કોરોના વકરે તે પહેલા તંત્ર ‘સજ્જ’!!!

ડોર ટુ ડોર સર્વે, ક્ધટેઇનટમેઇન્ટ ઝોનની ચુસ્ત અમલવારી કરવી, દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સ

જાળવવા અંગેનું ચેકીંગ, કોરોનાના ટેસ્ટમાં વધારો, ટ્રેસિંગ કરવા સહિતની કામગીરી વધુ સઘન બનાવાઈ

બેખૌફ લોકોની બેવકુફીએ કોરોનાના કેસ વધાર્યા,  હવે કોરોના સામેના બીજા યુદ્ધ માટે તંત્ર એલર્ટ થયું

કોરોના વકરે તે પહેલાં તંત્ર સજ્જ થઈ ગયું છે. કોરોનાનો ગ્રાફ ફરી ઉંચો જવાની તૈયારીમાં હોય તંત્ર દ્વારા રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ જાહેર કરી દઈને આરોગ્ય સેવાઓ સઘન બનાવી દેવામાં આવી છે. બેખૌફ લોકોની બેવકુફીએ કોરોનાના કેસ વધારી દીધા છે જેથી હવે કોરોના સામેના બીજા યુદ્ધ માટે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

રાજકોટમાં તહેવારોની સિઝન બાદ કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. કોરોનાના કેસમાં વધુ ઉછાળો ન આવે એ માટે તંત્ર અત્યારથી જ સજ્જ થઈ ગયું છે. રાજકોટમાં ગઈકાલે રાત્રી કરફ્યુની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે રાત્રીથી તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવનાર છે. જેમાં રાત્રીના ૯થી ૬ સુધી ઇમરજન્સી સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

તહેવારોની સીઝનમાં બેખૌફ લોકોની બેવકુફીથી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ખાસ કરીને તહેવાર પૂર્વે બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. તહેવારો બાદ કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં વધારો થાય તે પૂર્વે જ તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.

રાજકોટમાં આરોગ્ય સેવા સઘન બનાવી દેવામાં આવી છે. જેમાં આજથી સાત જગ્યા પર ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરી, ત્રિકોણ બાગ, બાલાજી હોલ પાસે, રૈયા રોડ, પેડક રોડ – બાલક હનુમાન મન્દિર પાસે, કે કે વી ચોક અને કિસાનપરા ચોકમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.

આ સાથે ક્ધટેઇન્ટમેઇન્ટ ઝોન નક્કી થયા બાદ તેમાં તમામ નિયમોની ચુસ્ત અમલવારી થાય તેના ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ક્ધટેઇન્ટમેઇન્ટ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી વ્યવસ્થાનું આયોજન પણ ગોઠવવામાં આવ્યું છે. આ સાથે બજારોમાં ચા- પાનની દુકાનો બહાર લોકોની ભારે ભીડ રહેતી હોય સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડતા હોય  જેને ડામવા માટે પણ તંત્ર દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

ઉપરાંત ક્વોરન્ટાઈન લોકો નિયમોનું પાલન કરે તેના ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જો ક્વોરન્ટાઈન લોકો ઘરે નહિ મળી આવે તો તેમને તુરંત પકડીને કેન્દ્રમાં દાખલ કરવાની અધિકારીઓએ સૂચના જાહેર કરી છે. આમ આરોગ્ય સેવાને વધુ સઘન બનાવવામાં આવી છે. જેથી કોરોનાના કેસો વધે નહિ.

બીજી તરફ કરફ્યુ જાહેર કરાયો છે. તેની ચુસ્ત અમલવારી કરાવવા પણ પોલીસ વિભાગે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. રાત્રીના સમયે કામ વગર બહાર લટાર મારતા લોકો સામે કડક હાથે કામ લેવાની ઉપરી અધિકારીઓએ સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે. જેથી બેખૌફ લોકો ઉપર રોક લાગી શકે અને કોરોનાનું સંક્રમણ થતું અટકે. આમ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે. કોરોનાના કેસો વધે નહિ તે માટે તમામ પગલાઓ લેવામાં આવ્યા છે.

કેસની સંખ્યા વધતા મહાપાલિકા એકશન મોડમાં આવી છે. આ સાથે જ રાજકોટમાં આરોગ્ય કેન્દ્રોમાં ૪૯૪૧ની ઓપીડી નોંધાઇ છે. ૫૦ ધન્વંતરિ રથથી ત્રણ દિવસમાં ૨૬૨૧૦ લોકોને તપાસાયા છે. ૪૦૦ થી વધુ સર્વેલન્સ ટીમ દ્વારા ત્રણ દિવસમાં ૫૫૨૧૧ ઘરનો સર્વે કરાયો છે. હાલમાં તંત્ર દ્વારા ધન્વંતરિ રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ, કોવિડ ટેસ્ટિંગ વ્હિકલ અને ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયો છે. રાજકોટ જિલ્લા કલેક્ટરે શહેર અને ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરીને ટેસ્ટિંગ, સર્વેલન્સ, સારવાર પર ખાસ ધ્યાન રાખવા સૂચના આપી છે. શહેરી વિસ્તારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટિંગનો અમલ શરૂ કરવાનું કહેતા મનપાની ટીમ શહેરભરમાં ફરી હતી અને જ્યાં ભીડ દેખાઇ તેવી ૬ દુકાનોને સીલ માર્યા છે. ટેસ્ટની સંખ્યા વધારવા માટે ૭ ટેસ્ટિંગ બૂથ કાર્યરત કરાયા છે જ્યા સવારના ૯થી સાંજના ૫ વાગ્યા સુધી ટેસ્ટિંગ કરાશે. જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહન જણાવે છે કે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

Loading...