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા તેમજ મહુવા, કુંડલા, રાજુલા પંથકનાં વેપારીઓ અહિથી પસાર થતી ટ્રેનોમાં મુસાફરી કરતા જેમાં દેશના અન્ય પ્રાંતોમાંથી મહુવા, તળાજા, રાજુલા, સાવરકુંડલાના મુસાફરો એ અહીં ઢસા ખાતે ટ્રેન બદલવી પડતી અને ઘણી વખત દૂરથી આવતી ટ્રેનો મોડી પડતા મહુવા તરફની ટ્રેન ઉપડી જતા મુસાફરોને ચોવીસ કલાક ઢસામાં મુકામ કરીને પડયું રહેવું પડતુ કેમકે તે સમયે ટ્રેનોની આટલી ફ્રીકવન્સી કે વાહનોની સુવિધા જ હતી નહી એસ.ટી.નું તો અસ્તિત્વ જ ન હતુ ભલે પછી તે મુસાફરો કરોડ પતી હોય કે સામાન્ય હોય પણ ઢસા અવશ્ય રોકાવું પડતુ.

આ રીતે એક વખત મુંબઈ બાજુથી મૂળ તળાજા મહુવા પંથકનાં સથરા ગામના વતની કરોડપતી સમૃધ્ધ વેપારી મોતીચંદ શેઠ વતનમાં ટ્રેનમાં મહુવા જતા આ રીતે ટ્રેન ચૂકી જતા ઢસામાં ફસાઈ ગયેલા અને હાડમારી થતા આવી હાડમારી બીજા કોઈ ને ન થાય અને બાળ બચ્ચા તથા કુટુંબ કબીલા સાથે શાંતી અને સલામતીથી રાત્રી મૂકામ કરી શકે તે માટે આ ઢસામાં ધરમશાલા બંધાવી આપેલી જે ધરમશાળાને ઢસા પંથકના લોકો ‘સથરા વાળા મોતીચંદ શેઠની ધરમશાળા’ તરીકે હજુ પણ ઓળખે છે. જે તે સમયથી જ આ ધરમશાળાનો વહીવટ સથરા ગામની બાજુના ત્રાપજ ગામનાંએક દરબારને સોંપેલો તેમના વારસદાર એવા મૂનીમે આવકાર આપીને કહ્યું પધારો પધારો ઘણા લાંબા સમય પછી તમારા જેવા મહેમાન આવ્યા છે.શેઠ માટે નો રીઝર્વ રૂમ તૈયાર જ છે. જયદેવે પુછયું ‘શેઠના વારસદારો કયારેય આવે છે?’ આથી મૂનીમે કહ્યું ‘યાદ પણ આવતુ નથી છેલ્લે કયારે આવ્યા, પણ પ્રથા મુજબ શેઠનો રૂમ હંમેશા તૈયાર રાખવામાં આવે છે.

જયદેવે તે પછી જંકશનથી ઢસા ગામે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આંટો મારી પરોઠા હાઉસમાં વાળુ પાણી કરીને ફરતો ફરતો ઢસા જંકશનમાં રાત્રે બાર વાગ્યે આવ્યો. જીપને ધરમશાળાના ડેલામાં લેતા જ જયદેવે જોયું તો મુનીમજી ફળીયા વચ્ચે ખાટલો ઢાળીને બેઠા હતા અને તેમની ફરતે થોડા માણસો જમીન ઉપર કુંડાળુ વળીને બેઠા હતા એક ખાટલો ઢાળીને તૈયાર રાખેલો જે ખાલી પડયો હતો. તેમણે જયદેવને આવકારીને ખાટલા ઉપર બેસવા આગ્રહ કર્યો બેસતા બેસતા જયદેવે કહ્યું તમારો ડાયરો વાતુ ચાલુ રાખો. બેઠેલા લોકોમાં જુદા જુદા ફેરીયા, વેપારી, ધંધાર્થીઓ હતા તેઓ તેમની દેશી ભાષામાં દેશ દેશાવરની, જૂના જમાનામાં ગામડાઓની સ્થિતિ વાહન વ્યવહાર, ચોર લૂંટારા, ઠગ અને બહારવટીઓના ત્રાસની વાતો ખાસ તો રાત્રીના પડતી મુશ્કેલીઓ અંગેની તેમજ અગમ નીગમની વાતો કરતા હતા જયદેવે પણ વચ્ચે વચ્ચે ટાપશી પૂરાવી વાતો ને પ્રોત્સાહન આપી તેમની વાતો મોડે સુધી સાંભળીને પછી ધરમશાળાના માલીક કમ શેઠના આઝાદી પહેલાના વીવીઆઈપી રૂમમાં સૂઈ ગયો.

જયદેવ ઢસા ધરમશાળામા જ રાત્રીનાં રોકાયાની ખબર રાજકીય ખટપટીયા અને ચૌદસીયા તથા બાહુબલીઓને તેમજ લૂખા, ટપોરીઓ અને ગુંડાઓને ખબર પડતા જ બીજે દિવસે સવારે સાત વાગ્યે શરૂ થયેલ મતદાન પ્રક્રિયા દરમ્યાન કોઈ બજારમાં ફરકયા જ નહી અને મતદાન શાંતીથી પૂરૂ થઈ મત પેટીઓ સલામત રીતે પરત થઈ ગઈ ત્યાં સુધી કોઈ દેખાયાજ નહી!પરંતુ તે પછીના દિવસે જ જયદેવને અનિવાર્ય સંજોગોને કારણે રજા ઉપર જવાનું થયું અને પછી એવા ખાતાકીય સંજોગો સર્જાયા કે જયદેવને ફરીથી ગઢડા પોલીસ સ્ટેશનમાં આવવાનું ન રહ્યું !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.