Abtak Media Google News

ગુજરાતમાં કોરોનાનો ઉથલો, એક જ દિ’માં ૧૨૮૧ નવા કેસ: ૮ રામશરણ

ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોનાના ભુતાવળ માનવ સમાજનો ટૂંકમાં પીછો છોડે તેમ નથી લાગતું. હજુ આ વિશમ પરિસ્થિતિ નિરંતર લાંબી ને લાંબી થવાની હોય તે નિશ્ર્ચિત બન્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો વધુ એક નવો વાયરો ઝઝુમી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૫ લાખનો આંકડો વટાવી ચૂકી છે અને એક દિવસમાં ૧૩૩ મૃત્યુની સત્તાવાર નોંધણી થઈ છે. ગુજરાતની પરિસ્થિતિ પણ ચિંતાજનક બનતી જતી હોય તેમ ૨૪ કલાકમાં ૮ મૃત્યુ અને ૧૨૮૮ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનો વાયરો કાબુમાં આવ્યો હોવાના અણસાર ‘ભ્રામક’ પુરવાર થયા હોય તેમ લોકડાઉનના તબક્કાની પૂર્ણાહુતિ અને અનલોકના પ્રયાસોમાં લોકોએ બેખૌફ બનીને કરેલી મુર્ખામી ફરીથી સમગ્ર દેશ માટે જોખમી પુરવાર થઈ રહી હોય તેમ કોરોનાના નવા વાયરાથી પરિસ્થિતિ જોખમી ‘મોડ’માં આવી ચૂકી છે.

ગુજરાતમાં સંક્રમિત દર્દીની સંખ્યાનો આંકડો ૧.૯૧ લાખે પહોંચ્યો છે અને કુલ મૃત્યુનો આંકડો ૩૮૨૩ સાથે મૃત્યુદરનો આંક મંગળવારે ૨ ટકાએ પહોંચી ચૂક્યો હતો. દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાના ક્રમમાં ગુજરાતનો નંબર અત્યારે ૧૨મો છે. ગુજરાતમાં નોંધાયેલા નવા કેસોની વિગતમાં સુરત ૨૨૪, અમદાવાદ ૨૨૦,  રાજકોટમાં ૧૬૧, વડોદરામાં ૧૪૨ અમદાવાદમાં સતત ચોથા દિવસે ૨૦૦થી વધુ કેસની નોંધણી થઈ હતી. સુરતમાં નવા કેસોની સંખ્યામાં ૧૪.૫ ટકાનો વધારો થયો હતો. ૪૫ દિવસમાં સૌથી વધુ ૧૫૮ માંથી ૧૮૧ કેસો સાથે સુરત વધુ અસરગ્રસ્ત શહેર બન્યું હતું. અમદાવાદમાં ૫, સુરતમાં ૨ અને પાટણમાં ૧ મૃત્યુ સાથે છેલ્લા ૩૦ દિવસમાં રાજ્યમાં કુલ ૬૯ મૃત્યુ થયા હતા.

રાજ્યમાં સતતપણે નવા કેસના ઉમેરાને કારણે દવાખાનાઓમાં પણ આઈસીયુ અને વેન્ટિલેટરની અછત ઉભી થઈ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ૪૫૦ ખાટલા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ સગવડતા વધારવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૭૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ૨૪ કલાકમાં ૫૪૨૫૬ પરીક્ષણ કરવામાં આવ્યા હતા અને કુલ આંક ૬૯.૭૮ લાખએ પહોંચ્યો છે. લોકોની બેવકુફીથી સમગ્ર દેશમાં કોરોનાનો નવો વાયરો આવી ગયો હોય તેમ દિલ્હીમાં કોરોનાના દર્દીનો આંક ૫ લાખને વટી ગયો છે. એક જ દિવસમાં દિલ્હીમાં કુલ ૧૩૧ મૃત્યુ નોંધાયા હતા. દિલ્હીમાં કુલ ૯૨ ટકા આઈસીયુમાં વેન્ટિલેટર સુવિધા અને ૮૭ ટકામાં આઈસીયુ વગર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દિલ્હીમાં ૨૪ કલાકમાં પરીક્ષણનો આંક ઝડપી બનાવવામાં આવ્યો છે અને કુલ ૬૨૨૩૨ દર્દીના પરિક્ષણમાંથી એક જ દિવસમાં ૭૪૮૬ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. દેશભરમાં અત્યારે કોરોનાની પરિસ્થિતિ વકરતી જતી હોય તેમ લોકડાઉનના નિયમોમાં આપેલી છુટછાટથી લોકોએ કરેલી બેવકુફી અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોની ઐસી તૈસી કરીને વ્યાપક પ્રવાસ અને બજારોમાં ભીડ અને લોકોના ટોળા વળવાની ટેવથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનું જોખમ દિવસે-દિવસે વધતુ જાય છે. આગામી દિવસોમાં કોરોનાના પરિસ્થિતિ વધુ વકરે તેવો સંદેહ સેવાઈ રહ્યો છે.

કોરોનાની રસી ઘેર-ઘેેર પહોંચાડવા ‘ચૂંટણીપ્રથા’ કામે લગાડાશે

કોરોનાની રસી તૈયાર થવામાં છે ત્યારે વિશાળ જન સંખ્યા ધરાવતા દેશમાં આ રસી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી મોટો પડકાર હોય તે સ્વાભાવિક છે ત્યારે ભારતમાં જન જન સુધી વેક્સિન પહોંચાડવા માટે ચૂંટણીપ્રથા અને પરિવહન ક્ષેત્રનો ચાવીરૂપ ઉપયોગ કરી શકાય તેમ છે. સમગ્ર દેશમાં કોરોનાની રસીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના મતે સપ્ટેમ્બર મહિના સુધીમાં આવનારી આ રસીનું વિતરણ મોટો પડકાર બની રહેશે. ૧૫૦ રાષ્ટ્રોમાં કોરોનાની રસીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રસી દુનિયાના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી તે ભગીરથ કાર્ય માનવામાં આવી રહ્યું છે ત્યારે ફાર્માસ્યુટીકલ અને પરિવહન ક્ષેત્રના નિષ્ણાંતનું માનવું છે કે, ઘર-ઘર સુધી આ રસી પહોંચાડવી અઘરૂ કામ છે. ભારતમાં ચૂંટણી વ્યવસ્થા તંત્ર અને પરિવહન ક્ષેત્રને ઘર-ઘર સુધી કોરોના રસી પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશના છેવાડાના વિસ્તારો સુધી ચૂંટણીપંચ દ્વારા પોલીંગ બુથ અને ઈવીએમ મશીન પહોંચાડવામાં કામે લગાડવામાં આવશે. તેવી જ રીતે પરિવહન વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરી

ઘર-ઘર સુધી કોવિડ-૧૯ની રસી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત માટે વિશાળ ચૂંટણી વ્યવસ્થા અને પરિવહન સુવિધા કોવિડ-૧૯ની રસી પહોંચાડવા માટે અસરકારક માધ્યમ બની રહેશે.

કોરોનાની રસી લોકોને “મફત આપવી જોઈએ: નારાયણ મૂર્તિ

સમગ્ર વિશ્ર્વ પર અત્યારે કોરોનાનો મહા ભરડો માનવ જાતને સકંજામાં લઈ ચૂક્યો છે ત્યારે કોરોનાની રસી દરેક લોકોને વિનામુલ્યે મળી રહે તેવી વ્યવસ્થાની ઈન્ફોસીસના સીઈઓ સ્થાપક એન.આર.નારાયણમુર્તિએ હિમાયત કરી છે. માધ્યમોને આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિજીટલ યુગમાં કોર્પોરેટ ક્ષેત્ર અને સરકારના સહયોગથી દરેક વ્યક્તિને કોરોનાની રસી વિનામુલ્યે મળવી જોઈએ. ઈન્ફોસીસના ૧૨માં વર્ષમાં પ્રવેશ વખતે તેમણે જણાવ્યું હતું કે, અમને અમારી પ્રગતિથી સંતોષ છે. બે વાર નોબલ પ્રાઈઝનું પુરસ્કાર અમારા માટે આશિર્વાદરૂપ છે ત્યારે ભારતના ૧૫૦૦થી વધુ વૈજ્ઞાનિકો ઈશ્ર્વરના ટોચના વૈજ્ઞાનિકોમાં સામેલ થયા છે. ૨ ટકા જેટલા વૈજ્ઞાનિકો નિતી ઘડતર અને આયોજનમાં જોડાયેલા છે. ભારતમાં કોરોનાની મહામારી સામે નક્કર અને સધ્ધર આયોજન કરવામાં આવ્યું છે. તેવા સંજોગોમાં કોર્પોરેટ સેકટરના સહયોગથી ભારતમાં કોવિડ-૧૯ની આગામી રસી વિનામુલ્યે મળવી જોઈએ

તેમ ઈન્ફોસીસના એન.આર.નારાયણ મુર્તિએ હિમાયત કરી હતી. દેશમાં લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ છે, શિક્ષણ કાર્ય બંધ હોવાથી શાળા સંચાલકો અને વાલીઓ બન્નેને આર્થિક બોજો આવી પડ્યો છે. અર્થતંત્ર પણ મંદીમાં સપડાયું છે તેવા સંજોગોમાં કોર્પોરેટ જગતે સહયોગ આપી  સરકારને કોરોનાની રસી વિનામુલ્યે વિતરણ કરવામાં સહાય કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.