આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા સુરતની ટિમ ખાસ મશીન સાથે રવાના

72

મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા કલેકટર તંત્ર, જિલ્લા પંચાયત અને મહાપાલિકાનું સંયુક્ત ઓપરેશન

અમદાવાદ- જૂનાગઢથી પણ ટિમ મદદ માટે આવશે, લોકલ એજન્સીઓ પણ કામગીરીમાં સાથે રહેશે: રૂ.૧.૬૫ કરોડના ડિવેડર મશીન સાથે ટિમ પાણીમાં ઉતરશે અને ગાંડી વેલનો સફાયો કરશે: મશીનનું એક મહિનાનું ભાડું રૂ.૯ લાખ!!

કોઈ પણ વિભાગ પ્રશ્ર્નથી ભાગી નહિ શકે, તમામ વિભાગે સાથે મળીને પ્રશ્ર્ન હલ કરવાનો છે: કલેકટર રેમ્યા મોહન

બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરના ઉપદ્રવનો મામલો છેક રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. આ મામલે મુખ્યમંત્રીએ કાર્યવાહીના આદેશ  આપ્યા બાદ તમામ સરકારી વિભાગો હરકતમાં આવ્યા છે. કલેકટર તંત્ર, જિલ્લા પંચાયત અને મહાપાલિકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે પહેલા ગાંડી વેલનો સફાયો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે સુરતથી ડિવેડર મશીન સાથે એક ખાસ ટિમ બોલાવવામાં આવી છે. જે સુરતથી રવાના થઈ ગઈ છે.

આ મામલે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે કોઈ પણ વિભાગ આ પ્રશ્નથી ભાગી નહિ શકે. તમામ સરકારી વિભાગોએ સાથે મળીને સંકલન કરી આ પ્રશ્નનો નિવેડો લાવવાનો છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જ્યા સુધી ગાંડી વેલ છે ત્યાં સુધી ફોગીંગની કોઈ અસર દેખાશે નહિ. માટે મચ્છરોની ઉપદ્રવ ઘટાડવા માટે પહેલા ગાંડી વેલને નેસ્તનાબુદ કરવી જરૂરી છે. જો કે મહાપાલિકા પાસે હાલ ગાંડી વેલ હટાવવાના કોઈ સાધન નથી. ગાંડી વેલ હટાવવા માટે ડિવેડર નામનું ખાસ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે. જે અમદાવાદ મહાપાલિકા અને સુરત મહાપાલિકા પાસે હયાતમા છે. આજી નદીમાં ગાંડી વેલનું આક્રમણનો સફાયો કરવા માટે સુરતથી ડિવેડર મશીન મંગાવાયું છે.

આ મશીન લઈને એક ટીમ ત્યાંથી રવાના થઈ છે. જે આવતા વેંત જ પહેલા સ્થળનું નિરીક્ષણ કરશે અને કઈ રીતે ગાંડી વેલ દૂર કરવી તેનું આયોજન ઘડશે. વધુમાં કલેકટરે ઉમેર્યું છે. ગાંડી વેલ હટાવવા માટે અમદાવાદ અને જૂનાગઢથી પણ ટિમ આવવાની છે. ઘણી લોકલ એજન્સીઓએ પણ આ કામગીરીમાં મદદરૂપ બનવા માટે તૈયારી દર્શાવી છે. જેથી તેઓને પણ આ કામગીરીમાં સામેલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગાંડી વેલ હટાવવાનું ડીવેડર મશીન ખૂબ મોંઘું આવે છે. અમદાવાદ મહાપાલિકા પાસે જે ડિવેડર મશિન છે તે રૂ. ૧.૬૫ કરોડની કિંમતનું છે. આ મશીન ભાડાપટ્ટા પર પણ મળી શકે છે. મશીનનું એક મહિનાનું અધધધ રૂ. ૯ લાખ ભાડું વસુલવામાં આવે છે. જો કે સુરતનું આ મશીન રાજકોટ આવી રહ્યું છે તેનો ખર્ચ રાજ્યસરકાર ભોગવવાનું છે.

ગાંડી વેલના પ્રશ્નનો કાયમી નિવેડો લાવવા રૂ.૧.૬૫ કરોડનું મશીન વસાવવા મહાપાલિકાની વિચારણા

ગાંડી વેલને હટાવવા માટે એક માત્ર ઉપયોગમાં લેવામાં આવતું ડીવેડર મશીન અંદાજે રૂ. ૧.૬૫ કરોડમા આવે છે. આ મશીનથી ગાંડી વેલ હટાવ્યા બાદ ફરી તે ઉગવા લાગે છે. માટે સમયાંતરે મશીનના ઉપયોગથી ગાંડી વેલને હટાવવાનું કામ કરતું રહેવું પડે છે. આ મશીનનું ભાડું માસિક રૂ. ૯ લાખ છે. જે મોંઘું પડે તેમ છે માટે મહાપાલિકા દ્વારા આ મશીન વસાવવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

લોકલ એજન્સીનો દેશી તુક્કો: બોટ ઉપર માત્ર રૂ.દોઢ કે બે લાખના ખર્ચે ગાંડી વેલ કાપવાનું મશીન બનાવી આપશે

હાલ રાજકોટમાં તંત્ર પાસે ૭ વર્ષ જૂની એક એર બોટ પડી છે. જે હાલ ઉપયોગમાં લેવામાં આવતી નથી. આ બોટના ઉપયોગથી ગાંડી વેલના આક્રમણને નાબૂદ કરવાનો એક લોકલ એજન્સીએ દેશી તુક્કો શોધી આપ્યો છે. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા આ તુક્કાને લીલીઝંડી પણ આપી દેવામાં આવી છે. જેથી તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. અંદાજે ૪ દિવસમાં આ બોટ તૈયાર થઈ જશે. લોકલ એજન્સી આ બોટ ઉપર રૂ. દોઢ થી બે લાખના ખર્ચે રોટાવેટર ફિટ કરીને મશીન તૈયાર કરવામાં આવશે. બાદમાં આ બોટને આજી નદીમાં ચલાવીને ગાંડી વેલને કાપવામાં આવશે. આ બોટ છીછરા પાણીમાં પણ સરળતાથી જઇ શકે છે.

Loading...