Abtak Media Google News

નગરપાલિકા વિસ્તારમાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રિજનો ખર્ચ પણ સરકાર જ ઉઠાવશે: બજેટમાં નીતિન પટેલની ઘોષણા

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થા પાસે પુરતી આર્થિક ભંડોળ ઉપલબ્ધ ન હોવાના કારણે બ્રિજના નિર્માણનું કામ ગતિ પકડતું નથી ત્યારે આજે વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું વચગાળાનું બજેટ રજુ કરતા રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૮ મહાપાલિકા વિસ્તારમાં નિર્માણાધીન ૫૪ ફલાય ઓવરબ્રિજ અને નગરપાલિકા વિસ્તારમાં નિર્માણાધીન ૭૫ ફલાય ઓવરબ્રિજનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ઉઠાવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત અપાવવા માટે અમદાવાદ મહાપાલિકા દ્વારા ૨૦, સુરત મહાપાલિકા દ્વારા ૧૦, વડોદરા મહાપાલિકા દ્વારા ૮, રાજકોટ મહાપાલિકા દ્વારા ૮, જામનગર મહાપાલિકા દ્વારા ૩, ભાવનગર મહાપાલિકા દ્વારા ૩ અને જુનાગઢ મહાપાલિકા દ્વારા ૨ સહિત મહાપાલિકા વિસ્તારમાં કુલ ૫૪ અંડરબ્રીજ કે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. તેના નિર્માણનો તમામ ખર્ચ રાજય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. આટલું જ નહીં રાજયની અલગ-અલગ નગરપાલિકાઓ દ્વારા પણ ૭૫ બ્રીજ બનાવવા માટે કામગીરી હાલ ચાલી રહી છે જેનો ખર્ચ પણ રાજય સરકાર ઉઠાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકાએ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના બજેટમાં શહેરમાં ૭ સ્થળે ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની ઘોષણા કરી છે જેના માટે ૭૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજે રાજય સરકારે મહાપાલિકા વિસ્તારમાં બનતા તમામ બ્રીજનો ખર્ચ ઉઠાવવાની ઘોષણા કરતા મહાપાલિકાને મોટી આર્થિક રાહત થવા પામી છે.

રેલવે ફાટક મુકત ગુજરાત રૂ.૬૫૦૦ કરોડ ફાળવાયા રેલવે ક્રોસીંગે બ્રિજ બનાવવાનો ૫૦ ટકા ખર્ચ કેન્દ્ર અને ૫૦ ટકા ખર્ચ રાજય સરકાર ઉઠાવશે

ગુજરાતને સંપૂર્ણપણે રેલવે ફાટક મુકત રાજય બનાવવા માટે આજે બજેટમાં રાજય સરકાર દ્વારા ૬૫૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. હાઈવે પર ફાટક હોય અને ટ્રાફિક રહેતું હોય તો ત્યાં માર્ગ-મકાન વિભાગ દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજયમાં અલગ-અલગ ફાટક ખાતે ૧૩૫ ઓવરબ્રિજ અને ૭૫ અંડરબ્રિજ બનાવવાની આવશ્યકતા છે જેના માટે ૬૫૦૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.રેલવે ક્રોસીંગ ખાતે બ્રિજ બનાવવા માટે જે ખર્ચ થશે તેમાં ૫૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે અને ૫૦ ટકા ખર્ચ રાજય સરકાર ભોગવશે.સ્ટેટ કે નેશનલ હાઈવે પર રેલવે ફાટક આવેલું હોય અને ત્યાં સતત ટ્રાફિકની સમસ્યા રહેતી હોય અને બ્રીજ બનાવવાની આવશ્યકતા જણાય તો આ બ્રીજ બનાવવાની કામગીરી માર્ગ-મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.