Abtak Media Google News

પિતાનાં આદર્શો અને રાહ પર ચાલવાની કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની નેમ

ખેડુતો માટે આજીવન સંઘર્ષ કરનાર સૌરાષ્ટ્રનાં લડાયક સહકારી નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની ચીરવિદાય બાદ તમામ વર્ગ સાથે ખેડુતોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે આ ખમીરવંતા ખેડૂતનેતાની યાદોને કાયમી ધોરણે અમર કરવા રાજકોટ જીલ્લાના લોધીકા ખાતે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

લોધિકા ખાતે લેઉવા પટેલ સમાજ ભવનનાં પ્રાંગણમાં ખેડૂતનેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા, આર.સી.ફળદુ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, માજી મંત્રી દિલીપભાઈ સંઘાણી, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, ધારાસભ્ય રાઘવજી પટેલ, ક્રેડાઇના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરા, રા.લો.સંઘના ચેરમેન નીતન ઢાંકેચા, સવર્ણ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, જીલ્લા ભાજપપ્રમુખ ડી.કે.સખિયા, સરદાર પટેલ જળસંચય નિગમના ચેરમેન ડો. ભરતભાઇ બોધરા, ચંદુભાઇ પરસાણા, ગોરધનભાઇ ધામેલીયા, ધનશ્યામ પાંભર, વી.પી. વૈષ્ણવ, ચંદુભાઇ બોરડ, વલ્લભભાઇ તારપરા, શિવલાલભાઇ વેકરીયા સહિતના લેઉવા પટેલ સમાજના મહાનુભાવો ઉપરાંત વિશાળ સંખ્યામાં સમાજના સ્થાનિક લોકો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે આવેલા મહાનુભાવોનું ખુલ્લી જીપમાં બેન્ડવાળાની સુરાવલીઓ સાથે બાળાઓએ કુમકુમ તીલક કરી ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ જયેશભાઇ રાદડીયા, નરેશભાઇ પટેલ, આર.સી.ફળદુ સહિતના મહાનુભાવો હસ્તે લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત હજારો લોકોએ વિઠ્ઠલભાઇ અમર રહોના ગગનભેદી નારા લગાવતા વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

11

આ પ્રસંગે કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયાએ પોતાના લાગણીસભર પ્રવચનમાં જણાવ્યું હતું કે મારા પિતાએ સમાજ માટે અનેક સદકાર્યો કર્યા છે અનેક ગામડાઓમાં લેઉવા પટેલ સમાજના ભવનો ઉપરાંત જામ-કંડોરણા જેવા દુર્ગમ અને પછાત તાલુકામાં નમુનેદાર શિક્ષણ ધામ ઉભુ કરી સમગ્ર તાલુકાની શિકલ બદલી નાખી છે. મારા પિતાના આદર્શો અને રાહ ઉપર ચાલી હું પણ સમાજ સેવા કરવા કટીબધ્ધ છું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે પણ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સમાજ અને ખેડૂતો પ્રત્યેની ભાવનાને યાદ કરતા જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઇના જવાથી માત્ર લેઉવા પટેલ સમાજને જ નહીં સમગ્ર ખેડૂતવર્ગને જબરી ખોટ પડી છે. લોકોએ એક સંઘર્ષશીલ નેતા ગુમાવ્યા છે.

કેબીનેટમંત્રી આર.સી.ફળદુ, દિલીપભાઈ સંઘાણી, રાધવજીભાઇ પટેલ, ડો. ભરત બોઘરા, ડી.કે.સખીયા સહિતના નેતાઓ પણ વિઠ્ઠલભાઇએ સમાજ અને ખેડૂતો માટે કટેલા કામો અને સુવાસ તેમને કાયમી અમર રાખશે તેમ જણાવ્યું હતું. સાથો સાથ શિક્ષણ અને સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઇ રાદડીયાએ આપેલા બેનમુન પ્રદાનને લોકો આજીવન યાદ રાખશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.