એક દિવસના નહીં કલાકના ‘સુલતાન’ને ઘર ભેગા કરાયા!

‘સેવાના નામે મેવા’લાલ ફસાયા !!!

બિહારના શિક્ષણ મંત્રી મેવાલાલે હોદ્દો સંભાળ્યાના કલાકોમાં જ ભ્રષ્ટાચારના મુદ્દે રાજીનામુ આપવું પડ્યું

હાથના કર્યા…‘હોદ્દા’ને લાગ્યા ? જાહેર જીવન અને રાજકારણમાં લાંબી સેવા અને રાજકીય તપસ્ચર્યા બાદ મોટા હોદ્દાના શીરપાવ મળતા હોય છે પરંતુ કેટલાક કિસ્સામાં રાજકીય તરક્કી મેળવવામાં ખર્ચાયેલા દાયકાઓ કલાકોમાં જ વ્યર્થ ચાલ્યા જાય છે. બિહારના નવા વરાયેલા શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીને શિક્ષણ મંત્રીનું પદ મળ્યા બાદ શપથવિધિના ૩ કલાકમાં જ ભ્રષ્ટાચારના મામલે રાજીનામુ ધરી દેવું પડ્યું હતું.

શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીને સેવાના બદલે મેવા લેવાનું મોંઘુ પડ્યું હોય તેમ બિહાર કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂંકમાં થયેલ ગેરરીતિ બદલ પદ ત્યાગ કરવાની ફરજ પડી હતી.

બિહારના રાજકારણમાં ભારે દબદબા સાથે ઉભરી આવેલા વિપક્ષ નેતા તેજસ્વી પ્રસાદ યાદવે મુખ્યમંત્રી નીતિષકુમારની ભ્રષ્ટાચાર મુક્ત શાસનની નીતિ સામે પ્રશ્ર્ન ઉઠાવી મેવાલાલ સામેના ભ્રષ્ટાચારના કેસનો મુદ્દો સમયસર ઉઠાવીને લોઢું તપતુ હતું ત્યારે સરકારને શિક્ષણ મંત્રી પાસેથી રાજીનામુ લઈ લેવાની ફરજ પડાવી હતી.

શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ શપથવિધિની ત્રણ કલાક બાદ જ રાજ્યપાલ ફાગુ ચૌહાણને આપેલુ રાજીનામુ રાજ્યપાલે સ્વીકારી લીધુ હતું અને શિક્ષણ મંત્રીનો ખાલી થયેલો હવાલો બાંધકામ મંત્રી અશોક ચૌધરીને સોંપાયો હતો. મેવાલાલે ગુરૂવારે ૧૨:૩૦ વાગ્યે શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ લીધો હતો અને તેમણે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રથમ બેઠક કરવાની તૈયારી કરી હતી ત્યાં જ મુખ્યમંત્રી કાર્યાલયેથી કહેણ આવ્યું હતું અને નીતિશકુમારે અર્ધી કલાકમાં જ ચર્ચા કરી તેમને રાજીનામુ આપવાની ફરજ પાડી હતી. જો કે મેવાલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુનો પુરવાર થાય પછી જ આરોપ ગણાય, મને ન્યાય પર ભરોસો છે.

તેજસ્વી યાદવે આ અંગે ટ્વીટ પર જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી વ્યક્તિનો ભાંડો ફૂટી ગયા બાદ હવે નોટંકી થઈ રહી છે. તેમણે મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે કથની અને કરણી અલગ અલગ હોવાનો આક્ષેપ કર્યો હતો. મેવાલાલ સામે ઓગષ્ટ ૨૨ ૨૦૧૭ના રોજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિયુક્તિમાં ભ્રષ્ટાચાર અંગે એફઆઈઆર થઈ હતી. મેવાલાલને હાથના કર્યા છેલ્લે હોદ્દે લાગી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે.

તેજસ્વીનો ‘તાપ’ નીતિશને ભારે પડશે!

બિહારના રાજકારણમાં એકાએક ઉભી આવેલા તેજસ્વી યાદવના લલાટે ભલે સત્તાનો રાજયોગ નથી લખાયો પરંતુ બિહારના રાજકારણમાં તેજસ્વી યાદવનો સૂર્ય અત્યારે મધ્યાહને તપી રહ્યો છે. ભાજપ અને જનતા દળ યુનાઈટેડ સામે તેજસ્વી ભારે પડી રહ્યાં છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશિલકુમાર મોદી અને પ્રેમકુમારને તેજસ્વી યાદવના પરિતાપથી હાસીયામાં ધકેલાઈ જવું પડ્યું છે. આવનાર દિવસોમાં તેજસ્વીનો પરિતાપ નીતિશને ભારે પડી શકે છે. નીતિશકુમારને પટણા સાહેબ ધારાસભ્ય નંદકિશોર યાદવ અને અન્ય નેતાઓને સાચવવા માટે સરકાર રચાઈ નથી ત્યાં ફેરફાર કરવાની ફરજ પડી છે. તેજસ્વી યાદવનું કદ બિહારમાં વધ્યું છે ત્યારે નીતિશકુમાર આવનાર દિવસોમાં તેજસ્વીનો પરિતાપ ભારે પડશે.

ભાજપના નીતિશકુમારની અધ્યક્ષતાવાળી એનડીએ સરકારમાં રહેલા ૭ મંત્રીમાં મંગલ પાંડે, રેણુ દેવી, નંદકિશોર, રામ સુરત રાય, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયને યાદવ સમુદાયને રાજી રાખવા માટે મનાવી લેવામાં આવ્યા છે. તેજસ્વી યાદવ આવનાર દિવસોમાં અવસ્યપણે એક હથ્થુ શાસન ધરાવતા નીતિશકુમારને ભારે પડશે.

Loading...